Friday, October 11, 2024
More
    હોમપેજમંતવ્યસોશિયલ મીડિયા પૂરતી જ સરકાર બનાવશે AAP? હવા બનાવ્યા છતાં પાર્ટી મતદાનમાં...

    સોશિયલ મીડિયા પૂરતી જ સરકાર બનાવશે AAP? હવા બનાવ્યા છતાં પાર્ટી મતદાનમાં ખાસ ઉકાળી ન શકી, કાર્યકરો નિરાશ

    આમ આદમી પાર્ટીની જે મહત્વની બેઠકો હતી એ તમામ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હતી, જેની ઉપર ગઈકાલે મતદાન થઇ ચૂક્યું છે.

    - Advertisement -

    આ ચૂંટણીમાં તમામ બેઠકો પર પહેલીવાર લડતી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ (AAP) છેક સુધી માહોલ બનાવવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. મેઈનસ્ટ્રીમ મીડિયાથી માંડીને સોશિયલ મીડિયા સુધી આમ આદમી પાર્ટી ચર્ચામાં રહી છે. પરંતુ ગઈકાલના પ્રથમ તબક્કાના મતદાન બાદ આમ આદમી પાર્ટીની જીતની વાત તો દૂર પણ બીજો ક્રમ પણ મેળવી શકશે કે કેમ તે પ્રશ્ન સર્જાયો છે. 

    ગુજરાત બહાર અને ખાસ કરીને દિલ્હીની મીડિયા જગતમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફ હવે ચાલતી હોવાની ચર્ચા ચાલે છે. પણ સત્ય એ છે કે ગઈકાલે પ્રથમ તબક્કાનું મતદાન થયા બાદ એ દલીલ પર મહોર લાગી ગઈ છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે પાર્ટીને જમીની સ્તરે પ્રતિસાદ મળી રહ્યો નથી. આમ આદમી પાર્ટી જે બેઠકો પર થોડુંઘણું પણ અસ્તિત્વ ધરાવતી હતી ત્યાં પણ હવે તે બીજા નંબરે આવશે કે ત્રીજા, તેની ચર્ચા ચાલી રહી છે, જીતશે કે કેમ, તેની નહીં. 

    આમ આદમી પાર્ટીની જે મહત્વની બેઠકો હતી એ તમામ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હતી, જેની ઉપર ગઈકાલે મતદાન થઇ ચૂક્યું છે. જેમાંથી એકેય બેઠક પર આમ આદમી પાર્ટીના પક્ષમાં માહોલ બન્યો હોય તેવું જણાયું ન હતું. 

    - Advertisement -

    સુરતની વરાછા અને કતારગામ બંને બેઠકો પર ભાજપનો હાથ ઉપર 

    સુરત શહેરની વરાછા રોડ અને કતારગામ બેઠકો પર આમ આદમી પાર્ટીનું સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત હતું અને બેઠકો પર બે જાણીતા ચહેરાઓને ઉતારવામાં આવ્યા હતા. કતારગામ બેઠક પર તો ખુદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉતર્યા હતા, જ્યારે વરાછા બેઠક પર PAAS આંદોલનથી જાણીતા બનેલા અલ્પેશ કથીરિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. 

    આમ આદમી પાર્ટીએ અહીં શરૂઆતના તબક્કે થોડોઘણો માહોલ બનાવી દીધો હતો અને બાકીનું કામ મેઈનસ્ટ્રીમ મીડિયા અને સોશિયલ મીડિયાએ કરી આપ્યું હતું. પરંતુ સ્થાનિક રાજકારણમાં રસ ધરાવતા સૂત્રો જણાવે છે કે, છેલ્લા પાંચ દિવસમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને માહોલ ભાજપ તરફી બની ગયો હતો, જે મતદાનમાં પણ જોવા મળ્યું. 

    આ છેલ્લા પાંચ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શૉ અને વરાછાની રેલીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, પીએમ મોદીએ સુરતમાં કેટલીક બેઠકો પણ કરી હતી, જેની પણ રાજકીય માહોલ ઉપર મોટી અસર થઇ. 

    વરાછા બેઠક પર મતદાનને લઈને સૂત્રોએ જણાવ્યું કે, સવારના સમયમાં બે-ત્રણ કલાક માટે આમ આદમી પાર્ટીના પક્ષમાં થોડુંઘણું મતદાન જોવા મળ્યું હતું, પરંતુ પછીથી આખો દિવસ તેમના ટેબલો ખાલીખમ જોવા મળ્યાં હતાં. ઉપરાંત, સ્થાનિક કાર્યકર્તાઓમાં પણ મતદાનને લઈને નિરસતા જોવા મળી હતી. 

    કતારગામ બેઠકની વાત કરવામાં આવે તો અહીં પણ ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીના પક્ષમાં કોઈ માહોલ ન હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સૂત્રો જણાવે છે કે, ભાજપ કતારગામ બેઠક સુરત શહેરમાં સૌથી મોટી લીડથી પણ જીતે તો નવાઈ લાગશે નહીં. 

    આ સંજોગોમાં સુરતની જે બે બેઠકો પર આમ આદમી પાર્ટીને (AAP) થોડીઘણી આશાઓ હતી, ત્યાં પણ મતદાન પછી પૂર્ણવિરામ મૂકાઈ ગયું હોવાનું લાગી રહ્યું છે. 

    ઈસુદાન ગઢવી પોતાની બેઠક પણ બચાવી શકશે? 

    પાર્ટીના સીએમ ફેસ ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી લડ્યા હતા. જોકે, તેમણે ગઈકાલે એવું એલાન કરી દીધું હતું કે 89 બેઠકોમાંથી AAP 51 બેઠકો જીતે છે. પરંતુ સ્થાનિક સમીકરણો જોતાં ઈસુદાન ગઢવી પોતાની બેઠક બચાવી શકશે કે કેમ તે મોટો સવાલ છે. આ બેઠક વિશેનું વિસ્તૃત વિશ્લેષણ ઑપઇન્ડિયા આપી ચૂક્યું છે. 

    ટૂંકમાં, આમ આદમી પાર્ટીના પક્ષમાં જે કંઈ થોડીઘણી પણ હવા હતી તે આ મતદાન પછી સાવ ગાયબ થઇ ગઈ છે. જોકે, હજુ બીજા તબક્કાનું મતદાન બાકી છે, પણ જ્યાંથી પાર્ટીનો ઉદય થયો ત્યાં જ આવી હાલત હોય તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જ્યાં મતદાન બાકી છે ત્યાં કોઈ મોટો કમાલ કરી નાંખે એવું જણાઈ રહ્યું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં