Friday, May 17, 2024
More
    હોમપેજરાજકારણ'કોંગ્રેસે જમીનથી આકાશ સુધી કર્યા કૌભાંડો': ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહના વિપક્ષ...

    ‘કોંગ્રેસે જમીનથી આકાશ સુધી કર્યા કૌભાંડો’: ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહના વિપક્ષ પર પ્રહાર, કહ્યું- પરિવારવાદને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે

    અધિવેશનમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "જેનું લક્ષ્ય પરિવાર માટે સત્તા આંચકવાનું હોય તે શું ગરીબ કલ્યાણ કરશે? નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે અને પરિવારવાદને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે."

    - Advertisement -

    દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય અધિવેશન બેઠકનો રવિવારે (18 ફેબ્રુઆરી) બીજો દિવસ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિવેશન બેઠકને સંબોધિત કરી હતી. તેમણે અધિવેશનમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓને આડે હાથ લીધી હતી. પોતાના 56 મિનિટના ભાષણ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીના 10 વર્ષની સિદ્ધિઓ, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર કોંગ્રેસનું વલણ, રાહુલ ગાંધી, પરિવારવાદ, ભ્રષ્ટાચાર, I.N.D.I ગઠબંધન અને લોકસભા ચૂંટણી જેવા અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી.

    દિલ્હીના ભારત મંડપમ ખાતે ભાજપની રાષ્ટ્રીય અધિવેશન બેઠક ચાલી રહી છે. આ અધિવેશનમાં રવિવારે (18 ફેબ્રુઆરી) ગૃહમંત્રી અમિત શાહે સંબોધન આપ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, “આ લોકોએ પોતાની સરકારમાં જમીનથી આકાશ અને સમુદ્ર સુધી કૌભાંડો કર્યા.” તેમણે ગઠબંધન પર નિશાન સાધતાં કહ્યું કે, “વિપક્ષી દળોનું આ ગઠબંધન માત્ર સાત પારિવારિક પાર્ટીઓનું ગઠબંધન છે. તેમને માત્ર તેમના પરિવારની ચિંતા છે.”

    10 વર્ષમાં થયો દરેક ક્ષેત્રે વિકાસ

    અમિત શાહે વધુમાં કહ્યું કે, “75 વર્ષમાં આ દેશે 17 લોકસભા ચૂંટણી, 22 સરકાર અને 15 વડાપ્રધાન જોયા છે. દેશમાં દરેક સરકારે પોતાના સમય પર વિકાસ કરવાનો પ્રયાસ કર્યો. પણ આજે હું કોઈપણ કન્ફ્યુઝન વગર કહી શકું છું કે, સમગ્ર વિકાસ, દરેક ક્ષેત્રે વિકાસ અને દરેક વ્યક્તિનો વિકાસ કરવાનું કામ માત્ર નરેન્દ્ર મોદીજીના 10 વર્ષોમાં થયું છે.” તેમણે ઉમેર્યું કે, “દરેક ખેડૂતને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવા અને અર્થવ્યવસ્થાને 11મા નંબર પરથી 5મા નંબર પર લાવવાનું કામ મોદીજીએ કર્યું છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “મોદીજીના 2014થી 2024 સુધીના કાર્યકાળમાં દેશમાં નક્સલવાદ, ઉગ્રવાદ અને આતંકવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. વડાપ્રધાને દેશને ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ, જાતિવાદ, વંશવાદ વગરેથી મુક્તિ આપી છે. તેમણે ‘પોલિટીક્સ ઓફ પરફોર્મન્સ’ની સ્થાપના કરી છે.”

    કોંગ્રેસના નેતૃત્વમાં તમામ પરિવારવાદી પાર્ટીઓ

    અમિત શાહે વધુમાં કહ્યું કે, “આ દેશમાં 2G, 3G અને 4G પાર્ટીઓ છે. 2Gનો અર્થ કૌભાંડ નથી. 2Gનો અર્થ જેનરેશન પાર્ટી.. 4 પેઢી સુધી તેના નેતા નથી બદલાતા. જો કોઈ આગળ નીકળી ગયું તો આ લોકો તેની હાલત ખરાબ કરી નાખે છે. ઘણાબધા હાલત ખરાબ થયેલા લોકો આજે ભાજપમાં સામેલ થઈને લોકતંત્રની યાત્રામાં જોડાયા છે.”

    શાહે કહ્યું, “હું ભાજપના કરોડો કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે, આવનારી ચૂંટણીમાં બે જૂથો સામસામે છે. એક તરફ છે મોદીજીના નેતૃત્વમાં NDA ગઠબંધન અને બીજી તરફ છે કોંગ્રેસના નેતૃત્વમાં તમામ પરિવારવાદી પાર્ટીઓનું ઘમંડીયા ગઠબંધન. ઘમંડીયા ગઠબંધન ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણની રાજનીતિનું પોષક છે અને NDA રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત પર ચાલનારું ગઠબંધન છે.”

    ‘પરિવારવાદી પાર્ટીઓનો એક જ લક્ષ્ય- પોતાના દીકરાઓને નેતા બનાવવાનું’

    અમિત શાહે કહ્યું, “I.N.D.I. ગઠબંધનનો રાજનીતિમાં ઉદ્દેશ્ય શું છે? PM મોદી આતમનિર્ભર ભારત, 2047ના ભારતનું લક્ષ્ય રાખે છે. સોનિયા ગાંધીનું લક્ષ્ય રાહુલ ગાંધીને PM બનાવવાનું, પવાર સાહેબનું લક્ષ્ય દીકરીને CM બનાવવાનું, મમતા દીદીનું લક્ષ્ય ભત્રીજાને CM બનાવવાનું, સ્ટાલિનનું લક્ષ્ય દીકરાને CM બનાવવાનું, લાલુ યાદવનું લક્ષ્ય દીકરાને CM બનાવવાનું, ઉદ્ધવ ઠાકરેનું લક્ષ્ય દીકરાને CM બનાવવાનું અને મુલાયમ સિંઘ યાદવ તો દીકરાને CM બનાવીને જ ગયા.. જેનું લક્ષ્ય પરિવાર માટે સત્તા આંચકવાનું હોય તે શું ગરીબ કલ્યાણ કરશે? નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે અને પરિવારવાદને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે.”

    સાથે તેમણે કોંગ્રેસને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, “હું આજે કોંગ્રેસને ચેતવણી આપું છું કે, તમે રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનું નિમંત્રણ ઠુકરાવીને માત્ર ઐતિહાસિક પળના સાક્ષી બનવાથી જ વંચિત નથી રહ્યા, પરંતુ તમે દેશને મહાન બનાવવાની પ્રક્રિયાથી જ પોતાને દૂર કરી દીધા છે. દેશની જનતા આ જોઈ રહી છે અને યાદ પણ રાખી રહી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં