પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સાથે ઉત્પીડન અને હિંસાનો મામલો હાલ ખૂબ ચર્ચામાં છે. પીડિતોને ન્યાય મળે તેની માંગ સાથે સતત મમતા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં આ આરોપો અને ઘટનાની તપાસ માટે ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એલ. નરસિંહ રેડ્ડીના નેતૃત્વવાળી સ્વતંત્ર ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમના છ સભ્યો સંદેશખાલી જવા માટે રવાના થયા હતા, પરંતુ બંગાળ પોલીસે રસ્તામાં જ તેમને અટકાવી દીધા હતા અને ત્યારબાદ ધરપકડ કરી લેવામાં આવી.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સંદેશખાલીના અમુક વિસ્તારોમાં ધારા 144 લાગુ હોવાનું કારણ જણાવી સમિતિના કાફલાને બસંતી હાઈવે પર ભોજેરહાટ વિસ્તારમાં રોકી દીધા હતા. જે સંદેશખાલીથી લગભગ 52 કિમી દૂર છે. બંગાળ પોલીસ દ્વારા આમ રસ્તામાં જ રોકી દેવામાં આવતાં કમિટીના સભ્યોએ પણ રસ્તા પર જ પોલીસની કાર્યવાહી સામે ધરણાં-પ્રદર્શન શરૂ કરી દીધું હતું. તેઓએ આરોપ લગાવ્યો હતો કે સંદેશખાલીમાં થયેલી હિંસાના સત્યને રાજય સરકાર દબાવી દેવા માંગે છે અને તે માટે જ પોલીસ તેમના ઇશારે તેમને પીડિતોને મળતા અટકાવી રોકી રહી છે.
#WATCH | West Bengal: Members of the Fact-Finding Committee on their way to Sandeshkhali have been arrested at Bhojerhat, South 24 Parganas. pic.twitter.com/Z7N7zOzQWY
— ANI (@ANI) February 25, 2024
આ સમિતિમાં પટના હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એલ નરસિમ્હા રેડ્ડી, ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી રાજ પાલ સિંહ, રાષ્ટ્રીય મહિલા આયોગના ભૂતપૂર્વ સભ્ય ચારુ વલી ખન્ના, એડવોકેટ ઓપી વ્યાસ, ભાવના બજાજ અને વરિષ્ઠ પત્રકાર સંજીવ નાયકનો સમાવેશ થાય છે. આ તમામની CrPC કલમ 151 હેઠળ ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે, પછીથી તેમને જામીન પર મુકત કરી દેવામાં આવ્યાં.
આ અંગે એલ નરસિમ્હાએ કહ્યું, કે, “આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અમે પોલીસ કર્મચારીઓને કહ્યું છે કે કાયદાનું પાલન કરનારા નાગરિકો તરીકે અમે નિયમો નહિ તોડીએ. સંદેશખાલીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો નથી. તેથી અમે બે જૂથોમાં જઈ શકીએ તેમ છીએ. અમારી ઓછામાં ઓછી બે મહિલા સભ્યોને એવી મહિલાઓને મળવા દેવી જોઈએ જેઓ રાજકીય સંરક્ષણ ભોગવી રહેલા બાહુબલી લોકોના અત્યાચારનો ભોગ બની છે.”
#WATCH | West Bengal: A member of the Fact-Finding Committee and former Patna HC Chief Justice L Narasimha Reddy says "We were arrested under section 151 CrPC. They brought us here and after bail documentation, we were released. We are going to meet the Governor and describe the… pic.twitter.com/19paAHFZVO
— ANI (@ANI) February 25, 2024
મુક્ત થયા બાદ તેમણે કહ્યું કે, અમારી CrPCની કલમ 151 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અમને બેસાડીને અહીં લાવવામાં આવ્યા, દસ્તાવેજો થયા અને જામીનની કાર્યવાહી બાદ મુક્ત કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે, રાજ્યપાલ સાથે તેમની મુલાકાત ગોઠવાઈ છે, જેમને મળીને તમામ વિગતો આપશે. તેમણે ઉમેર્યું કે, બીજું કંઈ કહેવાની જરૂર નથી. છેલ્લા 10 દિવસથી અહીં શું બની રહ્યું છે તે દેશ જોઈ રહ્યો છે. જે ગુનેગારો છે તે બહાર ફરી રહ્યા છે અને જેઓ પીડિત છે તેમની ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે.
ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના સભ્ય ચારુ વલી ખન્નાએ કહ્યું, “અમે સંદેશખાલી જઈ રહ્યા હતા, પરંતુ તેઓએ અમને રોક્યા…પોલીસે જાણી જોઈને અમને રોક્યા છે અને સામાન્ય લોકો માટે સમસ્યા ઊભી કરી રહી છે. પોલીસ અમને સંદેશખાલીના પીડિતોને મળવા દેતી નથી.”
ઉલ્લેખનીય છે કે સંદેશખાલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તૃણમૂલ(TMC) નેતા શાહજહાં શેખ અને તેના સમર્થકો પર જમીન પચાવી પાડવા અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ પહેલા જયારે એક કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના(ED) અધિકારીઓની ટીમ શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા માટે પહોંચી ત્યારે સ્થાનિક લોકોના હિંસક ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ત્રણ અધિકારીઓ ગંભીરરૂપે ઘાયલ થયા હતા.