Friday, June 28, 2024
More
    હોમપેજસ્પેશ્યલ'યે મેરા પુનર્જન્મ હૈ, મૈં કચ્છ કે ભૂકંપ મેં મર ગઈ થી':...

    ‘યે મેરા પુનર્જન્મ હૈ, મૈં કચ્છ કે ભૂકંપ મેં મર ગઈ થી’: બનાસકાંઠાના શ્રમિક પરિવારની 4 વર્ષની બાળકીનો રહસ્યમય દાવો; ઑપઇન્ડિયાને પોતના પુનર્જન્મ વિશે આપી માહિતી

    ઑપઇન્ડિયા સાથે વાત કરતાં દક્ષાએ કહ્યું હતું કે, હવે ફરીવાર તે અંજાર જવા માંગતી નથી. જેનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, "અંજારમાં મને ડર લાગે છે. ભગવાન શ્રીરામે મને ના પાડી છે. શ્રીરામે કહ્યું છે કે, - 'તુ પાછી આવીશ તો તને હવે ફરીવાર હું જન્મ નહીં આપું.' એટલે હવે હું અંજાર નહીં જાઉ."

    - Advertisement -

    હિંદુ ધર્મમાં પુનર્જન્મની ફિલોસોફી આદિકાળથી ચાલી આવે છે. આપણાં ધર્મગ્રંથોમાં પણ પુનર્જન્મને માન્યતા મળેલી છે. ત્યારે હાલના સમયમાં પણ ઘણા એવા દાખલા સામે આવતા રહે છે કે, જેમાં કોઈ વ્યક્તિ તેના પુનર્જન્મને લગતી વાતો કરવા લાગે છે. ત્યારે હાલમાં જ બનાસકાંઠાના એક ગામમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના અભણ ગુજરાતી પરિવારની બાળકી જન્મથી જ સડસડાટ હિન્દી બોલે છે અને તે પુનર્જન્મનો પણ દાવો કરે છે. બાળકીનો દાવો છે કે, આ તેનો પુનર્જન્મ છે અને 24 વર્ષ પહેલાં અંજારમાં તે રહેતી હતી. જ્યાં ભૂકંપમાં તેનું અને તેના પરિવારનું મોત નીપજ્યું હતું.

    બનાસકાંઠાના અભણ ગુજરાતી પરિવારની 4 વર્ષની બાળકીનો આ પુનર્જન્મનો દાવો હવે સોશિયલ મીડિયાથી લઈને મીડિયા સુધીમાં ચર્ચાનો વિષય બન્યો છે. વિડીયો વાયરલ થયા બાદ તેની હકીકત જાણવા માટે ઑપઇન્ડિયા છેક બનાસકાંઠાના ખસા ગામ સુધી પહોંચ્યું હતું. અમે બાળકીના પિતા જેતાજી ઠાકોર અને બાળકી દક્ષા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન બાળકીએ અનેક રસપ્રદ અને ચોંકાવનારી વાતો કરી હતી. તેણે છેક સુધી પુનર્જન્મની વાતોનું રટણ કર્યું હતું.

    ‘દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં વાત કરે છે’- બાળકીના પિતા

    ઑપઇન્ડિયાએ સૌપ્રથમ તો ખસા ગામના સરપંચનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ આ ઘટના અંગે થોડી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, “કુદરત ખરેખર ક્યારેક નવાઈ પમાડે છે. સોશિયલ મીડિયામાં પુનર્જન્મના દાવાને લઈને વાયરલ થઈ રહેલી બાળકી અમારા કુટુંબની જ છે. તેણે જે વાતો કરી છે, તે પણ ઘણા અંશે સત્ય છે.” સરપંચ દ્વારા અમે બાળકીના પરિવાર સુધી પહોંચ્યા હતા. બાળકીના પિતા જેતાજી ઠાકોરે અમને દક્ષાના બાળપણ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ ખસા ગામના જ વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગિયા તરીકે મજૂરી કામ કરે છે. તેમના ત્રણ સંતાનો છે. જેમાં એક દીકરો અને બે દીકરીઓ છે.

    - Advertisement -
    બાળકીના પિતા જેતાજી ઠાકોર

    તેમણે કહ્યું કે, સૌથી નાની દીકરી દક્ષા બોલતા શીખી ત્યારથી માત્ર હિન્દીમાં જ વાત કરે છે. તે તેની બહેનપણીઓ સાથે પણ હિન્દીમાં જ વાત કરે છે. ગુજરાતી ભાષા બોલવામાં તેને મુશ્કેલી પડે છે. પહેલાંથી તે હિન્દીમાં જ બોલતી આવી છે. તેને કોઈ વસ્તુ જોઈએ તો પણ તે હિન્દીમાં જ કહેતી હતી. જેમ કે, “મા મુજે પાની દે” જોકે, બાળકીના માતા-પિતા અભણ છે. તેના માતા ગીતાબેનને પણ હિન્દીનું જ્ઞાન નથી. શરૂઆતમાં દક્ષા હિન્દી બોલતી તો પરિવારે તેના તરફ કોઈ ધ્યાન ન આપ્યું. બાળકી જ્યારે દોઢ વર્ષની હતી ત્યારે તે હિન્દીમાં વારંવાર બોલતી કે, ‘મેરી મમ્મી કહા હૈ… મેરા બિસ્તર કહા હૈ…મેરે પાપા કહા હૈ’ જોકે, આ બાળકીના માતા-પિતા અશિક્ષિત હતા એટલે પ્રથમ તો બાળકી કંઈક લવારા કરે છે એમ માનીને ચલાવે રાખ્યું. સ્કૂલે ગયા વગર, કોઈપણ પ્રકારના મોબાઈલ-ટીવી, સિનેમા કે સોશિયલ મીડિયાના સંપર્કમાં આવ્યા વગર દક્ષાને કડકડાટ હિન્દી આવડે છે. તેના આસપાસમાં પણ કોઈ હિન્દીનો માહોલ નથી. આ વાત જાણીને આસપાસના લોકો પણ અચંબિત થઈ ગયા હતા.

    જ્યારે ઑપઇન્ડિયાએ દક્ષાના પિતાને ઘટનાની શરૂઆત વિશે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં તો પરિવારે દક્ષા તરફ ધ્યાન આપ્યું નહોતું. પરંતુ સમય જતાં તે સમજદાર અને પરિપક્વ માણસ જેવી વાતો કરવા લાગી. 6 મહિના પહેલાં તેણે અચાનક તેના પિતાને કહ્યું કે, આ તેનો બીજો જન્મ છે. આ પહેલાંના જન્મમાં તે અંજાર રહેતી હતી અને તેનું નામ પ્રિંજલ હતું. તેના માતા-પિતા પણ અંજારમાં રહેતા હતા. ભૂકંપ વખતે ધાબું પડતાં તે મરી હોવાનું તેણે તેના પિતાને કહ્યું હતું. ત્યારે તેના પિતા અને પરિવાર સહિત ગામના લોકો પણ અચંબિત થઈ ગયા હતા.

    દક્ષાનો પરિવાર

    બાળકીના પિતાએ કહ્યું કે, ચાર વર્ષની બાળકીને અંજાર વિશે શું ખબર હોવાની? તેને તો તેના હાલના જન્મસ્થળના જિલ્લા વિશે પણ નથી ખબર. તેમ છતાં તેણે અંજાર અને ભૂકંપની વાતો કરી હતી. તેને એ પણ ખબર હતી કે, 24 વર્ષ પહેલાં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો અને તેનું મોત થયું હતું. આ બધી વાતોથી લોકોમાં કુતૂહલ પેદા થયો હતો અને ધીરે-ધીરે આખા દેશમાં તેની આ વાતો ફેલાઈ ચૂકી હતી.

    ‘મૈ વાપસ અંજાર નહીં જાના ચાહતી’- દક્ષા

    ઑપઇન્ડિયાએ 4 વર્ષની તે બાળકી દક્ષા સાથે પણ વાત કરી હતી. દક્ષાને ભૂકંપની ઘટના વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે, “હું બાળમંદિરે ભણવા માટે ગઈ હતી. ત્યાંથી હું મારી બહેનપણીઓ સાથે રમતી-રમતી ઘરે આવી રહી હતી. ત્યારે અચાનક જમીન ફાટવા લાગી હતી અને ઉપરથી એક ધાબું મારા માથા પર પડ્યું હતું અને હું મરી ગઈ હતી.” આ સાથે તેણે એવું પણ કહ્યું હતું કે, આ ભૂકંપની ઘટનામાં તેના માતા-પિતા પણ મૃત્યુ પામ્યા હતા. તેના પરિવારના સભ્યોના નામ તે જણાવી શકી નહોતી, પરંતુ તેણે કહ્યું કે, અંજારમાં રહેતી હતી ત્યારે તેનું નામ પ્રિંજલ હતું. અંજારના પરિવાર વિશે પણ બાળકીએ વાતો કરી હતી.

    દક્ષા

    તેણે વાત કરતાં કહ્યું હતું કે, તેના પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં એટલે કે બેકરીમાં કામ કરતાં હતા અને તેઓ લાલ કપડાં પહેરતા હતા. તેની માતા ફૂલવાળી સાડીઓ પહેરતી હતી અને કોઈક વાર તે ડ્રેસ પહેરતી હતી. અંજારમાં તેનું મોટું મકાન હતું. તેના માતા-પિતા તેને ખૂબ પ્રેમ કરતાં હતા. તેના પિતાના ત્રણ સંતાનો હતા. જેમાં સૌથી મોટો ભાઈ હતો, ત્યારબાદ પુત્રી હતી અને દક્ષા (પ્રિંજલ) સૌથી નાની બાળકી હતી. તેથી તેને માતા-પિતા ખૂબ પ્રેમ કરતાં હતા. જોકે, દક્ષા હવે ફરીથી અંજાર જવા માંગતી નથી. તે અહીં જ તેના ભાઈ-બહેન અને માતા-પિતા સાથે રહેવા માંગે છે.

    ‘ભગવાન ને ભેજા હૈ મુજે’- દક્ષા

    ઑપઇન્ડિયા સાથે વાત કરતાં દક્ષાએ કહ્યું હતું કે, હવે ફરીવાર તે અંજાર જવા માંગતી નથી. જેનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, “અંજારમાં મને ડર લાગે છે. ભગવાન શ્રીરામે મને ના પાડી છે. શ્રીરામે કહ્યું છે કે, – ‘તુ પાછી આવીશ તો તને હવે ફરીવાર હું જન્મ નહીં આપું.’ એટલે હવે હું અંજાર નહીં જાઉ. જો ત્યાં ફરી ભૂકંપ આવ્યો તો ભગવાનજી મને પાછી નહીં મોકલે. ભગવાનજીએ મને અહીં મોકલી છે અને હવે તો કહી દીધું છે કે, ફરીવાર જન્મ નહીં આપે.” તેણે દાવો કર્યો છે કે, તેણે ભગવાન શ્રીરામ સાથે વાતો કરી છે. ભગવાને જ તેને ફરીવાર મોકલી છે અને એવું પણ કહ્યું છે કે, જો હવે પાછી તે ભગવાન પાસે જશે તો તેને ક્યાંય મોકલશે નહીં. 4 વર્ષની બાળકીએ આ દાવો કરીને વધુ એક રહસ્યને જન્મ આપ્યો છે.

    બાળકી 4 વર્ષની છે, અશિક્ષિત પરિવારમાંથી આવે છે, સ્કૂલે ગયા વગર, કોઈપણ પ્રકારના મોબાઈલ-ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર બાળકીનું કડકડાટ હિન્દી બોલવું અને તમામ પુનર્જન્મની વાતો કરવી એ અત્યારે તો એક કોયડો છે. પરંતુ જે પ્રકારે બાળકી વાત કરી રહી છે એ પ્રકારે કદાચ વિજ્ઞાન માટે પણ આ એક કોયડા રૂપ થઈ શકે છે. હાલ, દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતાં દક્ષાએ જણાવ્યું હતું કે, તે અંગ્રેજીમાં શિક્ષણ મેળવવા માંગે છે અને ફોજી બનીને દુશ્મનોને મારવા માંગે છે. તેમના પિતાએ પણ બાળકીના ભવિષ્યને લઈને વાત કરી હતી. તેમણે કહ્યું કે, બાળકી તેની ઉંમર કરતાં વધુ હોંશિયાર અને પરિપક્વ છે. તેથી તેને ભણાવીશ અને તેનું સપનું પૂરું કરવામાં યોગદાન આપીશ.

    બાળકીના પિતાએ વધુમાં વાત કરતાં કહ્યું કે, “કોઈ કુદરતી શક્તિ છે, જે મારી બાળકી સાથે છે. કોઈ ચમત્કાર…તેને ગુજરાતી બોલતા નથી આવડતું, અમે બનાસકાંઠા રહીએ અને એ બાળકી છેક અંજાર સુધી પહોંચી ગઈ છે. શરૂઆતમાં ધ્યાન પર ન લીધું. પણ હવે તો ચોક્કસ કોઈ રહસ્ય છે. કોઈ ચમત્કાર છે. કુદરત તો ધારે એ કરે. આવું જ કઈક થયું છે. બાકી મને કશું ખબર નથી પડતી આમાં, ભગવાનને ખબર શું છે અને શું નહીં તે તો.”

    શું કહે છે મનોચિકિત્સક?

    પુનર્જન્મ હોય શકે કે ના હોય શકે તેના પર અનેક ચર્ચાઓ ભૂતકાળમાં થતી રહી છે અને આવનારા ભવિષ્યમાં પણ તેને લઈને વિવાદ ચાલતો જ રહેવાનો છે. સૌપ્રથમ એ સમજવું પણ જરૂરી છે કે, હિંદુ ધર્મ વિજ્ઞાન આધારિત છે. વૈદિક વિજ્ઞાન અને ગણિતના આધારે જ આપણી ફિલોસોફી બની છે. તેથી પુનર્જન્મના વિષયને એકદમથી નકારી દેવો ભૂલભરેલું હશે. બાળકી સાથે વાત કર્યા બાદ ઑપઇન્ડિયાએ ભાવનગરના મનોચિકિત્સક ડૉ. હિતેષ પટેલિયા સાથે વાત કરી હતી. મનોચિકિત્સકે વાત કરતાં અમને જણાવ્યું હતું કે, “પુનર્જન્મનો સિદ્ધાંત ખોટો અને અર્થવિહીન નથી. આ બાળકીની આસપાસમાં કોઈ હિન્દીભાષી વાતાવરણ પણ નથી, કોઈ ટીવી કે મોબાઈલ નથી. તોપણ હિન્દી બોલે છે. તે પુનર્જન્મ હોવાનું દર્શાવે છે. તેથી બનાસકાંઠાના શ્રમિક પરિવારની બાળકીનો પુનર્જન્મનો દાવો યોગ્ય પણ હોય શકે છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “ડૉ. બ્રેન વાઈઝ 1944માં અમેરિકામાં જન્મ્યા હતા. તેમણે પણ પુનર્જન્મને લઈને અનેક સંશોધન કર્યા છે અને તેમાં તેમને સફળતા પણ મળી છે. તેથી સાયકોલોજીમાં પુનર્જન્મને પણ માનવામાં આવે છે. અજાગ્રત મનમાં પુનર્જન્મની અમુક ઘટનાઓ જીવંત હોય શકે છે, જે અમુક સમયે યાદ આવે છે. આ બાળકીના કેસમાં પણ આવું જ થયું છે. ભગવદ ગીતામાં પણ પુનર્જન્મને અટલ સિદ્ધાંત ગણાવ્યો છે. તેથી આ પુનર્જન્મનો કિસ્સો હોય શકે છે.”

    નોંધવા જેવુ છે કે, 26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપે ગુજરાત સહિત આખા દેશને હચમચાવી નાખ્યો હતો. આ દુર્ઘટનામાં કેટલાય ગામો અને પરિવારો જીવતા હોમાય ગયા હતા. હજારોની સંખ્યામાં મૃતદેહો મળી આવ્યા હતા. આખા-આખા ગામ જમીનમાં સમાઈ ગયા હોવાના સમાચારો સામે આવ્યા હતા. તે એટલી ભયાનક ઘટના હતી કે, આજેપણ ગુજરાત તે ઘાને રુઝાવી શક્યું નથી. તેવામાં બનાસકાંઠાના એક શ્રમિક પરિવારની બાળકીનો પુનર્જન્મનો દાવો ઘણા રહસ્યોને સાથે લઈને આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં