ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ હવે આસામ પણ તે દિશામાં આગળ વધી રહ્યું છે. આસામ સરકારે UCCની દિશામાં પહેલું પગલું ભર્યું છે. હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ-1935 નાબૂદ કર્યો છે. શુક્રવારે (23 ફેબ્રુઆરી) મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજ્યમાં હવે તમામ નિકાહ અને તલાક સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ થશે. નોંધનીય છે કે, તાજેતરમાં જ ઉત્તરાખંડમાં UCC લાગુ કરવામાં આવ્યો છે. જે બાદ આસામ સરકાર પણ તે દિશામાં આગળ વધી રહી છે.
કેબિનેટ બેઠક બાદ કેબિનેટ મંત્રી જયંત મલ્લાબારૂઆએ મીડિયાને જણાવ્યું કે, હવે આસામ રાજ્યમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ રદ કરવામાં આવ્યો છે. મુસ્લિમ નિકાહ અને ડિવોર્સ સાથે સંકળાયેલા તમામ મામલા સ્પેશયલ મેરેજ એક્ટ હેઠળ ઉકેલવામાં આવશે. મંત્રીએ વધુમાં કહ્યું કે, “મુખ્યમંત્રીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, અમે સમાન નાગરિક સંહિતા (UCCની) તરફ આગળ વધી રહ્યા છીએ. જે બાદ આ અંગે મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935 રદ કરવામાં આવ્યો છે.”
મલ્લાબારૂઆએ વધુમાં કહ્યું, “હવે આ કાયદા હેઠળ કોઈપણ મુસ્લિમ વિવાહ કે તલાક રજીસ્ટર કરવામાં આવશે નહીં. જોકે, અમારી પાસે એક સ્પેશ્યલ મેરેજ એક્ટ છે. એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે, તમામ કેસો હવે તે કાયદા હેઠળ ઉકેલવામાં આવે.”
94 મુસ્લિમ અધિકારીઓને પણ હટાવાયા
કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, હવે જિલ્લા કમિશનર અને જિલ્લા રજીસ્ટ્રારને મુસ્લિમ નિકાહ અને તલાક રજીસ્ટરના મુદ્દા પર અધિકાર આપવામાં આવશે. સાથે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ હેઠળ કામ કરતાં 94 મુસ્લિમ રજીસ્ટ્રારને પણ હટાવવામાં આવ્યા છે. તેમને 2 લાખ રૂપિયાનું વળતર આપીને ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવશે. આ નિર્ણય દ્વારા સરકાર રાજ્યમાં બાળલગ્ન વિરુદ્ધ પણ પગલાં લઈ રહી છે.
તેમણે ઉમેર્યું, “આ બધુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમાન નાગરિક સંહિતા તરફ આગળ વધવાનો છે અને આ અધિનિયમ જે બ્રિટિશકાળથી ચાલ્યો આવે છે, તે આજે અપ્રાસંગિક બની ગયો છે. અમે આ કાયદા હેઠળ ઘણા બાળલગ્નો પણ જોયાં છે. અમે માનીએ છીએ કે, આ બાળલગ્નને સમાપ્ત કરવાની દિશામાં પણ એક પગલું છે.”
‘ટૂંક સમયમાં લાગુ કરીશું UCC’
આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ રદ કરવા પર મંત્રી જયંત મલ્લાબારૂઆએ જણાવ્યું કે, “અમે ટૂંક સમયમાં જ રાજ્યમાં યુનિફોર્મ સિવિક કોડ (UCC) લાગુ કરવા જઈ રહ્યા છીએ અને કેનીનેટ બેઠક દરમિયાન આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935 નાબૂદ કરવામાં આવ્યો છે. આ કાયદા દ્વારા મુસ્લિમ રજીસ્ટરમાં મુસ્લિમ નિકાહ અને તલાકની નોંધણી થાય છે. પરંતુ રાજ્ય કેબિનેટની બેઠક બાદ આ કાયદો નિરસ્ત થયો છે. UCCના અમલીકરણ તરફ અમારું આ પહેલું પગલું છે.”
આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આસામ કેબિનેટે શાળા શિક્ષણના માધ્યમ તરીકે આદિવાસી ભાષાઓ મિસિંગ, રાભા, કાર્બી, તિવા, દેવરી અને દિમાસાને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટે બલિપારા આદિવાસી બ્લોકમાં અહોમ, કોચ રાજબોંગશી અને ગોરખા સમુદાયને સંરક્ષિત વર્ગનો દરજ્જો આપવાનો નિર્ણય પણ કર્યો છે.