લોકસભા ચૂંટણી પહેલાં જ ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. અનેક નેતાઓ વિપક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. તે જ અનુક્રમે હવે વધુ બે નેતાઓએ રાજીનામું આપી દીધું છે. જાણવા મળી રહ્યું છે કે, આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથીરિયાએ પાર્ટીના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ ધાર્મિક માલવિયાએ પણ પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલાં પાર્ટીના મોટા નેતાઓએ રાજીનામું આપી દેતાં પહેલેથી જ નબળી પડી ગયેલી આમ આદમી પાર્ટી વધુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
ગુરુવારે (18 એપ્રિલ) અલ્પેશ કથીરિયાએ અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. બંને નેતાઓએ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલી આપ્યું છે. આ બંને નેતાઓ દક્ષિણ ગુજરાતમાં AAPના મુખ્ય નેતાઓ પૈકી સ્થાન ધરાવતા હતા, જ્યારે હવે તેમણે પાર્ટીને રામ-રામ કહી દીધું છે. રાજીનામાં પત્રમાં કોઈ ચોક્કસ કારણ વિશે જણાવવામાં આવ્યું નથી.
ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર..!
— Dixit Thakrar ( Gujarat First ) (@iDixitThakrar) April 18, 2024
લોકસભાની ચૂંટણી પહેલા AAP ને મોટો ઝટકો, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી છોડી, ધાર્મિક-અલ્પેશે ઈસુદાન ગઢવીને રાજીનામુ મોકલ્યું pic.twitter.com/V4QZoaaUrU
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કરી પુષ્ટિ
આ મામલે ઑપઇન્ડિયાએ અલ્પેશ કથીરિયાનો સંપર્ક કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, “મેં રાજીનામું આપી દીધું છે. કોઈ ખાસ કારણ નથી, પણ છેલ્લા ઘણા સમયથી અમે પાર્ટીમાં નિષ્ક્રિય રહ્યા હતા. વર્તમાન સમય સુધી કોઈ પાર્ટીમાં જોડાવાની યોજના બનાવી નથી, બાકી ભવિષ્ય પર આધાર રાખશે.”
બીજી તરફ ધાર્મિક માલવિયાએ અન્ય એક મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, તેમણે સામાજિક કારણોસર રાજીનામું આપ્યું છે. તેમણે પણ તે જ વાત કરી કે, તેઓ ઘણા સમયથી પાર્ટીમાં નિષ્ક્રિય હતા. તેથી અંતે હવે રાજીનામું આપી દીધું છે. સાથે એવું પણ કહ્યું કે, સામાજિક કાર્ય કરવાનું હોવાથી રાજકીય કાર્યમાં સહયોગ આપી શકાય તેમ નહોતો, તેથી આ નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે, 2022 વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણી સામે ચૂંટણી લડી હતી. ઉપરાંત તાજેતરમાં જ અલ્પેશ કથીરિયાને ગુજરાત ચૂંટણી માટે સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હતા. પાટીદાર આંદોલન સમયે પણ હાર્દિક પટેલ બાદ અલ્પેશ કથીરિયા સૌથી મોટા ચહેરા તરીકે ઓળખાતા હતા. જ્યારે ધાર્મિક માલવિયાએ ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે, બંનેને હાર મળી હતી. પરંતુ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓમાં તેમનું નામ આવતું હતું.