કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશોના કથન અને અવલોકનોનું અવળું અર્થઘટન કરીને રિપોર્ટિંગ કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે અંગ્રેજી અખબારો ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ને ફટકાર લગાવી છે અને કૃત્ય બદલ પહેલા પાને જાહેર માફી પ્રકાશિત કરવાના નિર્દેશ આપ્યા છે. બીજી તરફ, ગુજરાતી અખબાર ‘દિવ્ય ભાસ્કર’ તરફથી કોઇ કોર્ટમાં હાજર ન રહેતાં કન્ટેમ્પ્ટ કાર્યવાહી કેમ શરૂ કરવામાં ન આવે તેનો ખુલાસો માંગતી નોટિસ ફટકારવામાં આવી છે.
મામલો સામે આવ્યા બાદ ગત 13 ઑગસ્ટના રોજ હાઈકોર્ટે TOI, ઇન્ડિયન એક્સપ્રેસ અને દિવ્ય ભાસ્કરના તંત્રીઓને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો. જે મામલે વધુ સુનાવણી ગુરુવારે (22 ઑગસ્ટ) હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોર્ટમાં ઈન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઑફ ઇન્ડિયા તરફથી જ વકીલો હાજર રહ્યા હતા. દિવ્ય ભાસ્કર તરફથી કોઇ ન હોવાથી ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તેઓ કન્ટેમ્પ્ટ નોટિસ ઇસ્યુ કરશે.
નોટિસ પાઠવવામાં આવ્યા બાદ અંગ્રેજી અખબારોએ કોર્ટ સમક્ષ એફિડેવિટ દાખલ કર્યું હતું, પરંતુ કોર્ટે માફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે કહ્યું કે, “અમે આ પ્રકારની માફી સ્વીકારી રહ્યા નથી….આ બિનશરતી માફી નથી. આ તો પહેલાં યોગ્ય ઠેરવવાનો પ્રયાસ થયો છે અને પછી માફી છે. અમને જાહેર માફી જોઈએ છે, જે સ્પષ્ટ દર્શાવે કે છાપાના રિપોર્ટર અને તંત્રી કોર્ટનાં અવલોકનોનું રિપોર્ટિંગ કરવામાં ખોટા હતા અને આવું ભવિષ્યમાં થશે નહીં.”
શું છે સમગ્ર મામલો?
ગુજરાત હાઇકોર્ટ 2021માં દાખલ કરવામાં આવેલી એક સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પર સુનાવણી કરી રહી છે. અરજીમાં લઘુમતીઓ દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થાઓને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે બનાવેલા કાયદાને પડકારવામાં આવ્યો હતો. ગત 12 ઑગસ્ટના રોજ આ મામલે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે આ કેસમાં સુનાવણી હાથ ધરી હતી. જેની ઉપર અંગ્રેજી-ગુજરાતી અખબારોએ બીજા દિવસે રિપોર્ટિંગ કર્યું હતું.
આ મામલે 13 ઑગસ્ટની આવૃત્તિમાં ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ ‘સ્ટેટ કેન રેગ્યુલેટ માઈનોરિટી સ્કૂલ્સ ફોર એક્સલન્સ ઇન એજ્યુકેશન: HC’ મથાળા સાથે સમાચાર પ્રકાશિત કર્યા હતા. ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ સમાચાર છપાયા હતા, જેની હેડલાઈન હતી- ‘માઈનોરિટી એન્ડ મેજોરિટી સ્કૂલ્સ ધેટ ગેટ એઈડ મસ્ટ કંપ્લાય વિથ ધ નોર્મ્સ: HC’. ભાસ્કરે પણ 13 ઑગસ્ટની અમદાવાદ આવૃત્તિના અંતિમ પાને સમાચાર પ્રકાશિત કર્યા હતા, જેની હેડલાઇન હતી- ‘સંચાલકને શિક્ષક પસંદ કરવાનો અધિકાર મળે તો ભાઈ-ભત્રીજાની જ ભરતી થશે: હાઇકોર્ટ.’
આ રિપોર્ટિંગનો મામલો પછીથી કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, ‘આ ન્યૂઝ આઇટમો એવી રીતે તૈયાર કરવામાં આવી છે, જે વાંચીને એવું લાગી શકે કે પોતાની પસંદગીના શિક્ષકોની નિમણૂક કરવાના લઘુમતી સંસ્થાઓના અધિકારો તેમજ લઘુમતીઓ દ્વારા ચાલતી શિક્ષણ સંસ્થાઓને નિયંત્રિત કરવાની રાજ્ય સરકારની સત્તા મામલે કોર્ટે પોતાનો અભિપ્રાય બનાવી લીધો છે.’ કોર્ટનું કહેવું હતું કે તેમનાં અવલોકનોને ખોટી રીતે રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં.
ત્યારબાદ 13 ઑગસ્ટના રોજ કોર્ટે ત્રણેય અખબારોને નોટિસ પાઠવી હતી. જેના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘કોર્ટનાં અવલોકનોના સનસનાટીભર્યા રિપોર્ટિંગથી સામાન્ય જનતાને એવો સંદેશ જશે કે કોર્ટે મામલામાં પોતાનો અભિપ્રાય બનાવી લીધો છે, જે બીજું કશું જ નહીં પણ કોર્ટની કાર્યવાહીનું અવળું અર્થઘટન છે. આ પ્રકારે જે કોર્ટ કેસમાં સુનાવણી ચાલી રહી હોય તેના આવા સનસનાટીભર્યા રિપોર્ટિંગ પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. આથી અમે ‘ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીઓને નોટિસ પાઠવી રહ્યા છીએ.’
કોર્ટે કહ્યું હતું કે, “કોર્ટની કાર્યવાહીનું ખોટું વર્ઝન પ્રકાશિત કરવા બદલ અને સુનાવણી દરમિયાન કોર્ટનાં અવલોકનોને અવળી રીતે રજૂ કરીને તેને સનસનાટીભર્યા સમાચાર બનાવવા બદલ શા માટે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ન આવે તેનો ખુલાસો આપવામાં આવે.” કોર્ટે ત્રણેય અખબારો પાસેથી જવાબ માંગીને આગળની તારીખ 22 ઑગસ્ટની મુકરર કરી હતી.
TOI, ઇન્ડિયન એક્સપ્રેસે કહ્યું- ભૂલ સ્વીકારી, માફી માંગીશું
22 ઑગસ્ટની સુનાવણી દરમિયાન ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઑફ ઇન્ડિયા તરફથી વકીલો હાજર રહ્યા હતા. ઇન્ડિયન એક્સપ્રેસના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેમણે ભૂલ સ્વીકારી લીધી છે અને ઈન્ટરનેટ પરથી સામગ્રી હટાવી દેવામાં આવી છે. વકીલોએ એ પણ સ્વીકાર્યું હતું કે રિપોર્ટની હેડલાઈનો યોગ્ય રીતે બનાવવામાં આવી ન હતી.
કોર્ટે આ દરમિયાન મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, “જો તમે સ્વીકારતા હો કે આ ભૂલ હતી તો પહેલાં તમારા અખબારમાં બોલ્ડ લેટરમાં જે-તે લેખનો સંદર્ભ આપીને માફી માંગો. આ પ્રકારની માફી ન લખશો. એ બિનશરતી હોવી જોઈએ.” કોર્ટે આગળ કહ્યું કે, “તમે લોકો માટે આર્ટિકલ લખ્યો છે તો લોકોને ખબર પડવી જોઈએ કે તમે ભૂલ કરી હતી. અમારી સમક્ષ માફી માંગવાનું કોઇ ઔચિત્ય નથી. તમે લોકો સમક્ષ ખોટી બાબત રજૂ કરી છે, અમારી સામે માફી માંગવાથી કશું નહીં થાય. જાહેર માફી લોકો સમક્ષ હોવી જોઈએ, જેમને તમે અખબારના લેખ થકી ખોટો સંદેશ પહોંચાડ્યો હતો. તમે તેમ કરો તો ઠીક છે, બાકી અમે કન્ટેમ્પ્ટ નોટિસ તરફ આગળ વધીશું.”
કોર્ટની ટિપ્પણી બાદ અખબારોના વકીલોએ જણાવ્યું હતું કે, કોર્ટ જે તારીખ આપે તે નિયત સમયમર્યાદામાં આદેશનું પાલન કરવામાં આવશે. ત્યારબાદ કોર્ટે શુક્રવારની આવૃત્તિમાં પહેલા પાને બોલ્ડ લેટર્સમાં માફી પ્રકાશિત કરવા માટે જણાવ્યું હતું. આ સિવાય અન્ય એફિડેવિટ દાખલ કરીને તેની સાથે જાહેર માફી જોડવા માટે પણ કોર્ટે અખબારોને સમય આપ્યો છે.
‘દિવ્ય ભાસ્કર’ને કોર્ટની વધુ એક નોટિસ
બીજી તરફ, 13 ઑગસ્ટની નોટિસનો કોઈ જવાબ ન આપવામાં આવતાં કોર્ટે ‘દિવ્ય ભાસ્કર’ને વધુ એક નોટિસ પાઠવી છે. કોર્ટે દિવ્ય ભાસ્કરના તંત્રીઓને 13 ઑગસ્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે અદાલતની અવમાનની કાર્યવાહી કેમ શરૂ કરવામાં ન આવે તેનો ખુલાસો માંગતી નોટિસ ફટકારી છે. જેની ઉપર 2 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે. આ મામલે વધુ સુનાવણી 27 ઑગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.