અમદાવાદમાં મતદાન કરવા માટે ગયેલા આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી સામે ‘જય શ્રીરામ’ અને ‘મોદી…મોદી..’ના નારા લાગ્યા હતા. ઈસુદાન ગઢવી અને તેમનાં પત્ની અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર મતદાન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં હાજર અન્ય મતદારોએ આ નારા લગાવ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, કેટલાક યુવાનો ‘જય શ્રીરામ’ ‘ભારત માતા કી જય’ અને ‘મોદી…મોદી..’ના નારા લગાવી રહ્યા છે. કહેવાય છે કે ઈસુદાન ગઢવી મતદાન કરવા પહોંચ્યા ત્યારે આ નારાબાજી કરવામાં આવી હતી.
ઈસુદાન ગઢવી સામે લાગ્યા 'મોદી..મોદી'ના નારા; જાણો AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવારે શું આપી પ્રતિક્રિયા#Gujarat #GujaratElection #GujaratAssemblyElection2022 pic.twitter.com/ZgCPB8lS8M
— Zee 24 Kalak (@Zee24Kalak) December 5, 2022
ઈસુદાન ગઢવીએ ઉમેદવારી જામનગરની ખંભાળિયા બેઠક પરથી કરી છે, પરંતુ તેમનું મતદાન મથક અમદાવાદમાં છે. તેમણે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર મતદાન કર્યું હતું, જ્યાંથી ભાજપ તરફથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લડી રહ્યા છે અને આ બેઠક તેમનો ગઢ માનવામાં આવે છે.
મતદાન કરીને બહાર આવ્યા બાદ ઈસુદાન ગઢવીને તેમની સામે લાગેલા ‘જય શ્રીરામ’ અને ‘મોદી…મોદી’ના નારા વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેમણે કહ્યું કે, “એમાં ખોટું શું છે. લગાડવા જોઈએ. એવા નારા લગાડવાથી સારી શિક્ષણ વ્યવસ્થા થતી હોય તો હું પણ લગાડીશ.”
ઈસુદાન ગઢવીએ ફરી દાવો કર્યો કે, પહેલા તબક્કામાં તેમની પાર્ટી 89માંથી 51 બેઠકો જીતી રહી છે. તેમણે કહ્યું હતું કે, “પ્રથમ તબક્કામાં અમને ખૂબ આશા છે. કુલ 89 બેઠકોમાંથી 51 બેઠકો આમ આદમી પાર્ટી જીતી રહી છે તેવો અમારો ઇન્ટર્નલ સરવે કહે છે. લોકો ખૂબ ઉત્સાહથી મતદાન કરવા નીકળ્યા. ભાજપથી નારાજ લોકો નહતા નીકળ્યા એવું સાંભળવા મળ્યું છે. મતદાન જરૂર કરો, જેને ઠીક લાગે એને કરો.” જોકે, ઈસુદાનના દાવાથી વિપરીત સુરતમાં મતદાન બાદ આમ આદમી પાર્ટીની શું સ્થિતિ થઇ હતી એની વિસ્તુત જાણકારી ઑપઇન્ડિયા આપી ચૂક્યું છે.
બીજા તબક્કામાં 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન
બીજા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે સાબરકાંઠામાં (39.72 ટકા) અને સૌથી ઓછું મતદાન મહીસાગર જિલ્લામાં (29.58 ટકા) નોંધાયું છે. અમદાવાદમાં 1 વાગ્યા સુધીમાં 30.66 ટકા જેટલું મતદાન થયું છે. હજુ મતદાનના ચાર કલાક બાકી છે. નવ વાગ્યે આ આંકડો 4.75, જ્યારે 11 વાગ્યે મતદાનની ટકાવારી 19.17 ટકા જેટલી નોંધાઈ હતી.