Wednesday, May 1, 2024
More
    હોમપેજરાજકારણ'અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીને આપણે 5 સદીઓની આતુરતાને પૂર્ણ કરી...

    ‘અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીને આપણે 5 સદીઓની આતુરતાને પૂર્ણ કરી છે’: BJPના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદી, કહ્યું- પાવાગઢમાં 500 વર્ષો બાદ ફરકી ધર્મધ્વજા

    PM મોદીએ કહ્યું, "અમે તો છત્રપતિ શિવાજીને માનનારા લોકો છીએ. હું મારા સુખ-વૈભવ માટે જીવવાવાળો વ્યક્તિ નથી. હું ભાજપ સરકારની ત્રીજી ટર્મ સત્તાભોગ માટે નથી માંગી રહ્યો. હું રાષ્ટ્રનો સંકલ્પ લઈને નીકળેલો વ્યક્તિ છું."

    - Advertisement -

    દિલ્હીના ભારત મંડપ ખાતે ભાજપની રાષ્ટ્રીય અધિવેશન બેઠક ચાલી રહી છે. રવિવારે (18 ફેબ્રુઆરી) અધિવેશનનો બીજો દિવસ છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંબોધન આપ્યું હતું. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સંબોધન કર્યું હતું. તેમણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યાર પછી હવે વડાપ્રધાન મોદીએ પણ અધિવેશન બેઠકને સંબોધિત કરી છે. આ અધિવેશનમાં PM મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી દળો પર પ્રહાર કર્યા છે અને વર્ષો સુધી લટકી રહેલા કાર્યો વિશે વાત કરી છે. આ દરમિયાન તેમણે રામ મંદિર અને પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરનો ઉલ્લેખ પણ કર્યો હતો.

    રવિવારે (18 ફેબ્રુઆરી) PM મોદીએ ભાજપની રાષ્ટ્રીય અધિવેશન બેઠકને સંબોધિત કરી છે. આ અધિવેશનમાં તેમણે વર્ષોથી અપૂર્ણ રહેલા કાર્યોને પણ યાદ કર્યા હતા. તેમણે સંબોધનની શરૂઆત જૈન મુનિ વિદ્યાસાગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરી હતી. તેમણે કહ્યું, “આ કાર્યકાળના 10 વર્ષ સાહસિક નિર્ણયોને નામ છે. જે કામ સદીઓથી લટકેલા હતા. આપણે તેનું સમાધાન કરવાનું સાહસ કરીને બતાવ્યું છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીને આપણે પાંચ સદીઓની આતુરતાને પૂર્ણ કરી છે. ગુજરાતના પાવાગઢમાં 500 વર્ષો બાદ ધર્મધ્વજા ફરકાવવામાં આવી છે. સાત દશક બાદ આપણે કરતારપુર સાહેબ કોરિડોર ખોલ્યો છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “સાત દશકની રાહ જોયા બાદ દેશને આર્ટીકલ 370થી મુક્તિ મળી છે. લગભગ 6 દશક બાદ રાજપથ કર્તવ્યપથના સ્વરૂપે સામે આવ્યો છે. ચાર દશક બાદ આખરે વન રેન્ક, વન પેન્શનની માંગ પૂરી થઈ છે. ત્રણ દશક બાદ આખરે દેશને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મળી છે. ત્રણ દશક બાદ આખરે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને આરક્ષણ મળ્યું છે. આ પ્રત્યેક ભાજપના કાર્યકર્તાઓનું સૌભાગ્ય છે, તેઓ આ સિદ્ધિઓના નિમિત્ત બની શક્યા.”

    - Advertisement -

    ‘2024માં ફરીવાર સરકાર બનાવીને આપણે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ’

    ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદીએ કહ્યું કે, “ભાજપના કાર્યકર્તાઓની નિષ્ઠા અને સમર્પણના કારણે અમને જનતાના સંપૂર્ણ આશીર્વાદ મળી રહ્યા છે. 2024માં ત્રીજી વખત સરકાર બનાવીને આપણે જનસેવા અને રાષ્ટ્ર સેવાનો અજોડ ઈતિહાસ રચવા જઈ રહ્યા છીએ. આપણે બધાનો વિશ્વાસ મેળવવાનો છે.”

    તેમણે વધુમાં કહ્યું, “સૌના પ્રયાસો થશે ત્યારે જ દેશની સેવા કરવા ભાજપને વધુમાં વધુ બેઠકો મળશે.ભાજપના કાર્યકરો સત્તામાં રહીને પણ સમાજ માટે આટલું બધું કરે છે, દિવસ-રાત દોડે છે, માત્ર ભારત માતાની જય માટે. ભાજપના કાર્યકર્તાઓ વર્ષના દરેક દિવસે દેશની સેવા માટે કંઈકને કંઈક કરતા રહે છે, પરંતુ હવે આગામી 100 દિવસ નવી ઉર્જા, નવા ઉમંગ, નવા ઉત્સાહ, નવા આત્મવિશ્વાસ, નવા જોશ સાથે કામ કરવાનું છે.”

    ‘આપણે ભારતને વિકસિત બનાવવાનું છે’

    PM મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં ભારતે જે ગતિ પ્રાપ્ત કરી છે. તે દુનિયા ગાજતે-વાજતે બોલી રહી છે. દરેક ક્ષેત્રમાં ઊંચાઈ હાંસલ કરી છે., એક મોટા સંકલ્પ સાથે વિકાસને જોડી દીધો છે. તે મોટો સંકલ્પ છે વિકસિત ભારતનો. તે આપણું સપનું પણ છે અને આપણે ભારતને વિકસિત બનાવવાનું પણ છે. તેમાં આવનારા 5 વર્ષોની ખૂબ મોટી ભૂમિકા થવા જઈ રહી છે. પહેલાંથી અનેક ગણું વધારે ઝડપથી કામ કરવું પડશે. આજે વિપક્ષના નેતાઓ પણ ‘NDA સરકાર, 400 પાર’ના નારા લગાવી રહ્યા છે. NDAને 400 પાર કરાવવા માટે ભાજપે 300 મિલનો પથ્થર પાર કરવો જ પડશે.”

    તેમણે ઉમેર્યું કે, “આખો દેશ જાણે છે કે, 10 વર્ષનો નિષ્કલંક કાર્યકાળ અને 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા એ કોઈ સામાન્ય ઉપલબ્ધિ નથી. આપણે આ દેશને મહાકૌભાંડ અને આતંકથી મુક્તિ અપાવી છે, ગરીબના જીવનને ઉન્નત કરવા પ્રયાસ કર્યો છે.”

    ‘અમે તો શિવાજીને માનનારા લોકો છીએ’

    PM મોદીએ વધુમાં કહ્યું કે, “અમે રાજનીતિ માટે નહીં, રાષ્ટ્રનીતિ માટે નીકળ્યા છીએ. જે લોકોને કોઈએ પૂછ્યું પણ નથી. તે લોકોને અમે માત્ર પૂછ્યું જ નહીં પરંતુ પૂજયા પણ છે. ભારતે આજે દરેક ક્ષેત્રમાં જે ઊંચાઈ પ્રાપ્ત કરી છે, તેણે દરેક દેશવાસીને એક મોટા સંકલ્પ સાથે જોડી દીધા છે. એ સંકલ્પ છે વિકસિત ભારતનો. હવે દેશ ના તો નાના સપના જોઈ શકે છે અને ના તો નાના સંકલ્પ લઈ શકે છે. હવે તો સપના પણ વિરાટ હશે અને સંકલ્પ પણ વિરાટ હશે.”

    તેમણે ઉમેર્યું કે, “તે અમારું સપનું પણ છે અને સંકલ્પ પણ છે કે, આપણે ભારતને વિકસિત બનાવવું છે. અમે તો છત્રપતિ શિવાજીને માનનારા લોકો છીએ. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમણે એવું ના વિચાર્યું કે, સત્તા મળી ગઈ છે તો ચાલો હવે તેનો આનંદ મેળવો. તેમણે પોતાનું મિશન સતત ચાલુ રાખ્યું હતું. હું મારા સુખ-વૈભવ માટે જીવવાવાળો વ્યક્તિ નથી. હું ભાજપ સરકારની ત્રીજી ટર્મ સત્તાભોગ માટે નથી માંગી રહ્યો. હું રાષ્ટ્રનો સંકલ્પ લઈને નીકળેલો વ્યક્તિ છું.”

    નોંધનીય છે કે, ભાજપની રાષ્ટ્રીય અધિવેશન બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ છે. સાથે લોકસભા ચુંટણીની રણનીતિના મુદ્દે પણ ચર્ચા થઈ છે. એ ઉપરાંત આ અધિવેશનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવવાનો નિર્ણય પણ થયો છે. નડ્ડાને જૂન 2024 સુધી એક્સટેન્શન મળ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં