વડોદરા નજીકના એક ગામમાં એક સાત વર્ષીય બાળકી સાથે રેપના મામલામાં કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવ્યો છે અને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે પીડિતાને વળતર પેટે ₹6 લાખ ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. 2 વર્ષ જૂના કેસમાં તાજેતરમાં ચુકાદો આપવામાં આવ્યો. ગુજરાત પોલીસે આ કેસમાં ત્વરિત તપાસ પૂર્ણ કરીને માત્ર 27 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી.
બનાવની વિગતો એવી છે કે, વડોદરા નજીકના એક ગામમાં રહેતી એક 7 વર્ષીય સગીરા 8 એપ્રિલ, 2022ના રોજ ઘર નજીક મહુડો વીણવા માટે ગઈ હતી. દરમ્યાન ત્યાં તેનો પિતરાઈ ભાઈ આવી પહોંચતાં તે તેને બીજે મહુડો વીણવા લઇ જવાનું પોતાની સાથે લઇ ગયો હતો. ત્યાં ગયા બાદ તેણે બાળકીનો હાથ પકડી લઈને ચોકલેટ આપવાની લાલચ આપી બળાત્કાર કર્યો હતો.
ડરી ગયેલી સગીરા ત્યારબાદ ઘરે પરત ફરી હતી, પરંતુ કોઈને કશું જણાવ્યું ન હતું. આખરે તેની માતાએ પ્રેમથી પૂછતાં સમગ્ર હકીકત જણાવી હતી. પીડિત પરિવારે પછીથી આ મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. પોલીસે રેપનો કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
જોકે, કેસની સુનાવણી દરમિયાન ભોગ બનનાર બાળકી અને તેના માતા-પિતા હોસ્ટાઈલ જાહેર થયા હતા. પરંતુ કોર્ટે નોંધ્યું હતું કે, ભોગ બનનાર CrPC 164 હેઠળના નિવેદનમાં આરોપી વિરુદ્ધની હકીકત જણાવે છે અને મેડિકલ પુરાવા અને FSLના પુરાવા પણ આરોપી વિરુદ્ધના છે. નોંધનીય છે કે કોઇ કેસની ટ્રાયલ દરમિયાન જે પક્ષે સાક્ષીને રજૂ કર્યો હોય તેના કેસ સ્ટેન્ડથી વિરુદ્ધ જુબાની આપનાર સાક્ષીને હોસ્ટાઈલ વિટનેસ કહેવાય છે.
સુનાવણીને અંતે આખરે કોર્ટે પુરાવાઓ અને રેકોર્ડ પર ઉપલબ્ધ તથ્યોને ધ્યાને લેતાં આરોપીને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી અને સાથે 10 હજારનો દંડ કર્યો હતો. કોર્ટે સાથે વિક્ટિમ કમ્પેન્સેશન ફંડમાંથી પીડિતાને વળતર પેટે ₹6 લાખ ચૂકવવા માટે પણ આદેશ કર્યો હતો.
#Justice
— Harsh Sanghavi (@sanghaviharsh) July 3, 2024
◼️A heartfelt thank you to the esteemed court for swiftly delivering justice within two years in the case of a 7-year-old girl from Vadodara, who was lured with chocolate and assaulted by her cousin.
The court sentenced the perpetrator to 20 years of rigorous… pic.twitter.com/YYg1SSPhVz
ઘટનાને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક X પોસ્ટ કરી હતી. તેમણે આ કેસમાં માત્ર 2 વર્ષમાં ટ્રાયલ પૂર્ણ કરીને આરોપીને સજા કરવા બદલ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, આ ચુકાદાથી સમાજમાં એક દાખલો બેઠો છે. આગળ તેમણે સંવેદનશીલતા દાખવીને ઝડપી કાર્યવાહી કરી માત્ર 27 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવા બદલ પોલીસનો પણ આભાર માન્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, આવા સમાજ પર કલંક સમાન કિસ્સાઓને રોકવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને આવી માનસિકતા ધરાવનારાઓને કોઇ પણ કાળે છોડવામાં આવશે નહીં.