પશ્ચિમ બંગાળની કલકત્તા હાઈકોર્ટે બુધવારે (10 એપ્રિલ) બે મહત્વના આદેશ આપ્યા. સંદેશખાલીની મહિલાઓએ TMCના પૂર્વ નેતા શાહજહાં શેખ અને તેના માણસો વિરુદ્ધ લગાવેલા શોષણ અને લેન્ડ ગ્રેબિંગના આરોપોની તપાસ કરવા માટે CBIને નિર્દેશ કર્યા છે. બીજી તરફ, તાજેતરમાં બંગાળમાં NIA પર થયેલા હુમલા બાદ પોલીસે એજન્સી સામે જ દાખલ કરેલી FIR મામલે કોઇ ધરપકડ ન કરવાના આદેશ આપ્યા છે.
સંદેશખાલીનો મુદ્દો ફેબ્રુઆરી-માર્ચમાં સતત ચર્ચામાં રહ્યો હતો. જાન્યુઆરીની શરૂઆતમાં EDની ટીમ બંગાળના સંદેશખાલીમાં TMCના પૂર્વ નેતા શાહજહાં શેખના ઘરે એક કેસમાં દરોડા પાડવા ગઈ ત્યારે અધિકારીઓ પર જીવલેણ હુમલો કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ શેખ ફરાર થઈ ગયો હતો. પછીથી સ્થાનિક મહિલાઓએ આગળ આવીને શાહજહાં શેખ અને તેના માણસો વિરુદ્ધ શોષણ અને અત્યાચારના આરોપ લગાવ્યા હતા.
આ મામલે CBI તપાસના આદેશ આપતાં કહ્યું કે, “એ બાબતમાં કોઇ શંકા નથી કે આ કેસમાં તમામ પાસાંથી તપાસ કરી શકે તેવી એજન્સી દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની જરૂર છે. ન્યાયના હિતમાં અને આરોપો-ફરિયાદોના ઝડપી ઉકેલ માટે તપાસ જરૂરી છે. રાજ્ય સરકારે જે-તે એજન્સીને તપાસ કરવા માટે જે કોઇ મદદની જરૂર પડે તે પૂરી પાડવી પડશે.”
કોર્ટે આગળ કહ્યું કે, “આ કોર્ટ મત ધરાવે છે કે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક નિષ્ણાત સમિતિ બનાવવાને સ્થાને આ મામલો CBIને સોંપવામાં આવે અને ફરિયાદો અને આરોપોની તપાસ કરીને રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવે. કોર્ટે એમ પણ જણાવ્યું કે, એજન્સી પહેલેથી જ સંદેશખાલીમાં બનેલી અન્ય એક ઘટનાની તપાસ કરી જ રહી છે. કોર્ટે CBIને ફરિયાદીઓની ઓળખ ગુપ્ત રાખવા માટે અને ફરિયાદો નોંધાવવા માટે એક અલગ પોર્ટલ કે ઈ-મેઈલ આઈડી લૉન્ચ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.
અહીં નોંધવું જોઈએ કે 55 દિવસ સુધી ફરાર રહ્યા બાદ શાહજહાં શેખ ફેબ્રુઆરીના અંતમાં બંગાળમાંથી જ પકડાઈ ગયો હતો. જોકે, તેને બંગાળ પોલીસે પકડ્યો હતો, પરંતુ પછી તેની કસ્ટડી CBIને સોંપવામાં આવી. તેની ધરપકડ ED પર થયેલા હુમલાના કેસમાં થઈ હતી, પરંતુ હવે કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ સંદેશખાલીની મહિલાઓની ફરિયાદો પર પણ તપાસ થશે.
NIA સામે કરેલી FIR મામલે પોલીસને લગાવી ફટકાર
અન્ય એક કેસની વાત કરવામાં આવે તો તાજેતરમાં NIAની ટીમ પર થયેલા હુમલા બાદ બંગાળ પોલીસે એજન્સીના અધિકારીઓ પર જ FIR નોંધી દીધી હતી. આ FIR જે TMC નેતા વિરુદ્ધ એજન્સી કાર્યવાહી કરવા પહોંચી તેની પત્નીએ નોંધાવી હતી અને અધિકારીઓ પર શોષણનો આરોપ લગાવ્યો હતો.
FIR નોંધાયા બાદ NIA કલકત્તા હાઇકોર્ટ પહોંચી હતી, જેની ઉપર સુનાવણી હાથ ધરતાં કોર્ટે બંગાળ પોલીસને ફટકાર લગાવી અને આગામી સુનાવણી સુધી NIAના કોઇ પણ અધિકારીની ધરપકડ કરવા પર રોક લગાવી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, થોડા ઘા પડ્યા હોય અને હળવો દુઃખાવો થતો હોય તો તેને ‘ગંભીર ઇજા’ ગણીને કલમ 325 હેઠળ ગુનો ન નોંધી શકાય. કોર્ટે આ મામલે પોલીસને કેસ ડાયરી જમા કરાવવાનો આદેશ આપીને આગામી સુનાવણી 29 એપ્રિલે મુકરર કરી છે.