Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાવાગઢ: 500 વર્ષ બાદ વડાપ્રધાન મોદી મંદિર શિખર પર ધ્વજ રોહણ કરી...

    પાવાગઢ: 500 વર્ષ બાદ વડાપ્રધાન મોદી મંદિર શિખર પર ધ્વજ રોહણ કરી કહ્યું “સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનુ શિખર શાશ્વત રહે છે”

    પ્રધાનમંત્રી મોદી એ કાશી વિશ્વનાથ, રામ મંદિર અને પાવાગઢનો ઉલ્લેખ કર્યો.

    - Advertisement -

    500 વર્ષ બાદ વડાપ્રધાન મોદી હસ્તે પાવાગઢ મહાકાલી મંદિર શિખર પર ધ્વજ રોહણ કરાયું, નવનિર્મિત મહાકાળી મંદિર લોકાર્પણ સમારોહ પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ વડોદરામાં પુન વિકસિત કરાયેલા પાવાગઢ મહાકાળી મંદિરનું લોકાર્પણ કર્યુ છે. યાત્રાધામ પાવાગઢમાં 125 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. તેઓએ વર્ષો બાદ પુનિ વિકસિત કરાયેલ મંદિરને નિહાળ્યુ હતું. તેમણે માતાના ચરણોમાં શિશ ઝૂકવ્યુ હતું અને પોતાના માતા હીરા બાના જન્મદિન પર પ્રાર્થના પણ કરી હતી. સાથેજ તેઓએ અનેક સંતો સાથે પણ મુલાકાત કરી. 500 વર્ષમાં વડાપ્રધાન મોદી પહેલા વ્યક્તિ જેમણે પાવાગઢ મંદિરમાં ધ્વજા ચડાવી

    પાવાગઢ મંદિરથી PM મોદીનું સંબોધન

    પાવાગઢ મંદિરથી સંતોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આજે અનેક વર્ષો બાદ પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને કેટલીક પળો વિતાવવાનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનુ સૌભાગ્ય મળ્યું. મારુ જીવન ધન્ય થઈ ગયું. સપનુ સંકલ્પ બનતુ હોય અને તે સિદ્ધ થતુ હોય તો આનદ થાય છે. આજની પળ મારા અંતરમનને વિશેષ આનંદ આપે છે. કલ્પના કરી શકાય કે 500 વર્ષ બાદ અને આઝાદી મળ્યાને 75 વર્ષ પછી પણ માં કાલીના શિખર પર ધ્વજા નહોતી લહેરાઈ, આજ માતા મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ પળ આપણને પ્રેરણા આપે છે, ઉર્જા આપે છે. અને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે.

    - Advertisement -

    પવાગઢથી અયોધ્યા રામ મંદિર, કાશીનો ઉલ્લેખ

    પોતાના વક્તવ્યમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે, આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં એકવાર ફરીથી શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખર ધ્વજ માત્ર આસ્થાનુ પ્રતિક નથી, પણ સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનુ શિખર શાશ્વત રહે છે આ તેનુ પ્રતિક છે. આપે જોયું હશે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આકાર લઇ રહ્યું છે,કાશીમાં વિશ્વનાથ ધામ હોય કે પછી મારા કેદારનાથ બાબા હોય, આજે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવ અને ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. આજે ભારતવર્ષ પોતાની આધુનિક આકાંક્ષાઓ સાથે પોતાની પ્રાચીન ધરોહર અને સંસ્કૃતિક ઓળખને પણ ઉમંગથી જીવી રહ્યા છે. દરેક ભારતીય તેના પર ગર્વ કરે છે. આપણા આ આધ્યાત્મિક સ્તર નવી શક્યતાઓના સ્ત્રોત બની રહ્યાં છે. પાવાગઢના મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે. હું આજના આ પવન અવસરે આપ સૌને હૃદયથી શુભકામનાઓ પાઠવું છું.

    નવનિર્માણ કાર્ય સંસ્કૃતિક આઝાદી, સરદાર પટેલની શરૂઆત

    પોતાના વક્તવ્યમાં પ્રધાનમંત્રી આગળ કહે છે કે, સદીઓના સંઘર્ષ બાદ ભારત આઝાદ થયુ તો ગુલામી અને અત્યાચારની ભાવનાથી ભરેલા હતા. આપણા અસ્તિત્વના પડકારો હતા. તેના માટે આપણે લડ્યા હતા. સાંસ્કૃતિક આઝાદીની શરૂઆત પણ સરદાર પટેલ થકી સોમનાથથી થઈ હતી. આજે જે ધજા ફરકી છે, તે દેશના સાંસ્કૃતિક ગૌરવની ધજા છે. પંચમહાલના લોકોએ સદીઓથી આ મંદિરને સાચવ્યુ છે. આજે તેમનુ સપનુ પૂરુ થયું. આજે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઈ. એક સમયે અહીં માતાના ચરણોમાં લગ્નની કંકોતરીઓ મૂકાતી, અને બાદમાં નિમંત્રણ માતાની સામે વંચાવાતી હતી. તેના બાદ નિમંત્રણ મોકલનારને શુભેચ્છા જતી. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ કાયાકલ્પ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. માતાના આર્શીવાદ વગર તે સંભવ ન હતું. વિકાસકાર્યોમાં ખાસ વાત એ છે કે, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપ્યુ, પણ ગર્ભગૃહનુ મૂળ સ્વરૂપ એવુ જ રખાયુ છે. લોકોએ અહી મળીને કામ કર્યું.

    કવિ નર્મદ રચિત ગૌરવગાથા

    પ્રધાનમંત્રી મોદીએ પોતાના વક્તવ્યમાં ગુજરાતના મહાન કવિ નર્મદની વિખ્યાત કવિતા જય જય ગરવી ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો,
    ઉત્તરમાં અંબા માત,
    પૂરવમાં કાળી માત,
    છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
    ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
    છે સહાયમાં સાક્ષાત
    જય જય ગરવી ગુજરાત.

    પંક્તિ કહેતા પ્રધાનમંત્રી કહેછે કે “કવિ નર્મદ રચિત ગુજરાતની ગૌરવવાથા વર્ણવતા જે તીર્થના નામ લીધા છે, પાવાગઢ, મા અંબા, સોમનાથ, દ્વારકેશના આર્શીવાદથી જ ગુજરાત ગૌરવવંતુ બન્યુ છે. આજે ગુજરાતની આ ઓળખ આકાશ આંબી રહી છે. તે તમામમાં વિકાસ થયો છે. ગુજરાતના તીર્થોમાં હવે દિવ્યતા, શાંતિ, સમાધાન અને સુખ છે. માતાના મંદિરોની વાત કરીએ, શક્તિના સામ્યર્થની વાત કરીએ તો ગુજરાતમાં શક્તિ રક્ષા ચક્ર છે. જે કવચ તરીકે કામ કરે છે. ગુજરાતના અલગ અલગ ખૂણામાં અલગ અલગ માતાના ધામ છે. દરેકના આપણા પર આશીર્વાદ છે. “

    પંચમહાલના નાગરિકોને પીએમ મોદીનો આગ્રહ

    પંચમહાલના લોકોને આગ્રહ કરુ છું કે તમે બહારથી આવતા દર્શનાર્થીઓને રાજ્યના અન્ય ધાર્મિક સ્થળો પર જવાનુ જરૂર કહેજો. આ તીર્થમાં આવતા શ્રદ્ધાળુઓ પોતાની સાથે આવતા નવા અવસર લાવે છે. પર્યટન વધતા રોજગાર પણ વધે છે. આપણે સાક્ષી છીએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ પર્યટકો વધતા અહી રોજગારી અને વિકાસ થયો છે. કેદારનાથમાં આ વર્ષે મુસાફરોએ રેકોર્ડ તોડી નાંખ્યો છે. પાવાગઢમાં આધ્યાત્મિકતા, ઈતિહાસ, સૌંદર્ય, પ્રકૃતિ, કલા સંસ્કૃતિ અને જૈન મંદિરો પણ છે. યુનેસ્કોએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યુ છે. પંચમહાલમાં યુવાઓ માટે નવા અવસર બનશે.

    હજારો વર્ષો બાદ પાવાગઢ મંદિરમાં પીએમનરેન્દ્ર મોદીના હસ્તે ધ્વજારોહણ થઈ રહ્યુ છે, ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું, તેનું શિખર ખંડિત હતું. જેના કારણે તેની પર લગભગ વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થયા. એટલે કે, શિખર જર્જરિત થઈ જવાથી સદીઓથી પાવાગઢ મંદિર પર ધજા ચઢી ન હતી. ત્યારે વર્ષો બાદ પાવાગઢ મહાકાલી મંદિરના શિખર પર ધજા ચઢાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા વ્યક્તિ બન્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં