Saturday, June 22, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરવલસાડનું અતુલ ગામ બન્યું ગુજરાતનું પ્રથમ ગ્રીન પ્લેટીનમ વિલેજ: જાણો શું છે...

    વલસાડનું અતુલ ગામ બન્યું ગુજરાતનું પ્રથમ ગ્રીન પ્લેટીનમ વિલેજ: જાણો શું છે આ એવોર્ડ માટેની લાયકાત અને શું છે તેનું મહત્વ

    આ એવોર્ડ સ્વચ્છતા, આરોગ્ય, ગામનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જલ સંરક્ષણ, ઊર્જા ઉપલબ્ધતા અને કાર્ય ક્ષમતા, સાધન-સામગ્રી અને સંશોધનો તેમજ સામુદાયિક અને સ્માર્ટ ગામના લક્ષણો જેવી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને તેના ચોક્કસ પોઈન્ટ આપવામાં આવે છે.

    - Advertisement -

    તાજેતરમાં જ વલસાડના અતુલ ગામને ગ્રીન પ્લેટીનમ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં 6 પૈકી અતુલ ગુજરાતનું પ્રથમ ગામ છે જેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 2024ના નોમિનેશનમાં ઇન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ એટલે કે IGBC દ્વારા ગુજરાતના અતુલને ગ્રીન પ્લેટીનમ વિલેજ જાહેર કરીને એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડને લઈને અતુલના ગ્રામજનોમાં હરખ જોવા મળી રહ્યો છે.

    મળતી માહિતી અનુસાર અમદાવાદ ખાતે તેનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એન. થેન્નારસના હાથે અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમ નાયકા તેમજ ઉપ-સરપંચ દર્શલ દેસાઈને એવોર્ડ આપવામાં આવ્યો. બીજી તરફ એવોર્ડ મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા સરપંચ વિક્રમ નાયકાએ જણાવ્યું હતું કે “જે એવોર્ડ મળ્યો છે, તેમાં અલગ અલગ પરિમાણોના આધારે આંકલન કરવામાં આવે છે. IGBCની એક ટીમ અતુલ ખાતે આવી હતી અને આ પરિમાણોની તપાસ કરી હતી.”

    નોંધનીય છે કે આ એવોર્ડ સ્વચ્છતા, આરોગ્ય, ગામનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જલ સંરક્ષણ, ઊર્જા ઉપલબ્ધતા અને કાર્ય ક્ષમતા, સાધન-સામગ્રી અને સંશોધનો તેમજ સામુદાયિક અને સ્માર્ટ ગામના લક્ષણો જેવી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને તેના ચોક્કસ પોઈન્ટ આપવામાં આવે છે. આ પ્રમાણેના કૂલ 100 પોઈન્ટ હોય છે, જે પૈકી અતુલ કૂલ 82 પોઈન્ટ મેળવીને ગુજરાતનું પ્રથમ ગ્રીન પ્લેટીનમ વિલેજ બન્યું છે અને ભારતમાં છઠો ક્રમાંક મેળવ્યો હતો.

    - Advertisement -

    વલસાડના અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ઘરે-ઘરે સોલાર લાઈટ, ગામમાં પાકા રસ્તાઓ, પોલીસ સ્ટેશન, આંગણવાડીની સરાહનીય કામગીરી કરાઇ છે. એટલું જ નહીં સ્વછતા અંતર્ગત ડોર ટુ ડોર કચરો લેવા તેમજ ધનકચરાના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા કરાઇ છે.આ ઉપરાંત સ્મશાન ભૂમિમાં લાકડાના બદલે ગેસની સગડી વાપરવામાં આવે છે જેથી પ્રદૂષણ ઓછું થાય છે. વધુમાં વધુ વૃક્ષો વાવવા, ઘરે-ઘરે ગેસ કનેકશન, સ્ટ્રીટ લાઈટ, સોલાર પ્રોજેક્ટ જેવા ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે.

    શું હોય છે ગ્રીન પ્લેટીનમ વિલેજ કેટેગરી અને કોણ એનાયત કરે છે આ એવોર્ડ

    નોંધનીય છે કે આ ગ્રીન પ્લેટીનમ એવોર્ડ ઇન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ એટલે કે IGBC દ્વારા આપવામાં આવે છે. IGBC વિશે વાત કરીએ તો તે Confederation of Indian Industry (CII)નો એક ભાગ છે. IGBCની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી. આ કાઉન્સિલ તમામ માટે સસ્ટેનેબલ નિર્મિત પર્યાવરણને સક્ષમ બનાવવા અને વર્ષ 2025 સુધીમાં ભારતને સસ્ટેનેબલ નિર્મિત પર્યાવરણમાં વૈશ્વિક નેતાઓમાં સ્થાન આપવવાના વિઝન સાથે કામ કરે છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે જે કેટલીક બાબતોમાં સરકારના સહયોગથી કાર્ય કરે છે.

    કાઉન્સિલ અલગ-અલગ પ્રકારના સેવાકીય ક્ષેત્રો સાથે સંકળાયેલું છે, જેમાં નવા ગ્રીન બિલ્ડિંગ રેટિંગ પ્રોગ્રામ્સ, સર્ટિફિકેશન સેવાઓ અને ગ્રીન બિલ્ડિંગ તાલીમ કાર્યક્રમો વિકસાવવા જેવી કામગીરીનો સમાવેશ માવેશ થાય છે. કાઉન્સિલ ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસનું પણ આયોજન કરે છે, જે ગ્રીન બિલ્ડિંગ્સ પર તેની વાર્ષિક મોટામાં મોટી ઇવેન્ટ છે.

    કાઉન્સિલ સમિતિ આધારિત, સભ્ય-સંચાલિત અને સર્વસંમતિ કેન્દ્રિત છે. બાંધકામ ઉદ્યોગનાં તમામ હિતધારકો, જેમાં આર્કિટેક્ટ્સ, ડેવલપર્સ, પ્રોડક્ટ ઉત્પાદકો, કોર્પોરેટ, સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને નોડલ એજન્સીઓ સામેલ છે, તેઓ સ્થાનિક પ્રકરણો મારફતે કાઉન્સિલની પ્રવૃત્તિઓમાં સહભાગી થાય છે. આ પરિષદ દેશમાં ગ્રીન બિલ્ડિંગની વિભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે કેટલીક રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર, વિશ્વ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, દ્વિપક્ષીય બહુપક્ષીય સંસ્થાઓ સાથે પણ નજીકથી કામ કરે છે.

    ભારત સહિત 5 દેશોમાં કાર્યરત છે IGBC, ભારત સરકાર સાથે મળીને કરે છે કામ

    IGBC એ ભારતની પ્રીમિયર સર્ટિફિકેશન બોડી છે, જેનું વડું મથક હૈદરાબાદ ખાતે આવેલું છે. IGBC માત્ર ભારતમાં જ નહીં, પરંતુ 5 દેશોમાં પણ સામેલ છે જે વર્લ્ડ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલના બોર્ડમાં સીઓપી અને સમાન વૈશ્વિક પ્લેટફોર્મ પર વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરે છે.

    હૈદરાબાદ ખાતે આવેલું IGBCનું બિલ્ડીંગ સોલારથી કવર કરવામાં આવ્યું છે (સાભાર IGBC)

    IGBC દ્વારા આખા ભારતમાં અત્યાર સુધી 10,930થી વધુ પ્રોજેક્ટ્સ કરવામાં આવ્યા છે, જેમાં 10.26 અબજ ચોરસ ફૂટના ગ્રીન ફૂટપ્રિન્ટ ઉભી કરવામાં આવી છે, જેણે ભારતને વિશ્વમાં સૌથી મોટા ગ્રીન બિલ્ડિંગ ફૂટપ્રિન્ટ સાથેનો બીજો દેશ બનાવ્યો છે. IGBC ભારત સરકાર સાથે મળીને દેશભરમાં 1000થી વધારે પ્રોજેક્ટ માટે ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. અત્યારે દેશમાં 90 ટકાથી વધારે ગ્રીન બિલ્ડિંગોની સુવિધા IGBC દ્વારા કરવામાં આવી રહી છે અને 3,480થી વધારે પ્રોજેક્ટસ કાર્યરત છે. IGBC રેટેડ ગ્રીન પ્રોજેક્ટ્સને ભારતના 12 રાજ્યોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

    શું છે IGBC ગ્રીન વિલેજ?

    વધતા જતા શહેરીકરણ સાથે-સાથે દેશના ગામડાઓને પણ વિકસિત કરવા જરૂરી છે. આજે પણ છેવાડાના ગામડાઓમાં શૌચાલય, શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છતા, વીજળી, આરોગ્ય કેન્દ્રો, તેમજ શિક્ષણને લગતી પાયાની જરૂરિયાતોનો અભાવ છે. સરકાર પોતાના રીતે આ પડકારોને પહોંચી વળવા પૂરતા પ્રમાણમાં પ્રયત્નો કરી રહી છે, સાથે જ કાઉન્સિલ જેવી સંસ્થાઓ પણ આગળ આવીને કામ કરી રહી છે.

    IGBC ગ્રીન વિલેજ વિઝન અંતર્ગત જે ગામડાઓ હરિયાળા અને રળિયામણા તેમજ પ્રાથમિક સાથે-સાથે આધુનીક સુખ સુવિધાઓથી સુસજ્જ બની રહ્યા છે તેને પ્રોત્સાહિત કરવાનું કામ કરવામાં આવે છે. IGBC ગ્રીન વિલેજ રેટિંગનું માળખું તે રીતે ઉભું કરવામાં આવ્યું છે, જેનાથી તમામ પાસાઓ આવરી લેવાય અને પાયાની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય. ગામડાઓમાં ગ્રીન કોન્સેપ્ટ અને ટેકનીકની મદદથી જળ સંરક્ષણ, ઊર્જા ઉપલબ્ધતા, જીવાશ્મ ઇંધણના વપરાશમાં ઘટાડો, ગાર્બેજ મેનેજમેન્ટ થકી સ્વચ્છતા જેવી બાબતો આવરી લેવામાં આવી છે.

    નોમીનેશન વખતે ધ્યાનમાં લેવાતી બાબતો (સાભાર IGBC)

    IGBC ગ્રીન વિલેજ એટલે સ્વચ્છ ગામ, તેમાં સ્વચ્છ અને પ્રયાપ્ત પીવાનું સ્વચ્છ પાણી (જળ સંરક્ષણના પ્રયાસો થકી), ઉત્તમ સ્વાસ્થ્ય સેવા, સ્વચ્છતા, શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો પૂર્ણ થયેલી હોય. આ પ્રકારના ગામડા દેશમાં ઉત્તમ ઉદાહરણ બનીને ઉભરે તે માટે IGBC ગ્રીન વિલેજ એવોર્ડ જેવા સન્માનથી તેમને સન્માનિત કરવામાં આવે છે. તેના માટે ઇન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા કેટલાક ક્રાયટેરીયા નક્કી કરવામાં આવ્યો છે.

    ઇન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા IGBC ગ્રીન વિલેજ માટેનો માપદંડ

    ઇન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા IGBC ગ્રીન વિલેજ માટેનો માપદંડમાં નોમીનેટ થયેલા ગામમાં સ્વચ્છતા અને તેના થકી વ્યવસ્થિત જીવનશૈલી તે પાયાનો માપદંડ છે. ત્યાર બાદ ગામમાં સ્વચ્છ પીવાના પાણીની સુવિધાઓ તેમજ પાણીના સંરક્ષણ અને સંગ્રહ અને બચાવ માટે લેવામાં આવેલા પગલા, શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેનું પ્રાથમિક માળખું, અલગ અલગ પ્રકારના કચરા તેમજ ગંદકીને પહોંચી વળવા માટેના પ્રબંધન, સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ, સ્થાનિક આર્થિક વિકાસ તેમજ ડિજીટલ ગ્રામ જેવા માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    સાભાર IGBC

    ભારતના જે પણ ગામો ઉપરોક્ત માપદંડો મુજબ કાર્યરત હોય છે, તેઓ ગ્રીન વિલેજ એવોર્ડ માટે નામાંકન ભરે છે. નામાંકન બાદ ઇન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા IGBCની એક ટીમ મોકલીને ઉપરોક્ત માપદંડો ચકાસવામાં આવે છે. તે માટે સંસ્થાએ પોઈન્ટ નક્કી કરી રાખ્યા છે. આ પોઈન્ટ્સની વાત કરીએ તો 40 – 49 પોઈન્ટ મેળવનાર ગામને સર્ટિફાઈડ કેટેગરીમાં મુકવામાં આવે છે, ત્યાર બાદ 50 – 59 પોઈન્ટ મેળવનારને સિલ્વર, 60 – 79ને ગોલ્ડ અને 80 – 100 પોઈન્ટ મેળવનાર ગામને પ્લેટિનમ કેટેગરીમાં રાખીને સન્માનિત કરવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે વલસાડના અતુલ ગામે ઇન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા IGBC ગ્રીન વિલેજ માટે નક્કી કરાયેલા પોઈન્ટ્સમાં કૂલ 82 પોઈન્ટ્સ મેળવીને પ્લેટીનમ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. પ્લેટીનમ કેટેગરીમાં સ્થાન મેળવનાર અતુલ ભારતનું છઠ્ઠું અને ગુજરાતનું પ્રથમ ગામ બન્યું છે. આવનારા સમયમાં અતુલ ગુજરાતના અન્ય ગામડાઓ માટે પ્રેરણા સ્ત્રોત તરીકે કામ કરેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં