અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગન રિસર્ચે માર્કેટ રેગ્યુલેટર SEBIનાં ચેરપર્સન માધવી બુચને ટાર્ગેટ કર્યા બાદ આ મામલે જે ફાયનાન્સિયલ સર્વિસ કંપનીના ફંડનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવી 360 One Wam લિમિટેડ (જે અગાઉ IIFL વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) દ્વારા એક નિવેદન બહાર પાડીને આરોપો નકારવામાં આવ્યા છે અને જરૂરી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
નોંધવું જોઈએ કે હિંડનબર્ગનો આરોપ છે કે માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચે આ કંપનીના IPE પ્લસ ફંડ 1માં રોકાણ કર્યું હતું, જેણે પછીથી મોરેશિયસના એક ફંડમાં રોકાણ કર્યું હતું. આ જ ફંડમાં ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ પણ રોકાણ કર્યું હતું. આ મામલે હવે કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે તેના ઑફશોર ફંડ અંતર્ગત પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ પણ રીતે અદાણી જૂથના કોઇ પણ શૅરમાં રોકાણ કરવામાં આવ્યું નથી.
360 One Wam લિમિટેડ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, IPE-Plus Fund 1 સંપૂર્ણપણે સુસંગત અને નિયંત્રિત ભંડોળ છે, જેને ઓક્ટોબર, 2013માં શરૂ કરવામાં આવ્યું હતું અને ઓક્ટોબર, 2019 સુધી સંચાલિત રાખવામાં આવ્યું હતું. આગળ કહેવામાં આવ્યું કે, “આ સમગ્ર સમય દરમિયાન IPE-Plus Fund 1એ કોઈ પણ ફંડ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અદાણી જૂથના કોઈપણ શેરમાં નવા પૈસાનું રોકાણ નથી કર્યું.”
ફંડમાં 90 ટકા રોકાણ બોન્ડમાં અને માત્ર 10 ટકા રોકાણ શેરમાં કરવામાં આવ્યું હોવાનું જણાવતાં નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “તેના પીક સમયે ફંડની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ લગભગ 48 મિલિયન યુએસ ડૉલર જેટલી હતી, જેમાં 90 ટકા હિસ્સો બોન્ડ થકી રોકવામાં આવ્યો હતો.”
આગળ કહેવામાં આવ્યું કે, ફંડ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર દ્વારા એક ‘ડિસ્ક્રિશનરી ફંડ’ તરીકે સંચાલિત કરવામાં આવતું હતું. જેમાં તેના પ્રબંધન અને રોકાણને લગતા નિર્ણયોમાં રોકાણકારોની કોઇ ભૂમિકા ન હતી. SEBI ચેરમેન માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચને લઈને જણાવવામાં આવ્યું કે, ફંડમાં તેમનો હિસ્સો 1.5%થી પણ ઓછો હતો.
હિંડનબર્ગના રિપોર્ટને લઈને કહેવામાં આવ્યું કે, આ સિવાય રિપોર્ટમાં અન્ય જે મુદ્દાઓ છે તે અગાઉના દાવાઓનું પુનરાવર્તન જ છે અને અગાઉ દરેકની સ્પષ્ટતા આપવામાં આવી ચૂકી છે. કંપનીએ અંતે સ્પષ્ટતા કરીને કહ્યું કે, તેના તમામ ફંડ લાગુ નિયમોને અનુરૂપ છે અને તેઓ કોર્પોરેટ ગવર્નન્સના ઉચ્ચ માનકોનું પાલન કરે છે.
એક્સચેન્જ ફાઇલિંગને લઈને એમ પણ કહેવામાં આવ્યું છે કે, રોકાણ પ્રબંધક દ્વારા ભંડોળનું સંચાલન વિવેકાધીન ભંડોળ તરીકે કરવામાં આવ્યું હતું અને રોકાણના નિર્ણયો લેવામાં રોકાણકારોની કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું કે, “ફંડની કામગીરી અથવા રોકાણના નિર્ણયોમાં કોઈ રોકાણકારની સંડોવણી નહોતી. ભંડોળમાં માધવી બુચ અને ધવલ બુચની હોલ્ડિંગ્સ ફંડમાં કુલ ઇનફ્લોના 1.5 ટકા કરતા પણ ઓછી હતી.”
360 વન વૈમ લિમિટેડે હિંડનબર્ગના આરોપોના જવાબમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તેમના તમામ ભંડોળ લાગુ પડતા નિયમનોનું સંપૂર્ણપણે પાલન કરે છે, અને તેઓ કોર્પોરેટ ગવર્નન્સના સર્વોચ્ચ ધોરણોને અનુરૂપ જ કામગીરી કરે છે.