Tuesday, June 25, 2024
More
    હોમપેજક્રાઈમભરૂચના આમોદમાં બકરીદ અગાઉ ફરતા થયેલા પેમ્ફલેટમાં ગાયની કુરબાનીની પણ વાત, સોશિયલ...

    ભરૂચના આમોદમાં બકરીદ અગાઉ ફરતા થયેલા પેમ્ફલેટમાં ગાયની કુરબાનીની પણ વાત, સોશિયલ મીડિયા પર કાર્યવાહીની માંગ: વિરોધ બાદ ઈસ્લામિક સંસ્થાએ માફી માંગી

    વાયરલ પેમ્ફલેટમાં લખવામાં આવ્યું છે કે, "કલમા બોલ્યા બાદ જેની કુરબાની હોય તેનું નામ બોલવું અને ઊંટ, ગાય, ભેંસ જેવું મોટું જાનવર હોય તો જેટલા ભાગીદાર હોય તે તમામના નામ લેવા." ગાયના ઉલ્લેખ બાદ તેમાં લખવામાં આવ્યું છે કે ગરદન કાપવા (ઝહબ) દરમિયાન જાનવરના ગળાની કમસેકમ 4 અને ઓછામાં ઓછી 3 નસ કાપવી.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક પત્રિકા વાયરલ થઈ રહી છે, જે ભરૂચની ઇસ્લામિક સંસ્થા દારુલ ઉલુમ બરકાતે ખ્વાજા દ્વારા બહાર પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બકરીદ અગાઉ વાયરલ થયેલા આ પેમ્ફલેટમાં જાનવરની કતલ કઈ રીતે કરવી (ઈસ્લામ અનુસાર કુરબાની કઈ રીતે આપવી) તે જણાવવામાં આવ્યું છે. મોટાભાગના ઉર્દૂ શબ્દોમાં લખવામાં આવેલી આ પત્રિકામાં અન્ય જાનવરો સાથે ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. જોકે, પછીથી સંસ્થાએ માફી માંગી લીધી હતી અને કહ્યું કે ગાયની કતલ કરવામાં નહીં આવે.

    વાયરલ થઈ રહેલા પેમ્ફલેટમાં ઉપર ‘કુરબાનીનો તરીકો’ લખવામાં આવ્યું છે. તેની નીચે કુરબાનીના જાનવરને કાબા શરીફ તરફ રાખીને ઝહબ કરવાવાળાનો પગ પાસા પર રાખીને છરાથી ઝડપથી ઝબહ (ધારદાર છરા વડે ગરદન કાપવી) કરવા કહેવાયું છે અને તે દરમિયાન પઢવામાં આવતી દુઆ વિશે પણ માહિતી આપવામાં આવી છે. તેમાં પોતાની કુરબાની હોય તો અલગ અને અન્યની હોય તેના માટે બીજી અલગ દુઆ પઢવાની વાત કરવામાં આવી છે.

    જાનવરની ગરદન કેવી રીતે કાપવી તેની સૂચનામાં ગાયનો ઉલ્લેખ

    આગળ અરબી ભાષામાં કલમાઓ લખવામાં આવ્યા છે. ત્યારબાદ તેની નીચે લખવામાં આવ્યું છે કે, “કલમા બોલ્યા બાદ જેની કુરબાની હોય તેનું નામ બોલવું અને ઊંટ, ગાય, ભેંસ જેવું મોટું જાનવર હોય તો જેટલા ભાગીદાર હોય તે તમામનાં નામ લેવાં.” ગાયના ઉલ્લેખ બાદ તેમાં લખવામાં આવ્યું છે કે ગરદન કાપવા (ઝહબ) દરમિયાન જાનવરના ગળાની કમસેકમ 4 અને ઓછામાં ઓછી 3 નસ કાપવી. બાકીની કાપકૂપ કરવા કે ચામડું ઉતારવા માટે જાનવરના ઠંડા પડવા સુધીની રાહ જોવાનું કહેવામાં આવ્યું છે.

    - Advertisement -

    ફોટો વાયરલ થયા બાદ માંગી માફી

    બીજી તરફ ગાયની કુરબાનીવાળી સૂચના આપતું પેમ્ફલેટ વાયરલ થયા બાદ સ્થાનિક હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક હિંદુ કાર્યકર્તાઓએ આ મામલે આમોદ પોલીસનું પણ ધ્યાન દોર્યું હતું. વાયરલ થયા બાદ આમોદના દારૂલ ઉલૂમ બરકતે ખ્વાજાના અબ્દુર્રહિમ જીબાવા રાઠોડના નામે એક માફીનામું પણ વાયરલ કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, “અમે બહાર પડેલી એક ઈમેજમાં ભૂલથી ગાયની કુરબાની વિશે લખાયું છે. ગાય સિવાય અન્ય જાનવરોની કુરબાની આપવામાં આવશે. અમારા ભૂલથી લખાયેલા આ લખાણથી કોઈની લાગણી દુભાઈ હોય તો અમે માફી માંગીએ છીએ.”

    બીજી તરફ આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જ્યાંથી જણાવવામાં આવ્યું કે આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જ કોઇ માહિતી આપી શકાશે. તદુપરાંત, દારૂલ ઉલુમ બરકતે ખ્વાજાની મસ્જિદે રઝાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં