તાજેતરમાં પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલતા ક્ષત્રિય આંદોલનને મામલે હિંદુ સંગઠન વિશ્વ હિંદુ પરિષદે સુખદ સમાધાનની અપીલ કરી છે. એક અખબારી યાદીમાં સંગઠને જણાવ્યું કે, આ આંદોલનથી તમામ જ્ઞાતિઓ અને તમામ સંપ્રદાયના સાધુ-સંતો પણ ચિંતાતુર છે અને વહેલામાં વહેલી તકે તેનું સમાધાન આવે તેમ કરવું જોઈએ.
સંગઠન દ્વારા જારી કરવામાં આવેલ પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું કે, દેશમાં રાજા-રજવાડાંનું યોગદાન મોટું રહ્યું છે અને તેમનાં બલિદાનોથી ઇતિહાસ ભરેલો રહ્યો છે. આખો દેશ આ વાતથી વાકેફ છે. વધુમાં, ક્ષત્રિયો માટે કહેવાય છે કે ‘ક્ષમા વીરસ્ય ભૂષમણ’ (ક્ષમા વીરનું આભૂષણ છે).
આગળ કહેવામાં આવ્યું કે, આપણે શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ અને રામરાજ્યની કલ્પનાને સાકાર કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમાજમાં સૌનો સાથ-સહકાર આવશ્યક છે. VHPના ક્ષેત્રમંત્રી અશોક રાવલે પ્રેસનોટ મારફતે જણાવ્યું કે, આ મામલે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી તેમજ મહંત દિલીપદાસજી તેમજ અન્ય સંતો સાથે ચર્ચા થઈ અને તેઓ ઇચ્છે છે કે આ બાબતે રાષ્ટ્રહિત, સામાજિકહિત અને વિશેષપણે હિંદુહિતનો વિચાર કરીને બંને પક્ષે સન્માન જળવાય તે રીતે સુખદ સમાધાન કરવામાં આવે.
વર્તમાન સમયમાં ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે તે મુદ્દે વિહિપ વતી ક્ષેત્ર મંત્રી અશોક રાવલજી ની અપીલ, રાષ્ટ્રીય હિત , સામાજિક હિત વિશેષ હિંદુ હિતનો વિચાર કરી સમર્થ ,સબળ,સમરસ રાષ્ટ્ર માટે એક થઈએ તેવી સંત સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ અપીલ કરે છે.@VHPDigital @ANI#VHP pic.twitter.com/vCbnsjnnQN
— Bajrang Dal Gujarat (@Bajrangdal_Guj) April 11, 2024
આગળ જણાવવામાં આવ્યું કે, સરકાર અને પાર્ટીએ (ભાજપ) ખૂબ મહેનત કરીને સમાજના સહકારથી ઘણાં સારાં કાર્યો કર્યાં છે. આર્ટિકલ 370 નાબૂદ કરવાથી લઈને રામ મંદિર અને અન્ય કાર્યોનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું કે, દેશની પ્રગતિ દર્શાવતાં આ કાર્યોને ધ્યાનમાં લઈને એક સબળ, સમર્થ અને સમરસ સમાજ અને દેશના નિર્માણ માટે સૌ મતભેદો દૂર કરીને એક થઈને મોટું મન રાખીને સુખદ સમાધાન કરે તેવી તમામ સંતો અને વિશ્વ હિંદુ પરિષદ અપીલ કરે છે.
નોંધનીય છે કે પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં એક ઠેકાણે રાજા-મહારાજાઓ વિશે ટિપ્પણી કર્યા બાદ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી આંદોલન ચાલુ છે અને રૂપાલાની ટીકીટ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાએ પણ એક પત્ર જારી કરીને અપીલ કરી હતી કે જો પરષોત્તમ રૂપાલા ત્રીજી વખત માફી માંગે તો સમાજે ધર્મને ધ્યાનમાં રાખીને તેમને માફી આપી દેવી જોઈએ. સાથે એમ પણ કહ્યું હતું કે આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે અને તેમણે દેશ માટે ખૂબ કાર્ય કર્યાં છે, તે બાબતો પણ ધ્યાનમાં રાખીને આગળ નિર્ણય લેવામાં આવે.
જામસાહેબ અને અન્ય અગ્રણીઓની અપીલ પર રાજપૂત સમાજની સંકલન સમિતિએ જણાવ્યું હતું કે, તેઓ જામસાહેબને મળીને આ બાબતે ચર્ચા કરશે અને આગળ નિર્ણય કરશે. હવે હિંદુ સંગઠનોએ પણ સમાધાનની અપીલ કરી છે.