ભારતીય સેનાની શક્તિઓમાં દિવસે-દિવસે વધારો થતો રહે છે. તેવામાં હવે ભારતીય વાયુસેના પણ પાછળ નથી. ભારતીય વાયુસેનાની તાકાતમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. આ જ ઉપક્રમમાં રક્ષા મંત્રાલયે વાયુસેનાને એક મોટી ખરીદી માટે મંજૂરી આપી દીધી છે. રક્ષા મંત્રાલયે 12 સુખોઈ-30 MKI ફાઇટર જેટની ખરીદી માટે મંજૂરી આપી દીધી છે. આ વિમાનોને ‘મેક ઈન ઇન્ડિયા’ પ્રોગ્રામ હેઠળ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવશે.
અહેવાલોના જણાવ્યા અનુસાર મોદી સરકારે વાયુસેનાની શક્તિઓમાં વધારો કરતાં 12 સુખોઈ-30 MKI ફાઇટર જેટની ખરીદીને મંજૂરી આપી દીધી છે. રક્ષા મંત્રાલયે કુલ 45,000 કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણોની ખરીદીને મંજૂરી આપી છે. જેમાં હવાથી ધરતી પર માર કરવાવાળી ટૂંકા અંતરની મિસાઈલ ‘ધ્રુવાસ્ત્ર’, ડોર્નિયર એરક્રાફ્ટનું અપગ્રેડેશન અને 12 સુખોઈ-30 MKI લડાકુ વિમાન સામેલ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ કુલ નવ ખરીદીના પ્રસ્તાવોને મંજૂરી આપી હતી. આ તમામ ખરીદી ભારતીય વિક્રેતાઓ પાસેથી કરવામાં આવશે. જે આત્મનિર્ભર ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવા તરફ ભારતીય સંરક્ષણ ઉદ્યોગને નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું હતું કે સુરક્ષા, ગતિશીલતા, હુમલાની ક્ષમતા અને યાંત્રિક બળોની ઉત્તરજીવિતાને પ્રોત્સાહન આપવા માટે, DACએ હળવા આર્મર્ડ મલ્ટીપર્પઝ વ્હીકલ (LAMVs) અને ઇન્ટિગ્રેટેડ સર્વેલન્સ એન્ડ ટાર્ગેટિંગ સિસ્ટમ (ISAT-S)ની ખરીદીને મંજૂરી આપી છે.
#WATCH | Defence Ministry today approved the proposal for the procurement of 12 Su-30MKIs for the Indian Air Force which would be manufactured in India by Hindustan Aeronautics Limited. The Rs 11,000 crores project would include the aircraft and related ground systems. The… pic.twitter.com/dJHudSR8HL
— ANI (@ANI) September 15, 2023
સંરક્ષણ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે એરક્રાફ્ટમાં જરૂરિયાત મુજબ 60 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી સામેલ હશે. આ ભારતીય વાયુસેનાના સૌથી આધુનિક Su-30 MKI વિમાન હશે. જે ઘણા ભારતીય હથિયારો અને સેન્સરથી લેસ હશે. આ વિમાનોને ભારતમાં હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવશે. આ વિમાન બધી રીતે આધુનિક અને નવા જમાનાની જરૂરિયાત પ્રમાણે હશે. આ વિમાનો તે 12 એરક્રાફ્ટને રિપ્લેસ કરશે જે છેલ્લા ઘણા વર્ષોમાં અકસ્માતોને કારણે નાશ પામ્યાં છે. તે એક મલ્ટિરોલ કોમ્બેટ એરક્રાફ્ટ છે. જે વારાફરતી હવાથી જમીન અને હવાથી હવામાં યુદ્ધ લડી શકે છે. આ આખો પ્રોજેટ 11,000 કરોડનો છે.
સુખોઈ-30 MKIની શું હશે વિશેષતા?
તે ભારતીય વાયુસેના સેનાનાં શક્તિશાળી એરક્રાફ્ટ પૈકીનું એક છે. તે હવામાં ઝડપી અને ધીમી ગતિએ કળા કરીને દુશ્મનને છેતરીને તેના પર હુમલો કરી શકે છે. આ વિમાનમાં 2 એન્જિન છે અને બે પાઈલોટ માટે બેસવાની જગ્યા છે. આમાંના કેટલાંક એરક્રાફ્ટને સુપરસોનિક મિસાઇલ બ્રહ્મોસને લૉન્ચ કરવા માટે પણ અપગ્રેટ કરાયાં છે. સુખોઈ વિમાન 3,000 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. જોકે, તેની ક્રૂઝ રેન્જ 3,200 કિલોમીટર સુધીની છે અને કોમ્બેટ ત્રિજ્યા 1,500 કિલોમીટર છે. વજનમાં ભારે હોવા છતાં, આ ફાઇટર પ્લેન તેની હાઈસ્પીડ માટે જાણીતું છે. તે 2,100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે.