ગુરૂવારે (17 ઓગસ્ટ, 2023) જામનગર મહાનગરપાલિકાના એક કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્ય રિવાબા જાડેજાએ એક નજીવી બાબતમાં સાંસદ અને મેયર સાથે ઉગ્ર વ્યવહાર કરી નાખ્યો હતો. જે મુદ્દો દોઢ દિવસથી ચર્ચામાં છે. બીજી તરફ આ મામલે સાંસદ પૂનમ માડમે નિવેદન આપ્યું છે.
ગુરૂવારે મોડી સાંજે પૂનમ માડમે પોતાના કાર્યાલયે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું કે, આ માત્ર ગેરસમજ બાદ ત્વરિત પ્રતિક્રિયા આપવાના કારણે થયું છે અને બીજી કોઈ વાત નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ પાર્ટીની અનુમતિ મેળવ્યા બાદ આ વિષયને લઈને પોતાની વાત રાખી રહ્યાં છે.
પૂનમ માડમે કહ્યું કે, ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને એક પારિવારિક વાતાવરણમાં પાર્ટીના સૌ કાર્યકર્તાઓ કામ કરતા હોય છે. બધા એકબીજાની તાકાત છે. સૌ કોઈને કોઈ ક્ષેત્રમાં પાર્ટીને મજબૂત કરતા હોય છે અને સેવાના માધ્યમથી પાર્ટીના ઉદ્દેશ્યને સાકાર કરવાના પ્રયાસો કરે છે.
#WATCH | BJP MP Poonamben Maadam speaks on her verbal spat with Jamnagar North MLA Rivaba Jadeja during an event in Jamnagar, says, "There was definitely some misunderstanding and its reaction was visible in the viral video. And as I said, the party is like a family, everyone in… https://t.co/3rdY36J1Lw pic.twitter.com/k7rrtoUN6Y
— ANI (@ANI) August 17, 2023
વીડિયોને લઈને તેમણે કહ્યું કે, “જે વિડીયોની ક્લિપ ફરી રહી છે તેનાથી વિશેષ આમાં કોઈ વાત નથી. પરિવારમાં જે રીતે ગેરસમજ થાય અને તેમાં થોડી વધુ પ્રતિક્રિયા આપી દેવાય તેવું જ થયું હતું. બીજું કશું નથી. શહીદોના કાર્યક્રમમાં અમે પુષ્પાંજલિ અર્પણ કરવા ગયાં, ત્યારબાદ તકતીનું અનાવરણ કર્યું અને પછી ગ્રુપ ફોટો માટે જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી.
તેમણે કહ્યું કે, આ દરમિયાન મારા પ્રયાસો એ હતા કે મારાં મોટા બહેન બીનાબેન કોઠારીનું (મેયર, જામનગર) પણ સન્માન જળવાય અને સાથોસાથ નાનાં બહેન રિવાબાને પણ હું શાંત કરી શકું. તેમણે ઉમેર્યું કે, તેમણે પાર્ટીની શિસ્તતાનો ભંગ નથી કર્યો અને માત્ર ગેરસમજના કારણે બન્યું હતું. આવનારા દિવસોમાં ફરી સૌ સાથે મળીને પાર્ટીને મજબૂત કરવામાં મંડી પડશે.
ઘટના ગુરૂવારે (17 ઓગસ્ટ, 2023) બની હતી. જામનગર મહાનગરપાલિકા આયોજિત એક કાર્યક્રમમાં જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન કોઠારી સહિતના નેતાઓ ઉપસ્થિત હતા ત્યારે કોઈ બાબતને લઈને રિવાબા જાડેજા ગુસ્સે થઇ ગયાં હતાં અને મેયર અને સાંસદ સાથે રકઝક કરી હતી. જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા.
પછીથી રિવાબાએ કહ્યું હતું કે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે તેમણે ચપ્પલ બહાર કાઢ્યાં હતાં, જેને લઈને સાંસદ પૂનમ માડમે કોઈ ટિપ્પણી કરી હતી, જેથી આત્મસન્માન માટે તેમણે બોલવું પડ્યું. જ્યારે સાંસદ પૂનમબેને આ બધું ગેરસમજ અને ત્વરિત પ્રતિક્રિયાના કારણે થયું હોવાનું ઉમેર્યું હતું.