થોડા સમય પહેલાં ગુજરાત ATSએ (એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ) અમદાવાદ ખાતેથી ચાર બાંગ્લાદેશી આતંકવાદીઓ ઝડપી પાડયા હતા. આ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયા હતા અને બોગસ ડોક્યુમેન્ટના આધારે અમદાવાદમાં રહેતા હતા. જે બાદ આ ઘટનાની ગંભીરતા જોતાં ગૃહ મંત્રાલયે આ કેસ ATS પાસેથી લઈને NIAને સોંપ્યો હતો. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે NIAએ ચારેય આતંકીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIAએ) શુક્રવારે (10 નવેમ્બર 2023) અમદાવાદમાં રહીને આતંકી ગતિવિધિઓ કરતાં ચાર બાંગ્લાદેશી નાગરિક સહિત પાંચ ઈસમો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આતંકીઓ અમદાવાદમાં રહીને અલ-કાયદા માટે ભંડોળ એકઠું કરતાં, મુસ્લિમ યુવાનોના બ્રેનવોશ કરી અલ-કાયદામાં જોડતા હતા. આવા ગંભીર ગુનામાં સંડોવાયેલા ચાર આતંકીઓ સહિત 5 સામે NIAની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
વિશેષ ફરિયાદી અમિત નાયરના જણાવ્યા અનુસાર, સ્પેશ્યલ NIA જજ કેએમ સોજીત્રા સમક્ષ મોહમ્મદ સોજીબમિયાં, મુન્ના ખાલીદ અંસારી, જહાંગીર ઉર્ફે અઝરૂલ ઈસ્લામ, અબ્દુલ લતીફ અંસારી અને ફરીદ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ આતંકીઓ ચાર બાંગ્લાદેશી છે અને બે શખ્સો હજુ પણ ફરાર છે. આરોપીઓ પર UAPAની કલમ 38 અને 40, ફોરેનર્સ એક્ટની કલમ 14(A), 14(B) અને IPCની કલમ 120B, 465, 466 અને 471 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના પર મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવવા તથા અલ-કાયદાનો પ્રચાર કરવા તથા તેની વિચારધારાને ચરમ સુધી લઈ જવા માટે પ્રેરિત કરવાના ઈરાદા સાથે ભારતમાં ઘૂસણખોરી કરવાનો આરોપ છે.
ATSએ અમદાવાદથી ઝડપી પાડયા હતા
ઉલેખનીય છે કે રથયાત્રા પહેલાં ગુજરાતમાં કોઈ મોટા આતંકી ષડ્યંત્રની આશંકા હોવાના ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ 21 મે, 2023ના રોજ ગુજરાત ATSએ અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ચાર સંદિગ્ધ ઈસમોની ધરપકડ કરી હતી. તપાસમાં આ તમામ મૂળ બાંગ્લાદેશી હોવાનું અને બોગસ ઓળખપત્રો બનાવીને ભારતમાં રહેતા હોવાનું ખુલ્યું હતું. અમદાવાદ ATSના DIG દીપેન ભદ્રએ જણાવ્યું હતું કે, મોહમ્મદ સોજીબમિયાં, મુન્ના ખાલિદ અંસારી, અઝરૂલ ઈસ્લામ અને અબ્દુલ લતીફ નામના ચાર ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ATSની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ તમામ બોગસ આઇડીની મદદથી ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અમદાવાદમાં રહેતા હતા. જ્યાં તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા માટે મુસ્લિમ યુવાનોની ભરતી કરવી, તેમના બ્રેનવૉશ કરવાં તેમજ ભંડોળ એકઠું કરીને બાંગ્લાદેશ મોકલવું જેવી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા. તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેમને હથિયારની તાલીમ પણ અપાઈ હતી.