Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમૃતસંગ્રહણમ, ધ્વજારોહણમ્, સ્નાપન, ચક્રસ્નાનમ... જાણો શું છે બ્રહ્મોત્સવમનું મહત્વ, કેવી રીતે થાય...

    મૃતસંગ્રહણમ, ધ્વજારોહણમ્, સ્નાપન, ચક્રસ્નાનમ… જાણો શું છે બ્રહ્મોત્સવમનું મહત્વ, કેવી રીતે થાય છે સમગ્ર વિધિ, તિરુપતિ મંદિરમાં ઉત્સવની તૈયારીઓ પૂર્ણ, પ્રતિદિન બનાવાશે7 લાખ લાડુ

    બ્રહ્મોત્સવ શરૂ થવાના એક દિવસ પહેલા મૃતસંગ્રહણમ (માટી એકત્ર કરવાની પ્રક્રિયા) કરવામાં આવે છે. મંદિરના અધિકારી વિશ્વકસેન, અનંત, સુદર્શન અને ગરુડ જેવા દેવતાઓને પ્રાર્થના કરે છે. તેઓ પૃથ્વી માતાની પ્રાર્થના પણ કરે છે અને થોડી માત્રામાં માટી એકત્રિત કરે છે, જેની સાથે અંકુરપર્પણ અનુષ્ઠાન કરવામાં આવે છે

    - Advertisement -

    તિરુપતિ મંદિરના (Tirupati Tirumala Mandir) પ્રસાદ (Prasadam) લાડુમાં પ્રાણીની ચરબીવાળા ઘીનો ઉપયોગ કરવાના વિવાદ વચ્ચે વેંકટેશ્વર મંદિર હવે બ્રહ્મોત્સવમની (Brahmotsavam) તૈયારી કરી રહ્યું છે. આ બ્રહ્મોત્સવમ ઉત્સવ નવ દિવસ સુધી ચાલશે, જેમાં દરરોજ લગભગ એક લાખ ભક્તો દર્શન માટે આવશે એવી સંભાવના છે. 4 થી 12 ઓક્ટોબર દરમિયાન આ વિશાળ ઉત્સવનું આયોજન કરવામાં આવશે. અગાઉ મંગળવારે (1 ઓક્ટોબર 2024), પરંપરાગત રીતે મંદિર શુદ્ધિકરણનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.

    મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના (TTD) કાર્યકારી અધિકારી જે. શ્યામલા રાવે જણાવ્યું હતું કે આ ધાર્મિક અનુષ્ઠાન ‘કોઇલ અલવર તિરુમંજનમ’ તરીકે ઓળખાય છે. આ ધાર્મિક અનુષ્ઠાન તમામ મોટા ઉત્સવ પહેલા વર્ષમાં ચાર વખત કરવામાં આવે છે. તેલુગુ ઉગાદી, અનિવારા અસ્થાનમ, વૈકુંઠ એકાદશી અને બ્રહ્મોત્સવમ જેવા મોટા તહેવારો દરમિયાન મંદિરમાં આ અનુષ્ઠાન કરવામાં આવતું હોય છે.

    અનુષ્ઠાન દરમિયાન મંદિર પરિસર, મૂર્તિઓ અને પૂજાના વાસણો સાફ કરવામાં આવે છે. મંદિરની દિવાલો, છત અને સ્તંભો પર ‘પરિમલમ’ નામનું વિશેષ સુગંધિત મિશ્રણ લગાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા સવારે 6થી 10 વાગ્યાની વચ્ચે થાય છે. આ સમય દરમિયાન મુખ્ય દેવતાને સફેદ આવરણથી ઢાંકવામાં આવે છે અને સફાઈ પૂર્ણ થયા બાદ આવરણ દૂર કરવામાં આવે છે. બાદમાં દેવતાને વિશેષ પૂજા અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે મંદિરમાં લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબી મિશ્રિત હોવાનો ખુલાસો થયા બાદ TTDએ (તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ) ઘી રાખવા માટે ઉપયોગમાં લેવાતી ટાંકીઓ અને સ્ટોરેજ એરિયામાં શુદ્ધિકરણની વિધિ હાથ ધરી હતી. આ ધાર્મિક અનુષ્ઠાન લાડુ અને અન્ય પ્રસાદ જ્યાં મુકવામાં આવતા હતા તે સ્થાન સાથે-સાથે રસોડા અને પ્રસાદ મૂકવા માટે વપરાતા વાસણોના શુદ્ધિકરણ માટે કરવામાં આવ્યું હતું.

    અધિકારીઓએ જણાવ્યું કે ‘પોટ્ટુ’ તરીકે જાણીતા રસોડુમાં દરરોજ 65,000-80,000 શ્રદ્ધાળુઓ માટે લગભગ 3.5 લાખ લાડુ તૈયાર કરવામાં આવે છે. હવે બ્રહ્મોત્સવ દરમિયાન દરરોજ ઓછામાં ઓછા 8 લાખ લાડુ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એવું સંભાવના છે કે બ્રહ્મોત્સવ દરમિયાન ભક્તોની સંખ્યા પ્રતિદિન એક લાખની આસપાસ રહેશે.

    શું હોય છે બ્રહ્મોત્સવ

    બ્રહ્મોત્સવમ એ નવ દિવસ ચાલતો ઉત્સવ છે. તિરુમાલા તિરુપતિ શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર વર્ષે ઉજવવામાં આવતા આ તહેવારનું નામ ભગવાન બ્રહ્માના નામ પરથી રાખવામાં આવ્યું છે. કહેવાય છે કે આ ઉત્સવની શરૂઆત તેમણે તિરુપતિ મંદિરમાં કરી હતી. તેથી તેને બ્રહ્મોત્સવમ અથવા બ્રહ્માનો તહેવાર કહેવામાં આવે છે. તિરુમાલાના તમામ તહેવારોમાંથી આ તહેવારને સૌથી પવિત્ર માનવામાં આવે છે.

    દંતકથા છે કે ભગવાન બ્રહ્માએ પુષ્કારિણી નદીના પવિત્ર કિનારે તિરુમાલા તિરુપતિ મંદિરમાં શ્રી બાલાજીની પૂજા કરી હતી અને માનવજાતને બચાવવા બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ ઉત્સવ દરમિયાન, બાલાજી તરીકે પ્રખ્યાત ભગવાન શ્રી વેંકટેશ્વરની મૂર્તિને વિવિધ રથોમાં બેસાડી રસ્તાઓ પર ફેરવવામાં આવે છે. આ દરમિયાન લાખો લોકો તેમના આશીર્વાદ લેવા આવે છે.

    બ્રહ્મોત્સવમ પર્વ દરમિયાન ભક્તો ઊંડો અને દિવ્ય આનંદ અનુભવે છે. તેઓ આને ‘વૈકુંઠ અનુભવ’ કહે છે. બ્રહ્મોત્સવની શરૂઆત પહેલાં, ભગવાન શ્રી વેંકટેશ્વરના મંદિરની ધાર્મિક ગ્રંથોમાં આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર સફાઈ કરવામાં આવે છે. મંદિર પરિસર અને તેની આસપાસનો વિસ્તાર ફૂલો અને આંબાના પાનથી શણગારવામાં આવ્યો છે. આ પ્રક્રિયાને આલય શુદ્ધિ અને અલંકારમ (શણગાર) કહેવામાં આવે છે.

    બ્રહ્મોત્સવ શરૂ થવાના એક દિવસ પહેલા મૃતસંગ્રહણમ (માટી એકત્ર કરવાની પ્રક્રિયા) કરવામાં આવે છે. મંદિરના અધિકારી વિશ્વકસેન, અનંત, સુદર્શન અને ગરુડ જેવા દેવતાઓને પ્રાર્થના કરે છે. તેઓ પૃથ્વી માતાની પ્રાર્થના પણ કરે છે અને થોડી માત્રામાં માટી એકત્રિત કરે છે, જેની સાથે અંકુરપર્પણ અનુષ્ઠાન કરવામાં આવે છે. જેમાં માટીને એક ઓરડામાં ફેલાવીને તેમાં 9 પ્રકારના અનાજ વાવવામાં આવે છે, જે સમૃદ્ધિ, ફળદ્રુપતા અને વિપુલતાનું પ્રતીક છે.

    બ્રહ્મોત્સવની શરૂઆત ધ્વજારોહણમ સાથે થાય છે. તે મંદિર પરિસરની અંદર નદીમી પડી કાવિલી પાસે ધ્વજ ધ્રુવ પર ધ્વજ ફરકાવવામાં આવે છે. મંદિરના અધિકારીઓ પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ગરુડની છબી વાળો ધ્વજ ફરકાવે છે. એવું કહેવાય છે કે બ્રહ્મા, ઇન્દ્ર, યમ, અગ્નિ, કુબેર અને વાયુદેવ જેવા દેવતાઓ તથા વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ઋષિઓને આમંત્રણ આપવા માટે ગરુડ દેવલોકમાં જાય છે.

    ભગવાનને વિવિધ વાહનોમાં તિરુમાલાની શેરીઓમાં શોભાયાત્રામાં લઈ જવામાં આવે છે. દરેક વાહનનું પોતાનું મહત્વ છે, અને તે પોતાની રીતે ભગવાનનો સંદેશ આપે છે. બ્રહ્મોત્સવ દરમિયાન, ભગવાનને શોભાયાત્રામાં લઈ જવાયા પછી, મુખ્ય મંદિરમાં તેમના દરબારનું આયોજન કરવામાં આવે છે. આ પછી ભગવાનના સ્નાપનની પ્રક્રિયા શરૂ થાય છે. તેને તહેવાર પછીનું સ્નાપનમ પણ કહેવામાં આવે છે.

    સ્નાપનમ હેઠળ ભગવાનને હર્બલ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પાણી શોભાયાત્રા દરમિયાન ભગવાનને લાગેલા થાક અને તણાવથી રાહત આપે છે. આ પછી મંદિરના પૂજારીઓ ભગવાનને નૈવેદ્ય અર્પણ કરે છે. પછી ચૂર્ણાભિષેક પ્રક્રિયામાં, ભગવાન અને તેમની પત્નીઓને ચંદનના પાવડરથી અભિષેક કર્યા પછી સ્નાન કરવામાં આવે છે.

    આ બ્રહ્મોત્સવમના નવમા દિવસે સવારે કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને તિરુમાલાની શેરીઓમાં સરઘસમાં લઈ જવામાં આવે છે. મંદિરના પૂજારીઓ ભક્તોમાં દેવતા માટે વપરાતા ચંદનના પાવડરનું વિતરણ કરે છે. એવું માનવામાં આવે છે કે ચંદનના પાવડરમાં વ્યક્તિના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાની શક્તિ હોય છે.

    ચક્રસ્નાનમ વિધિ યજ્ઞ પછીની સ્નાન વિધિ સમાન છે. બ્રહ્મોત્સવમના છેલ્લા દિવસે સવારે, ભગવાન, તેમની પત્નીઓ અને શ્રી સુદર્શનચક્રને સ્વામી પુષ્કારિણીમાં સ્નાન કરાવવામાં આવે છે. ભક્તો પણ શ્રી સુદર્શનચક્રની સાથે સ્વામી પુષ્કારિણીમાં પણ સ્નાન કરી શકે છે. તે ખૂબ જ પવિત્ર વિધિ માનવામાં આવે છે અને ભક્તો ધર્મ, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના આ વિધિમાં ભાગ લે છે.

    બ્રહ્મોત્સવના અંતિમ દિવસે ઋષિઓ અને દેવતાઓને વિદાય આપવાની વિધિને દેવતોદ્વાસનામ કહેવામાં આવે છે. આ દરરોજ પૂજા પછી કરવામાં આવે છે. ઉત્સવના આયોજન માટે ભગવાન બ્રહ્માનો આભાર માનવામાં આવે છે અને મંદિરના પૂજારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવે છે. બ્રહ્મોત્સવના અંતિમ દિવસે સાંજે ધ્વજ નીચે ઉતારવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં