ઉત્તર પ્રદેશના બહરાઇચમાં (Baharaich) 13 ઑક્ટોબર, 2024ના રોજ થયેલી હિંદુ યુવાન રામગોપાલ મિશ્રાની હત્યાએ વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જી છે. ઘટનાને લઈને હિંદુ સમુદાયમાં ભારે રોષ અને અસુરક્ષાની લાગણી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ હુમલો પૂર્વનિયોજિત કાવતરાં હેઠળ કરવામાં આવ્યો હતો અને સ્થાનિક મસ્જિદમાંથી ઉશ્કેરણીજનક એલાનો કરવામાં આવ્યાં હતાં, જેનાથી ટોળું ઉશ્કેરાયું હતું.
મૂર્તિ પર હુમલો થયો ને થઇ ઝઘડાની શરૂઆત, મસ્જિદમાંથી થયું ‘બધાને’ મારવાનું એલાન
કટ્ટરપંથીઓની હિંસાનો ભોગ બનેલા વિનોદકુમાર મિશ્રાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં સમગ્ર ઘટનાને યાદ કરી હતી અને પોતાની આપવીતી વર્ણવી હતી. વિનોદ મિશ્રાએ શરૂઆતથી લઈને હિંસા સુધીના ઘટનાક્રમ અને કેવી રીતે શાંત ધાર્મિક યાત્રામાં ખલેલ પહોંચાડવામાં આવતાં અચાનક હિંસા ફાટી નીકળી તે જણાવ્યું હતું. તેમણે કહ્યું, “જ્યારે અમે મૂર્તિ લઈને ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મુસ્લિમ સમુદાયના લોકોએ મૂર્તિ પર ઇંટો ફેંકવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે મૂર્તિનો હાથ તૂટી ગયો હતો અને ત્યારબાદ બીજી મૂર્તિ પણ ઇંટ-પથ્થરના કારણે તૂટી ગઈ હતી. આ પછી ડીજે વગાડનાર ઘસડીને લઈ જવામાં આવ્યો અને તેને ઢોર માર મારવામાં આવ્યો.”
મિશ્રાએ આરોપ લગાવ્યો કે, આ વિવાદ અબ્દુલ હમીદના પુત્રએ શરૂ કર્યો હતો અને તેણે જ ધાબા પરથી પથ્થરો ફેંકીને વાતાવરણ બગાડ્યું હતું. જેને પગલે હિંદુ સમાજે ધરણાં પર બેસવાનો નિર્ણય કર્યો હતો અને વહીવટી તંત્ર પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી. જોકે પોલીસ અને પ્રશાસને હિંદુઓને આ મામલાને સંભાળવાની ખાતરી આપી હતી, પરંતુ હિંસા રોકાવાને બદલે વધી ગઈ હતી. વિનોદ કુમાર મિશ્રાએ કહ્યું, “મુસ્લિમોએ જે કર્યું તે અન્યાય છે. અમે માફીની માંગ કરી હતી પરંતુ પોલીસે અમારી માંગણીઓ સ્વીકારી ન હતી.”
હિંસા રોકવાના પ્રયાસમાં વિનોદ કુમાર મિશ્રા અને અન્ય હિંદુ નેતાઓએ અબ્દુલ હમીદ સાથે પણ વાત કરી હતી. જોકે, હમીદે પોતાના પુત્રનો બચાવ કરતાં કહ્યું હતું કે ડીજે પર પાકિસ્તાનનું ગીત વગાડવામાં આવી રહ્યું હતું, જેની સામે મુસ્લિમોએ વાંધો ઉઠાવ્યો હતો. વિનોદ કુમાર મિશ્રાએ જણાવ્યું કે, “અબ્દુલ હમીદ મારી સાથે જ ભણ્યો હતો, તેથી મેં તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે કહ્યું કે તેનો પુત્ર હવે તેના નિયંત્રણમાં નથી.”
વિનોદે ભાવુક થઈને કહ્યું કે, તેનો બાળપણનો મિત્ર અબ્દુલ હમીદ પણ હિંસામાં સામેલ હતો. તેમણે કહ્યું, “અબ્દુલ હમીદ બાળપણનો મિત્ર હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે આવું કરશે. આ બાબત મારા માટે એક મોટા આંચકા સમાન હતી.”
તેમણે કહ્યું હતું કે અબ્દુલ હમીદ સાથે વાતચીત કરવા છતાં હિંસા અટકાવનું નામ નહોતી લઈ રહી. ત્યારબાદ મસ્જિદમાંથી ‘અલ્લાહ-હુ-અકબર’નું એલાન કરવામાં આવ્યું હતું, લાઉડસ્પીકર પર કહેવામાં આવ્યું હતું કે ‘જે જ્યાં પણ મળે મારી નાખો, કાપી નાખો.’ ત્યારબાદ તરત જ લગભગ 150-200 લોકોનું ટોળું હથિયારો સાથે બહાર આવ્યું અને હુમલો કરી દીધો હતો.
બાઈકથી ભાગવાનો પ્રયત્ન કર્યો તો ટાયર કાપી નાખ્યું
વિનોદ કુમાર મિશ્રાએ આ સમગ્ર ઘટના દરમિયાન જણાવ્યું હતું કે કેવી રીતે તેમનો જીવ પણ જોખમમાં મૂકાઈ ગયો. તેઓ જ્યારે તેઓ તેમની બાઇક પર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે એક મુસ્લિમ ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, “બાઈક હજુ શરૂ થઈ જ હતી કે તે લોકોએ મારા પર હુમલો કર્યો. 5-7 લોકો આવ્યા અને મને મારા અંગૂઠા અને માથા પર ઊંડા ઘા માર્યા.” તેમણે જણાવ્યું કે, તેઓ આ હુમલામાં લોહીલુહાણ થઈ ગયા હતા અને તેમની બાઈકને આગ હવાલે કરી દેવામાં આવી હતી.
વિનોદે આગળ કહ્યું કે, પોલીસની નિષ્ક્રિયતા આ સમગ્ર પ્રકરણમાં ખૂબ જ ચોંકાવનારી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યાં સુધી મુસ્લિમ ટોળું હુમલો કરતું રહ્યું ત્યાં સુધી પોલીસ મૂકપ્રેક્ષક બની જોઈ રહી હતી. જ્યારે હિંદુઓ એકઠા થયા અને જવાબી કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો. તેમણે કહ્યું, “પોલીસે અમારી ફરિયાદ પણ ન લીધી.” વિનોદના જણાવ્યા અનુસાર આ હિંસામાં 7-8 હિંદુઓ ઘાયલ થયા હતા, પરંતુ પ્રશાસન તરફથી કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી.
માત્ર ઝંડો ઉતારી દેવા પર હત્યા કરી દેશો?
ઑપઇન્ડિયા સાથે વાત કરતાં સ્થળ પર હાજર ચંદ્રપાલ મિશ્રાએ જણાવ્યું કે કેવી રીતે ઓમ પ્રકાશની હત્યા ઝંડો નીચે કરવા માટે કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “તે છોકરાનો શું વાંક હતો? તેણે કોઇની હત્યા કરી નથી, તેણે માત્ર લીલો ઝંડો નીચે ઉતાર્યો હતો, જે પણ પથ્થરમારા બાદ ઉતારવામાં આવ્યો હતો.”
ચંદ્રપાલે એમ પણ કહ્યું હતું કે જ્યારથી રામ મંદિર બન્યું છે ત્યારથી મુસ્લિમોમાં રોષ છે, ત્યારથી આ પ્રકારની ઘટનાઓ વધી છે. મુસ્લિમો રામ મંદિર નિર્માણ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેમણે તાજીયા વિશે પણ વાત કરી હતી. ચંદ્રપાલે કહ્યું, “અમે તાજિયામાં પણ સામેલ હતા, પરંતુ કોરોના દરમિયાન તાજિયા ન ઉપાડવાની ઘટનાથી મુસ્લિમ સમુદાય ગુસ્સે હતો અને તેથી જ તેઓએ હિંદુ ધાર્મિક યાત્રાને નિશાન બનાવી હતી. ચંદ્રપાલે કહ્યું કે, “મુસ્લિમોએ કહ્યું હતું કે જો અમારા તાજિયાને નહીં ઉઠાવવામાં આવે તો હિંદુઓની મૂર્તિ પણ નહીં ઉઠાવવા દઈએ.”
ભૂતકાળમાં પણ ઘટી ચૂકી છે આ પ્રકારની ઘટનાઓ
નોંધવું જોઈએ કે આ કોઈ પહેલીવારની ઘટના નથી. આવી જ સાંપ્રદાયિક ઘટનાઓ બહરાઇચમાં 1994-95માં બની હતી. તે સમયે પણ મુસ્લિમ સમુદાયે મૂર્તિ સહિતની યાત્રાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મિશ્રાએ આ ઘટનાની તુલના તે હિંસા સાથે કરતાં કહ્યું હતું કે આ વખતની હિંસા વધુ સંગઠિત અને ભયાનક હતી. તેમણે કહ્યું કે, “જો પ્રશાસન કડક હોત તો આ ઘટના ન બની હોત. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે હિંદુ સમાજ આ ઘટનાથી ડરવાનો નથી. તેમણે દૃઢતાપૂર્વક કહ્યું, “અમે આવતા વર્ષે પણ યાત્રા કાઢીશું, પછી ભલે અમારે બલિદાન જ કેમ ન આપવું પડે.”
બહરાઇચમાં થયેલી આ સાંપ્રદાયિક હિંસાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. પોલીસ અને પ્રશાસનની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જ્યારે સાંપ્રદાયિકતાની આગ યોગ્ય સમયે કાબૂમાં ન આવે ત્યારે તે કેટલી ઘાતક હોઈ શકે છે.