રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના (NCPCR) આદેશ બાદ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં મદરેસાઓના સરવેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં શનિવારે (18 મે) અમદાવાદની મદરેસાઓમાં સરવે કરવામાં આવ્યો. પરંતુ આ કામગીરી દરમિયાન શહેરના દરિયાપુર વિસ્તારના સુલતાન મહોલ્લામાં આવેલી એક મદરેસાનો સરવે કરવા પહોંચેલા શિક્ષક સાથે મારપીટનો બનાવ બન્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલે અમદાવાદના દરિયાપુર પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી છે. પીડિત શિક્ષકે ફરિયાદમાં તેમની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આરોપીઓમાં ફરહાન અને ફૈઝલ નામના બે મુસ્લિમ યુવાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઑપઇન્ડિયા પાસે આ FIRની નકલ ઉપલબ્ધ છે.
શિક્ષક સંદીપ પટેલ બાપુનગરની શ્રુતિ હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, શનિવારે (18 મે) સવારે તેઓ DEO આર. એમ ચૌધરીએ બોલાવેલી મિટિંગમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાંથી તેમને સુલતાન મહોલ્લા ખાતે આવેલી સૈયદ સુલતાનની મસ્જિદમાં ચાલતી મદરેસામાં જઈને બાળકોની સંખ્યા, શિક્ષકોની સંખ્યા, રૂમની સંખ્યા વગેરે બાબતોની માહિતી મેળવવા માટે જણાવવામાં આવ્યું.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શિક્ષક સવારે 10:30 વાગ્યે સુલતાન મહોલ્લા ખાતે આવેલ મદરેસા પાસે પહોંચ્યા, પરંતુ અહીં મસ્જિદનો દરવાજો બંધ હતો. જેથી ઉપરી કર્મચારીને ફોન કરીને તે અંગે જાણ કરી હતી. અધિકારીએ તેમને મસ્જિદ બંધ હોય તો તેનો ફોટો પાડી લેવા માટે જણાવતાં તેમણે મોબાઈલમાં ફોટો પાડ્યો હતો.
‘હું કહેતો રહ્યો કે સરકારી કામ માટે આવ્યો છું, પણ તેઓ ન માન્યા’
તેમણે જણાવ્યું કે, “હું આ જગ્યાનો ફોટો પાડતો હતો તેવામાં અચાનક મારી પાછળથી માણસોનું ટોળું આવી ગયું અને તેઓ મને કહેવા લાગ્યા કે તમે અહીં ફોટો કેમ પાડો છો. હું કંઈ બોલું તે પહેલાં જ અજાણ્યા 5-7 ઈસમો હાથચાલાકી ચાલુ કરીને ગડદાપાટુનો માર મારવા માંડ્યા હતા અને બીભત્સ ગાળો આપીને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.” આ દરમિયાન ટોળામાંથી કોઈએ ફરહાન અને ફૈઝલને બૂમો પાડીને તેમના હાથમાંથી મોબાઈલ અને ડોક્યુમેન્ટ લૂંટી લેવા માટે કહ્યું હતું અને ત્યારબાદ ઝપાઝપીમાં તેમણે શિક્ષકનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો.
ફરિયાદમાં શિક્ષકે જણાવ્યું કે, મેં તેમને કહ્યું કે હું શિક્ષક છું અને સરકારી કામ માટે આવ્યો છું, પરંતુ તેમણે મને સાંભળ્યો નહીં અને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. બીજી તરફ મારા હાથમાંથી સરકારી ડોક્યુમેન્ટ પણ ઝૂંટવી લેવામાં આવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે, આ દરમિયાન ટોળામાં ઉભેલા માણસો ઉભા રહીને જોતા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી બહાર નીકળી આવ્યા અને સીધા પોલીસ મથકે પહોંચ્યા હતા.
આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે: દરિયાપુર પોલીસ
આ મામલે દરિયાપુર પોલીસે ફરહાન અને ફૈઝલ વિરુદ્ધ IPCની કલમ 143, 147, 323, 294(b), 392, 186, 332, 506(2) હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન દરિયાપુર પોલીસે જણાવ્યું હતું કે, “આ મામલે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. હજુ સુધી ધરપકડ થઈ નથી, પરંતુ જલ્દીથી આરોપીઓને પકડી લેવામાં આવશે.” જાણવા મળ્યા અનુસાર, 2 વ્યક્તિઓ જેમની સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બાકીના 5થી 7 વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે.