નર્મદાના રાજપીપળામાં (Rajpipla) એક મુસ્લિમ યુવક હિંદુ સગીરાનું અપહરણ કરીને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તે સોશિયલ મીડિયાથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હિંદુ સગીરા રાજપીપળા ખાતે તેના પરિવાર સાથે રહે છે અને અભ્યાસ કરે છે. થોડા સમય આગાઉ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મુંબઈના ઘાટકોપર ખાતે રહેતા આસિફ શેખ નામના મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી હતી. આસિફ તેની સાથે મિત્રતા કેળવીને વાતચીત શરૂ કરી હતી. ઘણા લાંબા સમય સુધી બાળકીનું બ્રેઈનવૉશ કર્યા બાદ તેણે બાળકીને લગ્ન કરવાની લાલચ આપી હતી. પોતાનું હિત-અહિત પારખવામાં અક્ષમ અનુસૂચિત જનજાતિની આ બાળકી તેની વાતોમાં આવી ગઈ હતી.
સગીરાને ઉઠાવવા છેક રાજપીપળા આવ્યો
ગત 22 ઑક્ટોબર, 2024ના રોજ બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યાના આરસમાં આસિફ રાજપીપળા આવ્યો હતો. તે સારી રીતે જાણતો હતો કે બાળકી હજુ સગીર વયની છે અને તે અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. આટલી જાણ હોવા છતાં તેણે સગીરાને મળવાના બહાને બોલાવી અને ત્યાંથી ઉઠાવીને લઈ ગયો. બીજી તરફ લાંબા સમય સુધી બાળકી પરત ન ફરતાં તેનો પરિવાર ચિંતામાં મૂકાયો હતો. લાંબા સમય સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.
આ આખું કારસ્તાન આસિફનું હોવાનું સામે આવતા પરિવારે તેના વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજપીપળા પોલીસ મથકના PI વી.કે ગઢવીએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પરિવાર મદદ માટે આવ્યો કે તરત જ રાજપીપળા પોલીસે FIR દાખલો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદ નોંધાયાને હજુ 24 કલાક થયા છે. અમારી ટીમ મોબાઈ ફોન ટ્રેસ કરી તેમજ CDR-કોલ લોગ દ્વારા તેમનું પગેરું શોધવા કામે લાગી છે. હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવી રહી છે.”
પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને BNSની અપહરણ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.