દેશના વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ (Bangladesh Violence) પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી જયશંકરે મંગળવારે (6 ઓગસ્ટ, 2024) રાજ્યસભામાં આ સંદર્ભમાં નિવેદન આપ્યું હતું. તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ અને વડાપ્રધાન શેખ હસીનાની (Sheikh Hasina) ભારત આગમનની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓની સ્થિતિ પર સરકાર સંપૂર્ણ ધ્યાન છે અને તે દિશામાં યોગ્ય પગલાં પણ લેવામાં આવી શકે છે. આ ઉપરાંત તેમણે શેખ હસીના અને બાંગ્લાદેશ વિશે અનેક જાણકારીઓ આપી હતી.
વિદેશ મંત્રી જયશંકરે (S JaiShankar) રાજ્યસભામાં બાંગ્લાદેશની સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે, “ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દાયકાઓથી ગાઢ સંબંધો છે. તમામ રાજકીય પક્ષો બાંગ્લાદેશમાં હિંસા અને રાજકીય અસ્થિરતાને લઈને ચિંતિત છે. જાન્યુઆરી 2024ની બાંગ્લાદેશની ચૂંટણી પછી મતભેદ, ધ્રુવીકરણ અને તણાવ સતત વધી રહ્યો હતો. આ પછી જૂન 2024માં અહીં વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થયું. આ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશમાં ઘણી હિંસા થઈ હતી અને જુલાઈ મહિનામાં પણ તે સતત ચાલતી રહી.”
#WATCH | Speaking in Rajya Sabha on the situation in Bangladesh, External Affairs Minister Dr S Jaishankar says, "…We are in close and continuous touch with the Indian community in Bangladesh through our diplomatic missions. There are an estimated 19,000 Indian nationals there… pic.twitter.com/SJSv1hkQ1f
— ANI (@ANI) August 6, 2024
તેમણે વધુમાં કહ્યું કે, “આપણે આ સમગ્ર ઘટના દરમિયાન શાંત રહ્યા હતા અને વાતચીતથી સમાધાન લાવવાની સલાહો આપી હતી. 21 જુલાઈ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ બાંગ્લાદેશની સ્થિતિ બદલાઈ નહોતી. ત્યારબાદ લેવામાં આવેલા નિર્ણયથી પ્રદર્શનકારીઓ વધુ ભડકી ઉઠયા હતા અને આખા દેશમાં અનેક જીવલેણ ઘટનાઓ બની હતી.”
‘અલ્પસંખ્યકોની દુકાનો-મકાનો પર હુમલા થયા’- વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં કહ્યું કે, “આ પછી પ્રદર્શનકારીઓ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા પર અડગ બની ગયા હતા. 4 ઓગસ્ટ, 2024ના રોજ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. દેખાવકારોએ પોલીસ પર હુમલો કર્યો હતો અને સરકારી ઈમારતોને નિશાન બનાવી હતી. જેના કારણે હિંસા વધી ગઈ હતી. સરકાર સાથે સંકળાયેલા લોકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.” તેમણે વધુમાં કહ્યું કે, “ચિંતાનો વિષય એ છે કે આ સમયગાળા દરમિયાન ઘણા શહેરોમાં લઘુમતી સમુદાયની દુકાનો, મકાનો અને મંદિરો પણ નિશાન હેઠળ આવ્યા હતા. હાલ હિંસા કેટલી છે તે જાણી શકાયું નથી. કર્ફ્યુ હોવા છતાં, 5 ઓગસ્ટ, 2024ના રોજ વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.”
વિદેશ મંત્રી જયશંકરે શેખ હસીનાના ભારત આવવા અને રાજીનામાં અંગે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું, “અમે સમજીએ છીએ કે, સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથેની બેઠક બાદ વડાપ્રધાન હસીનાએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. તેમણે ખૂબ જ જલ્દીમાં થોડા સમય માટે ભારત આવવાની પરવાનગી માંગી હતી. આ સમય દરમિયાન, બાંગ્લાદેશ દ્વારા એક ફ્લાઇટની પરવાનગી પણ માંગવામાં આવી હતી.”
વિદેશ મંત્રી જયશંકરે રાજ્યસભામાં જણાવ્યું કે, શેખ હસીના સોમવારે (5 ઓગસ્ટ, 2024) ભારત આવી ગયા હતા. હાલ તેઓ દિલ્હીમાં જ રહેશે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં સંજોગો બદલાઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, બાંગ્લાદેશમાં લગભગ 19,000 ભારતીયો છે, જેમાંથી 9000 વિદ્યાર્થીઓ છે. જેમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભારત પાછા પણ આવી ચૂક્યા છે.
વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ભારત સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિને લઈને પણ ચિંતિત છે. તેમણે કહ્યું, “અમે લઘુમતીઓની સ્થિતિ પર પણ નજર રાખી રહ્યા છીએ. એવા અહેવાલો છે કે, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘણી સંસ્થાઓ આગળ આવી છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ, પરંતુ જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થા સુધરશે નહીં ત્યાં સુધી અમે ચિંતિત રહીશું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આપણાં સીમા સુરક્ષા દળોને પણ ખાસ કરીને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.”