27 ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરામાં થયેલા હિંદુ હત્યાકાંડના મુખ્ય ગુનેગારો પૈકીના એક રફીક હુસૈન ભટુક ગત ફેબ્રુઆરી 2021 માં પકડાયા બાદ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. રફીક છેલ્લા 19 વર્ષથી નાસતો ફરતો હતો, જે બાદ ગત વર્ષે ગોધરામાં તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો હતો. તેની ઉપર ટ્રેન સળગાવવા માટે પેટ્રોલ ભરી આપવા સહિતના આરોપો હતા.
Criminal Rafiq Hussain Bhatuk, accused in Godhra train coach fire, who was absconding from 19 yrs & was arrested last yr by Godhra police has been given the punishement of life imprisonment under conspiracy to murder by Godhra sessions court:RC Kodekar, Special Public Prosecutor pic.twitter.com/dwqSFzFPFn
— ANI (@ANI) July 2, 2022
રફીક ગોધરાકાંડનું પૂર્વ નિયોજિત ષડ્યંત્ર રચનાર ગેંગનો સભ્ય હતો અને ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં આગ લગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરવી, ભીડ ઉશ્કેરવી સહિતના કાવતરાં રચવામાં તેનો મોટો હાથ હતો. રફીકનાં ગુનાઓને જોતાં તેની વિરુદ્ધ હત્યા અને હિંસા ભડકાવવા સહિતની કલમો સહિત કેસ નોંધવામાં આવ્યો હતો.
રફીક સ્ટેશન ઉપર ફેરિયાનું કામ કરતો હતો અને તેણે ટ્રેન સળગાવવા માટે પેટ્રોલ ભરી આપ્યું હતું. આ ઉપરાંત પણ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી જોતા તેનો સમાવેશ મુખ્ય આરોપીઓમાં કરવામાં આવ્યો હતો.
જે બાદ રફીક હુસૈન ધરપકડથી બચવા માટે ભાગી છૂટ્યો હતો અને દાહોદથી ટ્રેન મારફતે દિલ્હી પહોંચી ગયો હતો. જે બાદ પોલીસ અને તપાસ કરતી ટીમો દ્વારા તેની શોધખોળના પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ હાથ લાગ્યો ન હતો. જેના કારણે તેની વિરુદ્ધ વોરંટ પર જારી કરવામાં આવ્યું હતું. રફીક ઓળખ છુપાવીને દિલ્હીમાં છૂટક મજૂરી કરતો હતો.
આખરે 19 વર્ષ બાદ ફેબ્રુઆરી 2021 માં તે ગોધરા ખાતે સિગ્નલ ફળીયાના તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા ગોધરા એસઓજીએ સ્પેશિયલ ઓપરેશન હેઠળ રફિકને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો અને એસઆઈટીને સોંપી દીધો હતો. જે બાદ તેની વિરુદ્ધ ગોધરા સેશન્સ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. ગોધરા હિંદુ હત્યાકાંડ સમયે રફીકની ઉંમર 33 વર્ષની હતી, અને જ્યારે તે પકડાયો ત્યારે તે 51 વર્ષનો હતો.
રફીક વિરુદ્ધ પૂરતા પુરાવાઓ મળતા તપાસ અધિકારી આર.એમ પટેલે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ તેમજ તેમજ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને ગોધરા સેશન્સ કોર્ટે રફીક હુસૈન ભટુકને આજીવન કેદની સજા ફટકારી હતી.
રિપોર્ટ અનુસાર, ગોધરામાં ટ્રેન સળગાવવાના કેસમાં હજુ પણ સાત આરોપીઓ વોન્ટેડ છે. જે પૈકીના બે પાકિસ્તાન કે અન્યત્ર સ્થળે ભાગી છૂટ્યા હોવાની શક્યતાઓ હોઈ તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 27મી ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ઉપર અયોધ્યા રામમંદિરની કારસેવા કરીને પરત ફરેલા હિંદુ કારસેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં પૂર્વનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં 27 મહિલાઓ અને 10 બાળકો સહિત 59 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.