લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો દિવસો બાકી છે. રાજ્યમાં પણ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે નેતાઓના જૂના વિડીયો વાયરલ કરીને જે-તે નેતાઓની છબી ખરડાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. હવે જાણવા મળી રહ્યું છે કે, કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાનો 6 વર્ષ જૂનો વિડીયો તાજેતરનો હોવાનું જણાવીને વાયરલ કરવામાં આવ્યો છે. જેને લઈને પોરબંદર જિલ્લા ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક નાનકડી વિડીયોક્લિપ વાયરલ થઈ હતી, જેમાં મંચ પરથી ભાષણ આપતા નેતાને એક યુવાન જૂતું મારવાના પ્રયાસ કરતો જોવા મળે છે. આ વિડીયો વાસ્તવમાં 6 વર્ષ જૂનો છે, પરંતુ તેને તાજેતરનો હોવાનો દાવો કરીને શૅર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે મનસુખ માંડવિયા પર એક યુવાને જૂતું ફેંક્યું હતું. આ વિડીયો શૅર કરનારાઓમાં આમ આદમી પાર્ટીના સમર્થકો પણ સામેલ હતા.
મનસુખ માંડવિયાનો 6 વર્ષ જૂનો વિડીયો વાયરલ થતાં પોરબંદર જિલ્લા ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આવો વર્ષો જૂનો વિડીયો વાયરલ કરીને BJPની અને મનસુખ માંડવિયાની છબી ખરાબ કરવા તથા સામાજિક શાંતિ, સૌહાર્દ તથા ભાઇચારાને તોડીને વિરોધીને રાજકીય લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા ભાજપે જણાવ્યું કે, “ડૉ. મનસુખ માંડવિયા ખૂબ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતા છે. છેલ્લા 22 વર્ષથી જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે, જેમાં છેલ્લા 8 વર્ષથી તેઓ કેન્દ્રીય મંત્રી છે.” સાથે એવો આરોપ લગાવ્યો છે કે, આવા વિડીયો વાયરલ કરીને તેમની ઇમેજને નુકશાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
ચૂંટણી પંચ પાસે ન્યાયયિક કાર્યવાહીની માંગ
પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરીને જણાવાયું છે કે, “આવા વાયરલ થઈ રહેલા વિડીયોના કારણે ડૉ. મનસુખ માંડવિયાના સમર્થકો, શુભેચ્છકો, મિત્રો અને ચાહકવર્ગમાં ખૂબ જ ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે. જેને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.” સાથે જ પોરબંદર જિલ્લા ભાજપ આવી કોઈપણ પ્રકારની ગેરપ્રવૃત્તિ ચલાવી નહીં લે તેવી કડક શબ્દોમાં ચેતવણી પણ આપવામાં આવી છે.
પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર @mansukhmandviya નો જૂનો વીડિયો વાયરલ થવાનો મામલો
— Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) April 7, 2024
પોરબંદર જિલ્લા ભાજપે લેખિત ફરિયાદ તેમજ વીડિયો પોસ્ટ કરનારના સ્ક્રીન શોર્ટ સાથે ચૂંટણી અધિકારીને કરી ફરિયાદ
છેલ્લા કેટલાય દિવસથી માંડવીયાના જૂના વીડિયોને અત્યારનો વીડિયો તરીકે વાયરલ થઈ રહ્યો… pic.twitter.com/WzzPhyMzZy
જિલ્લા ભાજપે ચૂંટણી અધિકારી અને પોરબંદર કલેકટર પાસે તટસ્થ અને ન્યાયિક ચૂંટણી યોજવાની માંગ કરી છે અને કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે. વધુ માહિતી મુજબ, પોરબંદર જિલ્લા ભાજપની ફરિયાદના પગલે ઘણા ઈસમોએ પોસ્ટ કરેલો વિડીયો ડિલીટ પણ કરી દીધા છે.
IT એક્ટ હેઠળ ગુનો નોંધવાની માંગણી
પોરબંદર જિલ્લા ભાજપે અફવાથી સમાજને થનારા નુકશાનથી બચવા અપીલ કરી છે. આ સાથે જ આ મામલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, IT એક્ટ હેઠળ કોઈપણ પ્રકારની અફવા ફેલાવવી એ ગુનો બને છે. જે સોશિયલ મીડિયા એકાઉન્ટે આવા ખોટા અને જૂના વિડીયો વાયરલ કરી અફવા ફેલાવવાના પ્રયાસ કર્યા છે. તેવા એકાઉન્ટની યાદી પણ ભાજપે ચૂંટણી પંચને આપી છે.