ગુજરાત ચૂંટણી નજીકે આવતા જ અન્ય પાર્ટીઓની સાથે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ ગુજરાતમાં સક્રિયતા વધારી દીધી છે. તાજેતરમાં જ ઓવૈસી ગુજરાત આવ્યા હતા અને અમદાવાદ અને સુરત ખાતે સભા કરી હતી. સુરતના લિંબાયત ખાતે ઓવૈસીની સભા યોજાઈ હતી. જોકે, ઓવૈસીની સભાના બીજા દિવસે જ પાર્ટીમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે.
સુરતના AIMIM પાર્ટીના શહેર યુવા મોરચા ઉપ પ્રમુખ સૈયદ મઝરે આરોપ લગાવ્યો હતો કે ઓવૈસીના સ્વાગત માટે તેમની પાસેથી અઢી લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને જ્યારે ઓવૈસી આવ્યા તો તેમને મળવા પણ દેવામાં આવ્યા ન હતા.
સૈયદ મઝરે જણાવ્યું હતું કે, પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખને (અસદુદ્દીન ઓવૈસી) ઝાંપા બજાર લાવી અલગ-અલગ પોઇન્ટ ઉપર તેમનું સ્વાગત મારા હાથે કરાવવા માટે મને વચન આપવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખે મને પાંચ લાખ રૂપિયા પાર્ટી ફંડમાં આપવા માટે કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે પાંચ લાખ રૂપિયા આપી દે એટલે સ્વાગતનું ગોઠવી દઈશું.”
તેમણે આગળ જણાવ્યું કે, “મેં પાંચ લાખને બદલે સાડા ત્રણ લાખ રૂપિયા સુધીની તૈયારી બતાવી હતી. રાષ્ટ્રીય પ્રમુખ સુરતમાં સભા કરે તે પહેલાં મેં અઢી લાખ રૂપિયા આપી દીધા હતા અને બાકીના સ્વાગતનો મોકો મળે પછી આપવા માટે જણાવ્યું હતું.”
તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ઝાંપા બજારમાં અલગ-અલગ સ્પોટ પર મને સ્વાગતનો મોકો આપવામાં આવશે તેમ જણાવ્યા બાદ મને ઓવૈસીનું સ્વાગત કરવા દેવામાં આવ્યું ન હતું. તેમણે એમ પણ કહ્યું કે સભામાં લઇ જવા માટે તેમણે સ્વાગત પોઇન્ટ પર માણસો પણ ભેગા કરી રાખ્યા હતા. સ્વાગત કરવા દેવામાં ન આવતા તેમણે તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે પાર્ટી છોડવા અંગે કહ્યું હતું કે, તેઓ ઓવૈસીની વિચારધારામાં માનનારા વ્યક્તિ છે અને પાર્ટી છોડશે નહીં.
પ્રદેશ મંત્રીએ મઝરના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા
આ મામલે પાર્ટીના પ્રદેશ મંત્રી સૈયદ ખુર્શીદે આ મામલે નિવેદન આપતા મઝર સૈયદના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ઝાંપાબજારમાં ઓવૈસીના સ્વાગતની તક ન મળતા મઝર ખોટ આક્ષેપો લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ઓવૈસીના સ્વાગત માટે પૈસા લીધા હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. તેઓ પાર્ટી ફંડ લેતા જ નથી તેવો પણ તેમણે દાવો કર્યો હતો.
સુરત જિલ્લા-શહેરના સંગઠનોના હોદ્દેદારોની નિમણુંક રદ કરાઈ
બીજી તરફ, ઓવૈસીની સુરત મુલાકાત બાદ સુરત જિલ્લા અને શહેર સંગઠનના તમામ હોદ્દેદારોની નિમણુંક રદ કરી દેવામાં આવી હતી. આ નિર્ણય પાછળ પાર્ટીના કાર્યકરો વચ્ચેના આંતરિક વિવાદ જવાબદાર હોય તેમ માનવામાં આવી રહ્યું છે. મંગળવારે એક પરિપત્ર જારી કરીને AIMIMના જિલ્લા જનરલ સંગઠન સમિતિ, જિલ્લા મહિલા સંગઠન સમિતિ, શહેર યુવા પાંખ સંગઠન સમિતિ, જિલ્લા યુવા પાંખ સમિતિ અને શહેર મહિલા સંગઠન સમિતિના તમામ હોદ્દેદારોની નિમણુંક રદ કરી દેવાતા ચર્ચા શરૂ થઇ ગઈ હતી.
સુરતમાં મુસ્લિમોએ જ કર્યો હતો ઓવૈસીનો વિરોધ
સભા કરવા માટે સુરત આવેલા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ સમાજના જ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સુરતના મીઠીખાડી વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોએ રસ્તા પર ઉતરી આવી કાળા વાવટા ફરકાવી ઓવૈસીનો વિરોધ કર્યો હતો. કેટલાક લોકોએ તો તેમને ભાજપ અને RSS એજન્ટ ગણાવી તેમની બી ટીમ તરીકે કામ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા માટે મથી રહેલા અસદુદ્દીન ઓવૈસીએ એક તરફ તેમના કોર વોટર ગણાતા મુસ્લિમ સમાજનો જ વિરોધ વેઠવો પડી રહ્યો છે તો બીજી તરફ માંડ આકાર લઇ રહેલું સંગઠન પણ વિખેરાઈ રહ્યું છે અને ઓવૈસીની પાર્ટીમાં આંતરિક વિખવાદ પણ વધી રહ્યો છે.