રામનવમી જેવા તહેવારો પર અગાઉ પણ જ્યાં પથ્થરમારાની ઘટનાઓ બની ચૂકી છે એવા ‘સંસ્કારી નગરી’ તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી આવું બન્યું હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. આરોપ છે કે ગત શુક્રવારે (23 ઑગસ્ટ) ગણેશજીની આગમન યાત્રા આયોજિત કરવામાં આવી હતી તે દરમિયાન તેની ઉપર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. અમુક વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જોકે, વડોદરા પોલીસે આ દાવા નકારી દીધા છે અને કહ્યું છે કે ડીજેની ગેરસમજના કારણે થોડા સમય સુધી નાસભાગ મચી હતી અને એક-બે પથ્થર ફેંકાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના શુક્રવાર (23 ઑગસ્ટ, 2024) રાત્રિ દરમિયાનની છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર રોડ પર ગણેશ મંડળના ભક્તો ભગવાન ગણેશજીની વિશાળ મૂર્તિ લઈને પસાર થઇ રહ્યા હતા. દાવો છે કે મધુનગર ચોકડી પાસે પહોંચતાં જ શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પછીથી થોડી જ વારમાં ત્યાં ભાગદોડ મચી ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે ટોળાએ સામસામે પથ્થરમારો કરતાં સ્થિતિ વધુ વણસી હતી અને થોડી ક્ષણો માટે ચારે બાજુ ઊહાપોહ મચી ગયો હતો. વડોદરાના ગોરવામાં પથ્થરમારો થયો હોવાના દાવા સાથે કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
ઑપઇન્ડિયા પાસે ઘટનાના અમુક વિડીયો ઉપલબ્ધ છે. જે પૈકી એક વિડીયોમાં એક તરફથી શોભાયાત્રા પર પથ્થરો આવતા જોઈ શકાય છે. અન્ય એક વિડીયોમાં એક વ્યક્તિ પથ્થર મારી રહ્યો હોવાનું પણ નજરે પડ્યું હતું. એક વિડીયોમાં કેટલાક લોકો પથ્થરથી બચવા માથે હાથ રાખીને ભાગી રહ્યા હોવાનું પણ નજરે પડ્યું હતું. જોકે, વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ કરી શકાઈ નથી.
મારી નજર સામે પથ્થરમારો થયો, કેટલાક લોકોને વાગ્યું પણ છે- પ્રત્યક્ષદર્શી
ઑપઇન્ડિયાનો સંપર્ક ગિરીશભાઈ નામના એક સ્થાનિક વ્યક્તિ સાથે થયો. તેઓ સામાજિક કાર્યકર્તા છે અને તેઓ ઘટના સમયે પોતે શોભાયાત્રામાં હાજર હતા તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “અમારા વિસ્તારમાં ઘણાં વર્ષોથી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. આવતા ગણેશોત્સવને લઈને અમે ગણપતિજીની મૂર્તિ લેવા માટે ગયા હતા. ભગવાન પધારવાની ખુશીમાં ભક્તો ઉલ્લાસ માનવતા, ડીજેના તાલે ઝૂમતા શોભાયાત્રા લઈને જઈ રહ્યા હતા. અમારી સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ હાજર હતો.”
તેઓ આગળ જણાવે છે કે, “અમે જેવા મધુનગર ચોકડી પહોંચ્યા કે રસ્તા પરના તાર મૂર્તિને નડવા માંડ્યા હતા. જેથી બધા જ ત્યાં અટકી ગયા અને વાયરો સરખા કરીને પ્રભુની મૂર્તિ ખસેડી રહ્યા હતા. તે સમયે જ અચાનક સામેની તરફથી કેટલાક પથ્થર આવ્યા. શરૂમાં કોઈને કશું ન સમજાયું, પરંતુ આ પથ્થર મૂર્તિ નજીક ઉભેલા કેટલાક લોકોને વાગતાં ખ્યાલ આવ્યો કે પથ્થર આવ્યા છે. તેવામાં પોલીસ પણ હરકતમાં આવી અને તાત્કાલિક અમને બધાને ત્યાંથી હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.”
પોલીસ પથ્થરમારાને નકારી રહી છે, તે સવાલ પર તેમણે જણાવ્યું કે, “જો પોલીસ એમ કહી રહી હોય કે આવું કશું નથી થયું. તો પછી એકદમ જ અફરાતફરી કેમ થઈ? જે વિડીયો સામે આવ્યા છે, તેમાં પણ સ્પષ્ટ દેખાય છે કે સામેની તરફથી પથ્થરો આવી રહ્યા છે. જો પથ્થરમારો ન થયો હોય તો અમારી સાથે રહેલા બે-ત્રણ જણાને શું વાગ્યું? મારી નજર સામે જ મેં પથ્થર પડતા જોયા. શું વિડીયો ખોટા છે? પથ્થરમારો થયો જ છે. આ બધા પછી જ પોલીસે અમને ત્યાંથી ભગાડી દીધા અને અડધા કિલોમીટર સુધી અમને ડીજે પણ ન વગાડવા દીધું.” તેમણે આ પૂર્વનિયોજિત રીતે થયું હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
એક-બે પથ્થર આમતેમ થયા, સામાન્ય ઉગ્રતા હતી: PI ગોરવા પોલીસ સ્ટેશન
આ મામલે વધુ વિગતો મેળવવા ઑપઇન્ડિયાએ ગોરવા પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. PI લાઠિયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “કોઈએ DJ બંધ કરાવ્યું હોવાની માત્ર મિસઅન્ડરસ્ટેન્ડિંગ (ગેરસમજ) થઈ હતી. વાસ્તવમાં ત્યાં વાયરો હતા અને ડીજે અડી જતું હતું એટલે તેને બંધ કરાવીને આગળ મોકલી દેવામાં આવ્યું હતું. એટલે તેમને લાગ્યું કે કોઈએ ડીજે બંધ કરાવ્યું, જેથી સામાન્ય ઉગ્ર માહોલ બન્યો હતો. પણ તેમને સમજાવીને આગળ મોકલી આપવામાં આવ્યા હતા.”
પથ્થરમારો દર્શાવતા વિડીયોને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વિડીયો છે તેમાં એક જ પથ્થર દેખાય છે. તેમનું કહેવું છે કે, આ પથ્થર પહેલાં એક તરફથી મારવામાં આવ્યો હતો, પણ પછી તે જ પથ્થર ફરી ફેંકવામાં આવ્યો હતો. તેમણે આગળ કહ્યું, “એક-બે પથ્થર આમતેમ થયા હતા, બાકી વધારે બીજું કશું જ બન્યું ન હતું.” તેમણે આગળ માહિતી આપતાં કહ્યું કે, ઘટનાને લઈને હજુ સુધી કોઈની અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી અને હાલ પરિસ્થિતિ શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે.
DCPએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું- પથ્થરમારાની અફવા ફેલાયા બાદ એકાદ પથ્થર ફેંકાયો
આ મામલે વડોદરા શહેર DCP જુલી કોઠિયાએ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પથ્થરમારો થયો હોવાની વાત નકારી દીધી હતી. તેમણે કહ્યું કે, શોભાયાત્રા મધુનગર ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે વાયરો લટકતા હોવાના કારણે અને ડીજેની ઊંચાઈ વધુ હોવાના કારણે તેને આગળ મોકલી આપવામાં આવ્યું હતું, જેના કારણે મૂર્તિ અને ડીજે વચ્ચેનું અંતર વધી ગયું હતું. DJ આગળ હોવાના કારણે થોડી વાર માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે ગણપતિની પાછળ રહેલા વ્યક્તિઓને થયું કે કશુંક થયું છે, જેથી તેમણે દેકારો કર્યો અને થોડા સમય સુધી અફરાતફરી મચી ગઈ.” તેમની આ ક્લિપ પોસ્ટ કરીને વડોદરા પોલીસના X અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું- ‘વડોદરા શહેરમાં કરોળિયા-ગોરવા રોડના ગણેશજીની આગમન યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. પથ્થરમારો થયેલ હોવાની અફવા ખોટી છે.’
વડોદરા શહેરમાં કરોળિયા-ગોરવા રોડના ગણેશજીની આગમન યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. પથ્થરમારો થયેલ હોવાની અફવા ખોટી છે. @dgpgujarat @gujaratpolice @sanghaviharsh @VikasSahayIPS @CMOGuj pic.twitter.com/tQ2GeycqR1
— Vadodara City Police (@Vadcitypolice) August 24, 2024
આગળ તેમણે કહ્યું કે, “દરમ્યાન એવી અફવા ફેલાઇ કે પથ્થરમારો થયો છે. જેથી ટોળામાં પણ કોઈએ પથ્થર ફેંક્યો અને એકાદ પથ્થર ટોળામાંથી પણ ફેંકાયો હતો. પરંતુ ત્યાં પોલીસ અધિકારીઓ હાજર હતા એટલે તુરંત પરિસ્થિતિ નિયંત્રણમાં લઇ લીધી હતી. ત્યારબાદ યાત્રા આગળ વધી હતી અને મૂર્તિને કોઇ નુકસાન થયું નથી. કશુંક નુકસાન થયું હોવાની ફરિયાદ પણ હજુ સુધી કોઈ આવી નથી.” તેમણે આગળ કહ્યું કે, ટોળામાં ઉશ્કેરણી કરનાર એકાદ-બે વ્યક્તિઓને પોલીસ મથકે લાવતાં જાણવા મળ્યું હતું કે તેઓ પીધેલી હાલતમાં હતા, તેમની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઘટનાથી સ્થાનિક હિંદુઓમાં રોષ, પોલીસ કમિશનરને પાઠવશે આવેદન પત્ર
બીજી તરફ, ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જાણવા મળ્યું અનુસાર, હિંદુ સમુદાય દ્વારા પ્રશાસનને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્થાનિક હિંદુ અગ્રણી રમેશભાઈએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “હિંદુ આસ્થા પર હુમલો થવાની આ પ્રથમ ઘટના નથી. એકદમ શાંતિથી અમારા શ્રીજીની શોભાયાત્રા પસાર થઇ રહી હતી. મોટી સંખ્યામાં પોલીસ કાફલો હતો અને તેમ છતાં પોલીસની હાજરીમાં પથ્થરમારો થાય તેને શું સમજવું? પોલીસ પોતે આ વિસ્તારને સંવેદનશીલ માને છે. તો શું હિંદુઓએ પોતાની આસ્થાનું ગળું ઘોંટવાનું?”
આવેદન પત્રમાં શું માંગ રહેશે તે સવાલ પર તેમણે જણાવ્યું કે, “અમે સાંજે 4:30 વાગ્યે પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવા જઈ રહ્યા છીએ. અમારી એટલી જ માંગ છે કે વડોદરામાં આવી ઘટનાઓ ઘટતી રહે છે, તો પોલીસ નિષ્ક્રિય કેમ છે? અમારી માંગ રહેશે કે જે-જે વિસ્તારો સંવેદનશીલ છે, હિંદુ તહેવારો દરમિયાન ત્યાં કૉમ્બિંગ કરવામાં આવે. આ મામલે અગાઉ ઝડપાયેલા અને શંકાસ્પદ લોકોને ચેતવવામાં આવે. શહેરમાં તમામ ધર્મના લોકો રહે છે, ધાર્મિક યાત્રાઓ સાથે-સાથે મઝહબી જુલૂસ પણ નીકળે છે. પણ શું ક્યારેય એવું બન્યું છે કે કોઈ હિંદુ ધાર્મિક સ્થળ પરથી તે જુલૂસ પર પથ્થરમારો થયો હોય? પણ એવી અનેક ઘટના બની છે કે જેમાં એક મઝહબી ઢાંચા પરથી હિંદુઓની પવિત્ર યાત્રાઓને ટાર્ગેટ કરવામાં આવી હોય. હિંદુઓની એક જ માંગ છે કે આવી ઘટનાઓ પર અંકુશ લાગવો જોઈએ.”
જે વિસ્તારમાંથી પથ્થરો આવ્યા તેના વિશે માહિતી આપતાં રમેશભાઈએ જણાવ્યું હતું કે, હાલ જેને અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે, તેવા વડોદરાના મધુનગરમાં એક સમયે બધી કોમ સરખી માત્રામાં રહેતી. જ્યારથી બ્રિજ બન્યો છે ત્યારથી અહીં મુસ્લિમોની વસ્તી વધી ગઈ છે અને હિંદુઓ સતત ઓછા થઈ રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે તે વિસ્તારમાં ચિંતાજનક બાબત તે છે કે ત્યાં ગુજરાતી મુસ્લિમો ખૂબ ઓછા છે, જે વધુ માત્રામાં વસે છે તે તમામ બહારના મુસ્લિમો છે. તેમણે સરકાર અને પોલીસને આ મામલે કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી.