Thursday, July 4, 2024
More
    હોમપેજગુજરાતજામનગરના રણજીતસાગર ડેમમાં ગેરકાયદેસર દરગાહ, 2022માં તંત્રે હટાવવાના આદેશ આપ્યા છતાં હજુ...

    જામનગરના રણજીતસાગર ડેમમાં ગેરકાયદેસર દરગાહ, 2022માં તંત્રે હટાવવાના આદેશ આપ્યા છતાં હજુ યથાવત; દૂર કરવાની માંગ- ઑપઇન્ડિયા એક્સક્લુઝિવ

    જામનગર જિલ્લાના હર્ષદપુર અને નવા મોખાણા ગામની વચ્ચે રણજીતસાગર ડેમની અંદર એક દરગાહ બનાવવામાં આવી છે. આ દરગાહને 'હજરત પંજુપીર દરગાહ શરીફ' નામ આપવામાં આવ્યું છે. નિયમાનુસાર જાહેર જળાશયો પર ખાનગી બાંધકામ ઉભું કરવું તે કાયદાકીય રીતે ગુનો બને છે.

    - Advertisement -

    જામનગર જિલ્લાના લોકોને ખેતી માટે જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં ગેરકાયદેસર રીતે ઇસ્લામિક બાંધકામ ઉભું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અચરજની વાત તે છે કે વર્ષ 2022માં પ્રશાસન દ્વારા આ દરગાહના ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે લેખિતમાં આદેશ અપાયા બાદ પણ હજુ સુધી આ બાંધકામ જેમનું તેમ ઉભું છે. મામલાને લઈને સ્થાનિક હિંદુ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આરોપ છે કે તંત્રની રહેમ નજર હેઠળ આ બાંધકામને નથી હટાવવામાં આવી રહ્યું. બીજી તરફ, તંત્રના ધ્યાન પર લાવવામાં આવતાં જણાવવામાં આવ્યું છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

    મળતી માહિતી અનુસાર, જામનગર જિલ્લાના હર્ષદપુર અને નવા મોખાણા ગામની વચ્ચે રણજીતસાગર ડેમની અંદર એક દરગાહ બનાવવામાં આવી છે. આ દરગાહને ‘હજરત પંજુપીર દરગાહ શરીફ’ નામ આપવામાં આવ્યું છે. નિયમાનુસાર જાહેર જળાશયો પર ખાનગી બાંધકામ ઉભું કરવું તે કાયદાકીય રીતે ગુનો બને છે. તેમ છતાં ડેમની સરકારી જમીન પર 10,000થી 15,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા પર દરગાહ ઉભી કરી દેવામાં આવી છે. આ મામલે જામનગરના હિંદુ કાર્યકર્તાઓએ વર્ષ 2022માં તંત્રને રજૂઆત કરીને દબાણ હટાવવા માંગ કરી હતી.

    સરકારી તપાસમાં સાબિત થયું હતું કે દબાણ થયું છે

    2022માં તંત્રે બાંધકામને ઠેરવ્યું હતું ગેરકાયદેસર, હટાવવાના આપ્યા હતા આદેશ

    દબાણની ફરિયાદ બાદ તંત્ર દ્વારા જગ્યાનો સરવે કરાવવામાં આવ્યો હતો. આ સરવેમાં સાબિત થયું હતું કે દરગાહ જ્યાં બનાવવામાં આવી છે તે સરકારી જગ્યા છે અને જે-તે બાંધકામ ગેરકાયદેસર છે. આ પછી સપ્ટેમ્બર, 2022માં સરકારી જમીન પર દબાણ કરનાર કાસમ હસન ઓડિયા વિરુદ્ધ હુકમ કરીને મામલતદાર દ્વારા લેખિતમાં દબાણ હટાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જો દબાણ કરનાર કાસમ જગ્યા ખુલ્લી ન કરે તો રેવન્યુ કોડમી કલમ 202ની નોટીસ બજવણી કરી દબાણદારના ખર્ચે અને જોખમે દબાણ ખુલ્લું કરવાનો હુકમ કરવામાં આવે છે. ઑપઇન્ડિયા પાસે આ લેખિત આદેશની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    ઑપઇન્ડિયાએ જ્યારે આ મામલાના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે લેખિત આદેશ બાદ પણ દરગાહ ત્યાં યથાવત છે. આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ સંઘર્ષ સમિતિના કાર્યકર્તા યુવરાજ સોલંકીનો સંપર્ક કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “ડેમના પાછળના ભાગમાં મોટી મોટી દરગાહ બનાવવામાં આવી છે. આમાં 31-31 ફૂટની ત્રણ દરગાહ છે અને બાજુમાં નવી બનાવેલી દરગાહ છે તે પણ એટલી જ લાંબી છે. વર્ષ 2022માં અમે કબજા હટાવો સંઘર્ષ સમિતિએ કલેક્ટરને અરજી આપી હતી.”

    દરગાહ બનાવવામાં સરકારી સરસામાન વાપર્યો: હિંદુ કાર્યકર્તા

    યુવરાજે કહ્યું કે, “જામનગર રણજીત સાગર ડેમમાં આ દરગાહ છેલ્લાં 30-35 વર્ષમાં બનાવવામાં આવી છે. ડેમની આ જગ્યામાં ચોમાસામાં પાણી આવી જાય છે એટલે આ બાંધકામો ડૂબી જાય છે. સાથે જ હવે જામનગરમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા સૌની યોજના દ્વારા ડેમને ભરવામાં આવે છે એટલે લગભગ 6 મહિના સુધી આ જગ્યા પાણીમાં રહે છે. બાકીના સમય બહાર રહે છે. મહત્વની વાત એ છે કે આસપાસના તમામ ગામો હિંદુઓની વસ્તીવાળાં છે. હાલ જે મુંજાવર છે, જેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી, તે બાજુના ગામમાં રહે છે. તે પોતે પણ સ્થાનિક રહેવાસી નથી. આ જગ્યા કોઈની રહેમ નજર હેઠળ બનેલી છે. તંત્ર પણ તેમાં સહયોગ કરી રહ્યું છે. જે શેડ બનાવવામાં આવ્યા છે તે ઓલ્ડ BSNLના થાંભલાથી ઉભો કર્યો છે.”

    આ દબાણથી ઉભી થઈ રહેલી સમસ્યા મામલે તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “આ દરગાહમાં અત્તરનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પાણી ન હોય તે સમયે અઢળક માત્રામાં અત્તર ચઢાવવામાં આવે છે. પાણી આવી ગયા બાદ તે અત્તર પાણીમાં ભળી જાય છે અને જે-જે લોકો તે પાણીનો ઉપયોગ કરે છે, તેઓ ચામડીના રોગોથી પીડાય છે. અત્તર એટલું તેજ આવે કે મોઢે કે હાથે અડી જાય તો બળતરા ઉપડે અને પીવા માટે આ જ પાણી છોડવામાં આવે છે. અમે કલેક્ટરને ચૂંટણી પહેલાં જ રજૂઆત કરી હતી. તેમણે અમને પૂછ્યું હતું કે તમને શું તકલીફ છે? ત્યારે અમે રજૂઆત કરી હતી કે આનાથી પાણી દૂષિત થઈ રહ્યું છે. વર્ષ 2022માં તે સાબિત પણ થઈ ગયું છે કે તે ગેરકાયદેસર દબાણ છે. તે છતાં કાર્યવાહી નથી કરવામાં આવી. મારી આ રજૂઆત બાદ કલેક્ટરે મને કહ્યું હતું કે તેઓ આ મામલે તપાસ કરશે.”

    પાણી ઓસરી ગયા બાદ પણ પાણીનું બહાનું કાઢવામાં આવી રહ્યું છે

    યુવરાજે આગળ જણાવ્યું કે, “અમને એમ કહેવામાં આવ્યું હતું કે ત્યાં પાણી ભરેલું છે, એટલે કાર્યવાહી થઇ શકે નહીં, પણ પાણી ઓસરી ગયા બાદ પણ કાર્યવાહી નથી થઈ. હાલ તે જગ્યા કોરી છે. આખા બુલડોઝર ત્યાં પહોંચી જાય તેવી સ્થિતિ છે, તે છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. સરકારી ચોપડે સાબિત થઈ ચૂક્યું છે કે આ ગેરકાયદેસર દબાણ છે તો પછી કાર્યવાહી શા માટે કરવામાં નથી આવી રહી?”

    આવી કોઈ બાબત ધ્યાન પર નથી: જિલ્લા કલેક્ટર જામનગર

    આ સમગ્ર મામલે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી લેવા ઑપઇન્ડિયાએ જામનગર જિલ્લા કલેકટરથી લઈને અન્ય કેટલાક અધિકારીઓ સાથે વાત કરી હતી. દરમિયાન જામનગર જિલ્લા કલેકટર બી. કે પંડ્યા સાથે વાત કરી હતી. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આવી કોઈ બાબત અમારા ધ્યાનમાં નથી, મારા ચાર્જ લીધે હજુ 2 મહિના થયા છે. તેમ છતાં હું રેકોર્ડ ચેક કરાવીશ અને તે દિશામાં કામ ક્યાં સુધી પહોંચ્યું તેની તપાસ કરીશું.”

    હજુ સુધી કોઈ આદેશ નથી મળ્યા: SP

    બીજી તરફ, આ મામલે ઑપઇન્ડિયાએ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનો પણ સંપર્ક કરીને કાર્યવાહી ક્યાં સુધી પહોંચી તે જાણવા પ્રયત્ન કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આ મામલે હજુ સુધી કોઈ આદેશ નથી મળ્યા, જે-તે સમયે આદેશ કરવામાં આવ્યા હતા પણ ત્યાં પાણી ભરેલું છે એટલે કાર્યવાહી નથી કરવામાં આવી. આ મામલે રેવન્યુ આધિકારી જ માહિતી આપી શકશે. તે છતાં હું તપાસ કરી જોઉં છું, જો કાર્યવાહીના આદેશ આવશે તો ચોક્કસથી તે દિશામાં પગલાં ભરવામાં આવશે.”

    દબાણ કરનારા ઈસમોને નોટીસ ફટકારી છે: મામલતદાર

    ઑપઇન્ડિયાએ જામનગર ગ્રામ્ય મામલતદારનો પણ સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે, “દબાણ હટાવવાનો ઓર્ડર થઈ ગયો છે, કાર્યવાહી શા માટે નથી થઈ તે હું તપાસ કરું છું. તાજેતરમાં જ મારી બદલી થઈ છે અને મેં અહીં ચાર્જ સંભાળ્યો છે. બાદમાં ચૂંટણી આવી ગઈ અને તમામ લોકો તે તેની કાર્યવાહીમાં લાગી ગયા. તેમ છતાં હું તપાસ કરું છું કે કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે. દબાણ કરનારા ઈસમોને નોટિસ ફટકારીને વધુ બાંધકામ ન કરવા નિર્દેશ આપવામાં આવે છે. મારા ચાર્જ લીધા બાદ તરત ચૂંટણી યોજાઈ, તે દિશામાં તપાસ કરીને આદેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે ઑપઇન્ડિયા પાસે દરગાહના તાજેતરના ફોટોગ્રાફ્સ ઉપલબ્ધ છે. શનિવારે સવારે (11 મે, 2024) પાડવામાં આવેલા ફોટામાં સ્પષ્ટ દેખાય છે કે સરકારી સરવેમાં જે ઇસ્લામિક બાંધકામ ગેરકાયદેસર સાબિત થયું હતું, તે હજુ યથાવત છે. લેખિત આદેશો બાદ પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. નીચેના ફોટા થોડા કલાકો પહેલાંના જ છે જેમાં દબાણ સ્પષ્ટ જોઈ શકાય છે.

    શનિવાર (11 મે, 2024)ના ફોટોગ્રાફ્સ

    ગેરકાયદેસર હોય તો હું શું કરું?: કાસમ હસન

    બીજી તરફ ઑપઇન્ડિયાએ જામનગર રણજીતસાગર ડેમમાં દબાણ કરનાર કાસમ હસન ઓડિયા સાથે પણ વાત કરી હતી. તેમણે તેમને ફટકારવામાં આવેલી નોટિસની પુષ્ટિ પણ કરી હતી. વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે હવે તેમાં શું થઇ શકે? હાલ અમારી કોઈ સ્થિતિ નથી. જો કોઈ આદેશ કરવામાં આવશે તો તેમાં પણ અમે કશું કરી શકીએ તેમ નથી. આ મામલે તેઓ આદેશને પડકાર્યો છે કે કેમ તે સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેમણે આદેશને નથી પડકાર્યો. સાથે જ વાતચીત દરમિયાન જયારે તેમને સવાલ કરવામાં આવ્યો કે આ દબાણ કેટલું જૂનું છે? દસ વર્ષ કે વીસ વર્ષ ? તેના જવાબમાં તેમણે જવાબ આપ્યો હતો કે આ જગ્યાને ત્રીસ વર્ષથી વધુ થયાં હોય તેવું મને સાંભરે છે.

    ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે એક વાત સ્પષ્ટ છે કે જામનગર રણજીતસાગર ડેમમાં સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવ્યું છે. વર્ષ 2022માં આ દબાણને દૂર કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. પરંતુ આદેશો બાદ પણ શા માટે કાર્યવાહી નથી કરવામાં આવી તે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. સૂત્રોએ અમને તેમ પણ જણાવ્યું હતું કે જો જામનગર જિલ્લા કલેકટર આ બાબતમાં ધ્યાન આપે તો ચોક્કસ કાર્યવાહી થઈ શકે તેમ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં