ઈન્દોર અને સુરત ભારતના સહુથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યાં છે. ગુરુવારે (11 જાન્યુઆરી, 2024) સ્વચ્છતા સર્વેક્ષણ-2023 માટે દેશનાં સૌથી સ્વચ્છ શહેરોની સૂચિ જાહેર કરવામાં આવી હતી. આ સૂચિમાં ગુજરાતના સુરત અને મધ્ય પ્રદેશના ઈન્દોરને સંયુક્ત રીતે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ઈન્દોરને સતત સાતમી વખત જ્યારે સુરતને પ્રથમ વાર આ એવોર્ડ મળ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને સુરતના મેયર દક્ષેશ માવાણીએ આ એવોર્ડ સ્વીકાર્યા હતા.
Madhya Pradesh: Indore bags cleanest city title for seventh consecutive time
— ANI Digital (@ani_digital) January 11, 2024
Read @ANI Story | https://t.co/sWBuNYugNC#Indore #MadhyaPradesh #SwachhSurvekshan2023 #cleanestcityIndore #SwachhBharatMission pic.twitter.com/ReTto1qCuW
મળતી માહિતી અનુસાર, આ સૂચિમાં મહારાષ્ટ્રનું નવી મુંબઈ ત્રીજા સ્થાને, આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ ચોથા સ્થાને અને મધ્યપ્રદેશનું ભોપાલ પાંચમા સ્થાને રહ્યું હતું. સાથે જ એક લાખથી ઓછી વસ્તી ધરાવતાં શહેરોમાં મહારાષ્ટ્રનું સાસવડ પ્રથમ ક્રમે, છત્તીસગઢનું પાટન બીજા ક્રમે અને મહારાષ્ટ્રનું લોનાવાલા ત્રીજા ક્રમે રહ્યું છે. દેશનાં સ્વચ્છ રાજ્યોની કેટેગરીમાં મહારાષ્ટ્રને પ્રથમ, મધ્યપ્રદેશને બીજું અને છત્તીસગઢને ત્રીજું સ્થાન મળ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા
ઉલ્લેખીય છે કે સૌથી સ્વચ્છ શહેરની યાદીમાં સુરતનું નામ પ્રથમ આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ પોતાના X પર એક પોસ્ટ કરીને હર્ષ વ્યક્ત કત્યો હતો. તેમણે આ પોસ્ટમાં લખ્યું હતું કે, “ભારત સરકાર દ્વારા આયોજિત દેશના શહેરોના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન સ્થાન મેળવ્યું છે. માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે આ માટેનો સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ સુરત શહેરના સૌ નાગરિકો, મેયરશ્રી તેમજ મહાનગરપાલિકાના સૌ કર્મીઓને ખૂબ-ખૂબ અભિનંદન.”
ભારત સરકાર દ્વારા આયોજિત દેશના શહેરોના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન સ્થાન મેળવ્યું છે. માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે આ માટેનો સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ સુરત શહેરના સૌ નાગરિકો, મેયરશ્રી તેમજ મહાનગરપાલિકાના સૌ કર્મીઓને… pic.twitter.com/8uF8MB72mc
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 11, 2024
આ જ પોસ્ટમાં તેમણે વધુમાં લખ્યું હતું કે, “માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને તેમની પ્રેરણાથી રાજ્યમાં ‘નિર્મળ ગુજરાત’ સ્વચ્છતા અભિયાન ખૂબ ઊર્જાપૂર્વક આગળ વધી રહ્યું છે. સુરતવાસીઓએ માનનીય પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ ભારતના આહવાનને ઝીલી લઈને સ્વચ્છતાના મામલે અગ્રેસર રહીને રાજ્યને વિશેષ ગૌરવ અપાવ્યું છે.”
આ ઉપરાંત ગંગા કાંઠે વસેલાં સૌથી સ્વચ્છ શહેરોમાં વારાણસી પ્રથમ અને પ્રયાગરાજ બીજા ક્રમે રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીએ દિલ્હીના ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં આ રાજ્યોના પ્રતિનિધિઓનું સન્માન કર્યું હતું. બેસ્ટ સ્વચ્છતા મિત્ર સેફ સિટીનો એવોર્ડ ચંદીગઢને આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મધ્યપ્રદેશના મહુને સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ બોર્ડનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ ડાયરેક્ટર જનરલ G.S રાજેશ્વરને એનાયત કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે દેશના નાગરિકોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવા કેન્દ્ર સરકરે વર્ષ 2016માં સ્વચ્છ ભારત મિશન-અર્બન હેઠળ આ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત આ વખતે 4,416 શહેરી સ્થાનિક સંસ્થાઓ અને 88 ગંગા શહેરો વર્ષ 2023 માટે પુરસ્કારો પાઠવવામાં આવ્યા છે અને આ અંતર્ગત ઈન્દોર અને સુરત ભારતનાં સૌથી સ્વચ્છ શહેર ઘોષિત કરવામાં આવ્યા છે.