નવરાત્રિમાં યુવતીઓની છેડતી સહિતની ઘટનાઓ બનતી હોય છે. આવા ગુનેગારોને પકડવા અને શોધવા માટે અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં પોલીસે AI કેમેરા લગાવ્યા છે. ગુજરાતમાં એવા 30,000 ગુનેગારો છે, જેમની કર્મ કુંડળી ડિજિટલ સ્વરૂપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફોર્મેટમાં કેમેરામાં ફિટ થઈ છે. જેને આ AI કેમેરા ટ્રેક કરી લેશે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર સુરત પોલીસ મુખ્યાલય ખાતેના કંટ્રોલરૂમ છે, જ્યાં મોટા-મોટા સ્ક્રીનો લગાડવામાં આવ્યા છે. જ્યાંથી બેસીને પોલીસકર્મીઓ શહેરના 17 જેટલા મોટા નવરાત્રિ આયોજનો પર લાઈવ મોનિટરિંગ કરશે. આ સિવાય આયોજકો માર્યાદિત સંખ્યાથી વધારે લોકો ભેગા ના કરે તેના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આયોજનો પર નજર રાખશે અને જો સંખ્યા વધુ હશે તો તેમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત શહેરોમાં SHE ટીમ નાગરિક વેશમાં ચણીયા ચોળી પહેરીને ગરબા ઘૂમશે અને દરેક સ્થાનો પર ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ સાથે વોચ રાખશે. મહિલાઓને ઘર સુધી મૂકવા જશે. મહિલાઓ માટે સુરત પોલીસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. જો કોઈ મહિલાને સમસ્યા થાય અને હેલ્પલાઈન નંબર પર કોલ કરે તો તાત્કાલિક પોલીસ તેની મદદ માટે પહોંચી જશે.
આ સિવાય વડોદરામાં પણ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે ગરબા આયોજકો સાથે બેઠકો યોજીને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી, ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિક સેફ્ટી અને પાર્કિંગ એરિયા અંગે સૂચના આપી છે. ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે વ્યુહાત્મક રીતે તૈનાત કરવામાં આવશે અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિકના 400થી વધુ પોલીસ અધિકારીઓ અને 600થી વધુ ટ્રાફિક બ્રિગેડના વોલિન્ટિયર્સ અને સ્થાનિક પોલીસ ખડેપગે રહેશે અને રોડ અકસ્માત અંગે પણ તકેદારી રાખશે. આ ઉપરાંત પોલીસે 100, 112 અને 181 હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે.