બાળલગ્નને રોકવા માટે સરકાર દ્વારા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં પણ ભારત સરકાર તરફથી આ અંગે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. દાયકાઓ પહેલાં બાળલગ્નને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ આ પ્રથા હજુ પણ ઘણા સમુદાયો અને દૂરના ગામડાઓમાં જોવા મળી રહી છે. ખાસ કરીને રાજસ્થાન અને આસામ જેવા રાજ્યોમાં હજુ પણ બાળલગ્ન એક સમસ્યા તરીકે જોવામાં આવે છે. પરંતુ હવે આસામમાં રાજ્ય સરકારે બાળલગ્નને નાબૂદ કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. આસામ સરકાર એક એવી યોજના લઈને આવી છે, જે બાળકીઓના બાલવિવાહ અને શાળા છોડી દેવાની સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે.
આસામમાં બાળલગ્ન અને અભ્યાસ છોડવાની સમસ્યાથી બાળકીઓને બચાવવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ આવી બાળકીઓની મદદ માટે એક યોજના જાહેર કરી છે. તેમણે બુધવારે (12 જૂન, 2024) આ વિશેની માહિતી આપી છે. તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમની સરકાર શિક્ષણમાં બાળકીઓના ડ્રોપ આઉટ દરને ઘટાડવા માટે એક યોજના લાવી છે. આ યોજનાઓ અમલ આ વર્ષથી જ શરૂ કરી દેવામાં આવશે. આ માટે સરકારને દર વર્ષે 300થી 350 કરોડ રૂપિયાની જરૂર પડશે, પરંતુ સરકાર વિદ્યાર્થિનીઓના ભવિષ્ય માટે આ યોજના લાગુ કરવા તૈયાર છે. કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે.
શું છે યોજના?
આસામ સરકારે બાળકીઓના બાળલગ્ન અટકાવવા અને પોસ્ટ ગ્રેજ્યુએશન સ્તર સુધી બાળકીઓને શિક્ષણ ચાલુ રાખવા પ્રેરિત કરવા માટે એક અનોખી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ ઉચ્ચ માધ્યમિક, પ્રથમ અને દ્વિતીય વર્ષ (11મા અને 12મા ધોરણ)માં પરીક્ષા આપનારી વિદ્યાર્થિનીઓને સરકાર તરફથી માસિક ₹1,000નું સ્ટાઇપેન્ડ મળશે. તે સિવાય ડિગ્રી કોર્સ (અંડરગ્રેજ્યુએટ)માં જોડાનાર બાળકીઓને દર મહિને ₹1,250 મળશે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે વિદ્યાર્થિનીઓને દર મહિને ₹2,500ની રકમ આપવામાં આવશે. દર મહિને બાળકીઓને આર્થિક લાભ આપવાથી તેમના ભણતરનો ખર્ચ પણ નીકળી જશે અને તેમને આગળ ભણવા માટેની પ્રેરણા પણ મળશે.
#WATCH | Assam CM Himanta Biswa Sarma says "The Assam government has announced today a unique scheme to fight against the early marriage of girl students and also to inspire them to continue their education up to the Post Graduate level. Under this scheme, a girl student who… pic.twitter.com/e2C6gUAVOO
— ANI (@ANI) June 12, 2024
મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “અમે આસામમાં બાળલગ્નને અટકાવવા માંગીએ છીએ અને કન્યા કેળવણીની જવાબદારી સરકારના ખભા પર લેવા માંગીએ છીએ. વિદ્યાર્થિનીઓને આ રકમ દર મહિનાની 11 તારીખે મળશે. તેનાથી માતા-પિતા પરનો બોજ પણ હળવો થશે અને બાળકીઓને આગળ ભણવા માટે પ્રેરણા પણ પૂરી પડશે. તેમજ ઉંમર પહેલાં લગ્ન કરાવવાની કુપ્રથા પર પણ અંકુશ આવી જશે.”
નોંધનીય છે કે, હેમંતા બિસ્વા સરમા આસામમાં બાળલગ્નને અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેઓ અવારનવાર બાળલગ્ન વિરુદ્ધ અભિયાન ચલાવીને કડક કાર્યવાહી કરીને દાખલો પણ બેસાડે છે.