વડોદરામાં (Vadodara) એક મહિલા તબીબ સાથે રિક્ષાચાલકે ગેરવર્તન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપીની ઓળખ સલમાન પઠાણ તરીકે થઈ છે, જેની રિક્ષામાં પીડિત મહિલા સવાર થઈને જતાં હતાં. સલમાને રસ્તો બદલતાં મહિલાએ પ્રશ્ન કરતાં તેણે તેમને ‘રૂક તુજે અભી બતાતા હું’ કહીને માથાકૂટ કરી હતી અને ત્યારબાદ ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો. આ મામલે પોલીસ મથકે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના વડોદરાના ગોરવા વિસ્તારની છે. પીડિતા મૂળ ઉત્તર પ્રદેશનાં વતની છે અને વડોદરાના દિવાળીપુરામાં પોતાનું ખાનગી ક્લિનિક ચલાવે છે. તેઓ પોતાના ઘરથી ક્લિનિક આવવા-જવા માટે ઓનલાઈન કેબ-ઑટોનો ઉપયોગ કરે છે. દરમ્યાન, બુધવારે (9 ઑક્ટોબર) તેઓ રાબેતા મુજબ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી રિક્ષા બુક કરીને ક્લિનિક પર જવા નીકળ્યાં હતાં.
આ ડ્રોપ કોલ રિક્ષાચાલક સલમાન જાનશેર પઠાણને મળ્યો હતો. તે રિક્ષા લઈને પહોંચ્યો અને મુસાફરને લઈને ગંતવ્ય સ્થાને જવા રવાના થયો. ફરિયાદમાં જણાવાયું છે કે, ગોરવાથી દિવાળીપુરા જવાના રસ્તે ચડ્યા બાદ આરોપીએ રિક્ષા બીજા જ રસ્તે હંકારી હતી. જેનો ખ્યાલ આવી જતાં મહિલાએ તરત જ સલમાનને પૂછ્યું કે તે શા માટે અલગ રસ્તે લઈ જઈ રહ્યો છે.
પહેલાં સલમાને આનાકાની કરી અને પછી મહિલાના પ્રતિકાર છતાં તેણે રિક્ષા હંકારવાનું ચાલુ રાખ્યું. જોકે પીડિતાએ સમયસૂચકતા વાપરીને બૂમબરાડા કર્યા અને રિક્ષા ધીમી થતાં તેમાંથી ઉતરી ગયાં હતાં, જેથી બચાવ થયો હતો. તેમને ઈજા પણ પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું છે.
દીકરીઓ સાવધાન! વડોદરામાં ઓનલાઈન રિક્ષા બુક કરાવતા મહિલા તબીબને રિક્ષા ચાલકે અન્ય માર્ગથી લઈ જવાનો પ્રયાસ કરતા મહિલા કુદી ગઈ! #Vadodara #Alert #womensafety #ZEE24KALAK pic.twitter.com/TW1j83EMOh
— Zee 24 Kalak (@Zee24Kalak) October 10, 2024
પીડિતાએ ઑપઇન્ડિયાને જણાવી આપવીતી
આ મામલે ઑપઇન્ડિયાએ મહિલા તબીબનો સંપર્ક કરતાં તેમણે પોતાની સાથે ઘટેલી આખી ઘટના કહી સંભળાવી હતી. તેમણે કહ્યું, “હું કાયમ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જ ઑટો બુક કરું છું. કાલે પણ એમ જ કર્યું હતું. હું વર્ષોથી આ રસ્તે આવ-જા કરું છું એટલે મને સારી રીતે ખબર છે કે કયો રસ્તો મારા ક્લિનિક સુધી જાય છે અને કયો નહીં. તેણે (આરોપી સલમાન) રિક્ષા અવાવરુ જગ્યા તરફ વાળી એટલે મને અંદરથી જ ખ્યાલ આવી ગયો કે કશુંક ખોટું થઈ રહ્યું છે.”
તેમણે આગળ જણાવ્યું, “મેં તેને પૂછ્યું કે ભાઈ તમે કેમ આ રસ્તેથી ચાલી રહ્યા છો, તો મને તેણે કહ્યું કે આગળ રસ્તો બંધ છે. મને ખબર હતી કે મુખ્ય રસ્તો બંધ છે, પરંતુ ત્યાં ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. મેં તેને એમ પણ કહ્યું કે તે જે રસ્તા પરથી રિક્ષા લઈ જઈ રહ્યો છે તે રસ્તો ખોટો છે અને તે મૂળ રસ્તો જ પકડે.”
તેઓ આગળ કહે છે, “મારા મોઢે આ વાત સાંભળીને તે એકદમ ઉશ્કેરાઈ ગયો અને ‘રુક અભી તુજે દિખાતા હું’ કહીને મારી સાથે માથાકૂટ કરવા માંડ્યો. મને ખ્યાલ આવી ગયો કે હું ફસાઈ ગઈ છું. મેં રિક્ષાની બહાર જોયું તો એક પણ વ્યક્તિ નજરે નહોતો પડી રહ્યો કે જેની પાસે હું મદદ માંગું.”
રસ્તામાં કેટલાક લોકો દેખાયા તો હિંમત આવી- પીડિતા
તેમણે કહ્યું કે, “તેવામાં એક ચાની કીટલી આવી. ત્યાં બે-ત્રણ જણાને જોઇને હું ચાલુ રિક્ષામાં અડધી બહાર લટકીને બચાવો…બચાવો… બૂમો પાડવા લાગી. આનાથી તે ડઘાઈ ગયો અને થોડી ક્ષણ માટે રિક્ષા ધીમી પાડી. મને મોકો મળ્યો કે હું તરત જ રિક્ષામાંથી ઉતરી ગઈ. ત્યાં ઉભેલા લોકો પણ અમારા તરફ આવી રહ્યા હતા. મેં તેને પકડી રાખવાનો પ્રયત્ન કર્યો, તેની રિક્ષામાં કશું ચેન જેવું લાગેલું હતું તેનાથી મેં તેને પકડ્યો પણ તેણે ધક્કો મારીને રિક્ષા હંકારી મૂકી હતી. હું રીતસર તેની પાછળ ઢસડાઈ અને મને જમણા હાથમાં અને પગમાં ઈજાઓ પહોંચી છે.”
“મને ઢસડતી જોઇને મદદે આવેલા લોકો પણ રિક્ષા પાછળ દોડ્યા અને પછી તેમાંથી કોઈએ તેનો વિડીયો પણ બનાવી લીધો હતો. મારો બધો સમાન પણ રિક્ષામાં જ હતો અને તે બધું જ લઈને ચાલ્યો ગયો. ત્યાં ઉભેલા એક વ્યક્તિએ તેમના ફોનથી તરત પોલીસ બોલાવી. મારા ઘરે જાણ કરી એટલે મારા પતિ પણ તરત દોડી આવ્યા અને અમે પોલીસ સ્ટેશન પહોંચીને FIR કરી. મદદે આવેલા લોકોએ જે વિડીયો બનાવ્યો હતો, તેમાં દેખાતા રિક્ષા નંબર પરથી તેને પકડી પણ લેવામાં આવ્યો.” તેમણે જણાવ્યું હતું.
આરોપી પાસે રહેલું ડ્રાઈવિંગ લાઈસન્સ ખોટું- પીડિતા
આ દરમિયાન પીડિતાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે જ્યારે પોલીસ તેને પકડીને લઈ આવી, ત્યારે તેના ચહેરા પણ જરા પણ ડર કે અફસોસ નહોતો દેખાઈ રહ્યો. તે પીડિતા સામે ખુન્નસથી જોઈ રહ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે ચાલક પાસે જે ડ્રાઈવિંગ લાઈસન્સ છે, તે પણ ખોટું છે.
હાલ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી સલમાન જાનશેર પઠાણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં હિંદુ મહિલા તબીબ સાથે ઘટેલી આ ઘટના મામલે વધુ માહિતી લેવા ગોરવા પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ કરતા પોલીસ અધિકારી સાથે વાત થઈ શકી ન હતી. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરવામાં આવશે.