સમગ્ર ગુજરાતમાં ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અસત્ય પર સત્યની જીતના પ્રતિક સમાન આ તહેવારની ગુજરાતના કરોડો લોકોએ આનંદથી ઉજવણી કરી છે. તેવામાં ગુજરાતમાં આવેલા અનેક તીર્થસ્થાનોમાં પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર, દ્વારકા જગત મંદિર, ડાકોર મંદિર, જગન્નાથ મંદિર અને સોમનાથ મંદિર જેવા મહત્વના તીર્થસ્થાનોમાં ભાવિક ભક્તોએ રંગોત્સવની ઉજવણી કરી હતી અને પરંપરાગત રીતે ભગવાનની ભક્તિ અને પ્રેમના રંગમાં રંગાયા હતા.
ગુજરાતના અનેક તીર્થસ્થાનોમાં ધૂળેટી પર્વની ઉજવણી થઈ છે. બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 51 હજાર કિલો નેચરલ કલર અને 400 જેટલા સપ્તધનુષની રંગીન થીમ પર 70 ફૂટ જેટલા ઊંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર રંગો નાખવામાં આવ્યા હતા. સાથે જ 60 જેટલા નાસિક ઢોલના તાલે હજારો ભક્તો ઝૂમી ઉઠયા હતા. આ ઉજવણીમાં કેમિકલ વગરના કુદરતી રંગો જેવા કે, અબીલ, ગુલાલ, કુમકુમથી લોકોએ એકબીજાને રંગીને ભવ્ય આનંદ હતો. આ ઉપરાંત કષ્ટભંજન દેવને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરના મુખ્ય પૂજારી અને સંતો-મહંતોએ કષ્ટભંજન દાદાને વિવિધ કુદરતી રંગોથી રંગીને ધૂળેટી પર્વની શુભેચ્છાઓ અર્પણ કરી હતી.
દ્વારકા મંદિર અને ડાકોર મંદિરમાં થઈ ઉજવણી
ફાગણ મહિનાની પૂનમે આવતા પવિત્ર તહેવાર ધૂળેટીની જગત મંદિર દ્વારકામાં પણ ભવ્ય ઉજવણી થઈ હતી. અહીં ચાંદીની પિચકારીથી ભગવાન દ્વારિકાધીશને કેસુડાંના રંગથી રંગવામાં આવ્યા હતા. આ સાથે ભક્તો અને મહંતોએ પણ સાથે મળીને રંગોત્સવની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં લોકો આજે દ્વારકાના જગત મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે એકઠા થયા હતા. આ સાથે અનેક સ્વયંસેવકોએ પણ મંદિરમાં સેવાનો લાભ લીધો હતો.
Dakor : ડાકોરના ઠાકોરના ફાગણી પૂનમના દર્શન કરવા ભક્તોની ભીડ જામી । Gujarat First
— Gujarat First (@GujaratFirst) March 25, 2024
#Dakor #Holi #Holika #GujaratFirst #Ranchhodraiji #Krishna pic.twitter.com/Q8r0gywGpp
આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણનું બીજું એક પવિત્ર સ્થળ ડાકોર પણ ધૂળેટીના રંગે રંગાયું છે. અહીં ભગવાન રણછોડરાયને મંગલા આરતી બાદ કેસુડાંના રંગે રંગવામાં આવ્યા હતા. ફાગણ સુદ પૂનમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવાનું અનેરું મહત્વ છે. તેથી ધૂળેટીના દિવસે વહેલી સવારથી જ ડાકોર મંદિરમાં ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. હજારો લોકોએ આ પવિત્ર દિવસે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય દર્શન કર્યા હતા. મંગલા આરતી સમયે મંદિરના ઘુમ્મટમાં ભક્તોએ રંગોની છોળો ઉડાડી હતી. જે બાદ ભગવાને ફૂલડોલમાં બિરાજમાન થઈ સોના ચાંદીની પિચકારીથી ભાવિકો સાથે હોળી રમી હતી. આ ઉપરાંત ફાગણી પૂનમના દિવસે પગપાળા યાત્રા કરીને ભગવાનના દર્શન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેથી અનેક ભક્તો રાત્રીથી જ પગપાળા આવીને ડાકોર મંદિરમાં પહોંચી ગયા હતા.
અમદાવાદના જગન્નાથ મંદિર અને ઇસ્કોન મંદિરમાં પણ ભવ્ય ઉજવણી
બધા તીર્થસ્થળોની સાથે ભગવાન શ્રીકૃષ્ણના જગન્નાથ મંદિર અમદાવાદમાં પણ હોળી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અહીં પધારેલા હજારો ભાવિક ભક્તોએ ફૂલો અને કુદરતી રંગોથી હોળીની ઉજવણી કરી હતી. ધૂળેટીની પર્વની શરૂઆત પહેલાં સૌપ્રથમ ભગવાન શ્રી જગન્નાથજીને ચાંદીની પિચકારીથી કેસુડાંના રંગે રંગવામાં આવ્યા હતા. જે બાદ તમામ ભક્તોએ પણ રંગારંગ ઉત્સવની ઉજવણી કરી હતી. મંદિરના ટ્રસ્ટી અને મુખ્ય પદાધિકારીઓએ ભક્તોની સાથે મળીને ધૂળેટીની ઉજવણી કરી હતી. 1000 કિલો ફૂલોથી રંગો બનાવીને રંગોત્સવની ઉજવણી કરવામાં આવી છે.
Ahmedabad : જગન્નાથ મંદિર ખાતે હોળીની ભવ્ય ઉજવણી । Gujarat First #Holi #Holika #Dhuleti #JagannathMandir #Jamalpur #Ahmedabad #GujaratFirst pic.twitter.com/dAKT78kxWA
— Gujarat First (@GujaratFirst) March 25, 2024
આ ઉપરાંત અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધારાણીને વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે. વિવિધ સુંદર અને સુગંધીત ફૂલોથી ભગવાનને શણગારવામાં આવ્યા છે. વૃંદાવનથી મંગાવવામાં આવેલા વિશેષ વસ્ત્રોથી ભગવાનનો શૃંગાર કરવામાં આવ્યો છે. આ સાથે ભાવિક ભક્તોએ ઇસ્કોન મંદિરમાં ફૂલોથી ધૂળેટી રમીને ઉજવણી કરી છે.
સોમનાથ મંદિર અને ભાલકા તીર્થ મંદિરમાં પણ થઈ ઉજવણી
આ ઉપરાંત ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મહાદેવ મંદિરમાં પણ પરંપરાગત રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. અહીં ભગવાન મહાદેવને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો અને પૂજારી દ્વારા ભગવાનને રંગોથી રંગવામાં આવ્યા હતા. આ સાથે અનેક શ્રદ્ધાળુઓએ પણ કુદરતી રંગો અને ફૂલોથી રંગોત્સવની ઉજવણી કરી છે. આ ઉપરાંત સોમનાથ મંદિરની નજીક આવેલા ભાલકા તીર્થ મંદિરમાં પણ પરંપરાગત ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે. કેસુડાંના ફૂલોની સાથે વિવિધ સુગંધી ફૂલોથી રંગ બનાવીને ભગવાનને રંગવામાં આવ્યા છે. આ સાથે અનેક કૃષ્ણભક્તોએ પણ ધૂળેટી પર્વની રંગારંગ ઉજવણી કરી છે.