હરિયાણાના નૂહમાં ગુરૂવારે (16 નવેમ્બર) ધાર્મિક પૂજાવિધિ માટે મંદિરે જતી હિંદુ મહિલાઓ પર પથ્થરમારો થવાની ઘટના બની. આ ઘટના એક મદરેસા પાસે બની હતી, જેમાં અમુક તોફાની તત્વોએ પથ્થર ફેંક્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં FIR દાખલ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરૂવારે રાત્રે 8:20 આસપાસ બની હતી. મહિલાઓ કૂવા પૂજન માટે જઈ રહી હતી ત્યારે તેઓ મદરેસા નજીક પહોંચ્યાં ત્યારે અમુક લોકોએ પથ્થર ફેંક્યા હતા, જેમાં બાળકો પણ સામેલ હતાં. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં 3 મહિલાઓને ઈજા પહોંચી હતી.
જેના કારણે હિંદુ-મુસ્લિમ સમુદાયના લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને માહોલ તણાવપૂર્ણ બન્યો હતો. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી. જાણ થતાં જ નૂહ SP સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. પોલીસે આ મામલે FIR દાખલ કરીને પૂછપરછ માટે મૌલવીને તેડું મોકલ્યું છે.
#WATCH | After reports of stone-pelting in Haryana's Nuh, SP Nuh, Narendra Singh Bijarniya says, "Some females were going for 'Kuan Poojan' and there has been a complaint that stones were pelted by some children from the madrasa. People from both communities gathered here in this… pic.twitter.com/oM2XtQLq1y
— ANI (@ANI) November 16, 2023
નૂહ SP નરેન્દ્ર સિંઘ બિજરનિયાએ એજન્સી ANIને જણાવ્યું કે, “સાંજે અમુક મહિલાઓ કૂવા પૂજન માટે જઈ રહી હતી. ફરિયાદ મળી છે કે અહીં મદરેસા પરથી અમુક બાળકોએ તેમની ઉપર પથ્થર ફેંક્યા છે. જેને લઈને બંને સમુદાય એકઠા થઈ ગયા હતા. પોલીસે સમજાવટ કરીને બંને સમુદાયના લોકોને પરત ઘરે મોકલી દીધા છે. અમે FIR દાખલ કરી છે અને મદરેસાના મૌલવીને બોલાવવામાં આવ્યા છે. લોકોને અપીલ છે કે શાંતિ જાળવી રાખે.”પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે, ઇજાગ્રસ્ત મહિલાઓના મેડિકલ પરીક્ષણ માટે મોકલવામાં આવી છે. જોકે એમ પણ કહ્યું હતું કે ઘટનામાં કોઈને વધુ ઈજા થઈ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત જુલાઈ અંતમાં હરિયાણાના નૂહમાં મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી. 31 જુલાઈના રોજ વિશ્વ હિંદુ પરિષદ અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા નૂહમાં બ્રિજમંડળ જળાભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા શિવમંદિરે પહોંચવાની હતી, પરંતુ તે નીકળીને થોડી આગળ જઈને મુસ્લિમ વિસ્તારમાં પ્રવેશી ત્યાં જ પથ્થર ફેંકાવાના શરૂ થઈ ગયા હતા. ત્યારબાદ હિંસા ફાટી નીકળી અને અનેક વાહનોમાં આગ લગાવવામાં આવી હતી તો અનેકને ઈજા પણ પહોંચી હતી. આ હિંસામાં 6 લોકોનાં મોત થયાં હતાં.