ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. ઉનાળાના કારણે ઘણા લોકો નદી, તળાવ કે દરિયામાં નાહવા માટે જતાં હોય છે. પરંતુ ઘણીવાર કોઈ દુર્ઘટનાવશ ડૂબી જવાના કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે. ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું છે. એકને બચાવીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યારે ચાર બાળકીઓના મોત થયા હોવાના સમાચાર છે. હાલ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. આ સાથે પોલીસે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મંગળવારે (21 મે, 2024) બપોરના સમયે ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ કપડાં ધોવા માટે આવી હતી. તેવામાં અચાનક એક બાળકી ડૂબી ગઈ હતી. તેને બચાવવા માટે એક પછી એક ચારેય બાળકીઓ પાણીમાં ઉતરી હતી. જેને લઈને પાંચ બાળકીઓ તળાવમાં ડૂબી ગઈ હતી. બાળકીઓની ચીસો સાંભળીને સ્થાનિક લોકો બોરતળાવ પહોંચી ગયા હતા અને બાળકીઓને બચાવવા માટે તજવીજ હાથ ધરી હતી. જેમાંથી એક બાળકીને બચાવી શકાઈ હતી, જ્યારે ચાર બાળકીઓના મોત થયા હતા. ઘટના બાદથી સમગ્ર ભાવનગર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. એક બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બાકીની ચાર બાળકીઓના મૃતદેહોને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક બાળકીઓના નામ આ મુજબ છે. અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉ. 17), રાશિ મનીષભાઈ ચારોલીયા (ઉ. 9), કાજલ વિજયભાઈ જાંબુચા (ઉ. 12), કોમલ મનીષભાઈ ચારોલીયા (ઉ. 13). જ્યારે કિંજલ મનીષભાઈ ચારોલીયા (ઉ. 12) હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તાજેતરમાં જ પોઇચામાં સુરતના એક પરિવારના 8 સભ્યો ડૂબ્યાં હતા
તાજેતરમાં જ સુરતમાં રહેતા અને મૂળ અમરેલીના બલદાણિયા પરિવારના 8 સભ્યો પોઇચા ખાતે નર્મદા નદીમાં ડૂબી જતાં હડકંપ મચી ગઈ હતી. તાબડતોડ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોઇચા નજીક નર્મદા નદીમાં આઠ લોકોના ડૂબવાની ખબર મળતા જ રાજપીપળા ટાઉન પોલીસ, ફાયર વિભાગની ટીમો પોઇચા પહોંચી હતી. આઠમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 7 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
તે 7 લોકોમાં ત્રણ તો બાળકો હતા. ત્યારબાદ ફાયરની ટીમ અને સ્થાનિકોએ મહામહેનતે સાતેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટના બાદ પોઇચા નર્મદા નદીમાં નાહવા પર ટૂંકાગાળા માટે પ્રતિબંધ પણ લાદી દેવામાં આવ્યો હતો.
દાંડીના દરિયામાં પણ 6 લોકો ડૂબ્યાં હતા
પોઇચાની ઘટના પહેલાં નવસારીના દાંડીના દરિયામાં પણ આવી જ એક ઘટના બનવા પામી હતી. દાંડીના દરિયા કિનારે રવિવાર હોવાથી એક રાજસ્થાની પરિવાર ફરવા માટે આવ્યો હતો. જે દરમિયાન પાણીનું વહેણ વધતાં 6 લોકો દરિયામાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ 2 વ્યક્તિઓને બચાવી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો દરિયામાં લાપતા થઈ ગયા હતા. એ ઉપરાંત ગુજરાતમાં અનેક જગ્યાએ ડૂબીને મોત થયાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. ભાવનગરના બોરતળાવમાં આ જ મહિને એક યુવાનનું પણ ડૂબવાથી મોત થઈ ગયું હતું. તે પહેલાં એપ્રિલ મહિનામાં પણ એક યુવાનનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા.