છેલ્લા કેટલાક સમયથી કરોડો હિંદુઓના આધ્યાત્મનું કેન્દ્ર જૂનાગઢ ચર્ચામાં છે. ગેરકાયદેસર દરગાહોને લઈને પોલીસ પર હુમલાથી લઈને જાહેર સ્થળોએ નમાજ પઢવાના વિવાદોના કારણે ચર્ચામાં રહેલા જૂનાગઢમાં હવે એક નવી ચર્ચાએ જન્મ લીધો છે. જૂનાગઢમાં મહાનગર પાલિકાની કમિટીના ચેરમેને અનેક વિસ્તારોમાં અશાંતધારાની માંગ કરી છે. આ માટે તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં તેમણે 16 જેટલા વિસ્તારોના નામજોગ ઉલ્લેખ કરીને કાયદો પસાર કરવાની માંગ કરી છે.
મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જૂનાગઢ શહેરના ઉપરકોટ, દિવાનચોક, સર્કલ ચોક, જોશીપરા ખાંમધોલ સહિતના 16 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે માંગ કરી. હરેશ પરસાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું કે, “હાલના સંજોગોને ધ્યાનમાં લેતા જૂનાગઢ શહેરમાં અશાંતધારાની અમલવારી અતિ જરૂરી છે. જેમાં ઉપરકોટ, દિવાનચોક, લીમડા ચોક સર્કલ ચોક માલીવાડા, જોષીપરા, ખામધ્રોળ વિસ્તાર, ખોડિયાર મંદિર કેમ્બ્રિજ સ્કૂલ આસપાસનો વિસ્તાર, નારાયણ નગર, નંદનવન સોસાયટીનો વિસ્તાર આદિત્ય નગર તેમજ અનેક અન્ય વિસ્તારોમાં અશાંતધરાની તાતી જરૂરિયાત છે.”
આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ હરેશ પરસાણાનો સંપર્ક કર્યો હતો. તેમણે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ કોઈ પહેલી વાર નથી કે અમે જૂનાગઢમાં અનેક વિસ્તારોમાં અશાંતધરાની માંગ કરી હોય. આ પહેલા પણ અલગ અલગ માધ્યમો દ્વારા અમારી આ માંગ રહી જ છે. પરંતુ તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં અશાંતધારો લગાવ્યો. જેથી અમે ફરી રજૂઆત કરી કે અમારા જૂનાગઢમાં પણ અશાંતધારાની ખૂબ જ જરૂરિયાત છે.”
કયા-કયા વિસ્તરમાં અશાંતધારાની માંગ?
જૂનાગઢમાં કયા-કયા વિસ્તારમાં અશાંતધારો લાગવો જોઈએ તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, “આમતો એવા અઢળક વિસ્તાર છે જ્યાં અશાંતધારો લાગવો જોઈએ. ખાસ કરીને ઉપરકોટ, દીવાન ચોક, પંચ હાટડી ચોક કે જ્યાં પ્રખ્યાત પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે, જોશી પૂરા, ખામધ્રોલ, હીરા નગર, ખોડિયાર મંદિર, નંદનવન, આદિત્ય નગર, કેમ્બ્રિજ સ્કૂલ જેવા અઢળક વિસ્તાર છે. આ બધી જગ્યાઓ પર જો તાત્કાલિક અશાંતધારાનો નિયમ લાગુ કરવામાં નહીં આવે તો બહુ મોટા ડેમોગ્રાફિક ચેંચ આવી શકે તેવી ભીતિ છે.”
અશાંતધારો શા માટે જરૂરી?
આ સવાલ પર જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે, “જૂઓ આ પ્રકારની માંગ પાછળનું મુખ્ય કારણ એક જ છે કે, એક સમયે જ્યાં-જ્યાં હિંદુ વસ્તી મેજોરીટીમાં હતી ત્યાં મુસ્લિમ લોકોએ પ્રોપર્ટીઓ ખરીદી લીધી છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે હિંદુઓ તેવા વિસ્તારોમાંથી પલાયન કરી રહ્યા છે. આ માઈગ્રેશન અટકાવવા માટે અશાંતધારો લાગુ થવો ખૂબ જ જરૂરી છે.”
પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેના વિશે જણાવતા પરસાણાએ જણાવ્યું કે, “અશાંતધારો ન લાગવાથી વસ્તી પર કેટલું પરિવર્તન આવે છે તેનું ઉદાહરણ આપું તો, નંદનવન વિસ્તાર કે જ્યાં એક સમયે હિંદુ વસ્તી હતી, તે આજે સંપૂર્ણ મુસ્લિમ વસ્તીમાં પરિવર્તિત થઈ ગયું છે. આદિત્યનગર, ખામધ્રોળનું હર્ષદ નગર સહિતના અનેક વિસ્તાર છે જ્યાંની વસ્તી આખી બદલાઈ ગઈ છે. તમે જૂઓ, તમામ વિસ્તારોના નામ હિંદુ છે, પણ હાલ પરિસ્થિતિ તેવી છે કે ત્યાં નહિવત હિંદુઓ વસે છે.”
તેમણે આગળ જણાવ્યું કે, “આ તમામ જગ્યાઓ પર 100% હિંદુ વસ્તી હતીં અને આજે ત્યાં પરિસ્થિતિ સાવ અલગ છે. અશાંતધારો લાગુ પડે તો નિયમાનુસાર કલેકટર સહિતની પરવાનગીઓ વગર લે-વેચ પર પ્રતિબંધ લાગશે અને હિંદુઓનું પલાયન અટકશે. જો વહેલામાં વહેલી તકે નિર્ણય નહીં લેવામાં આવે તો જૂનાગઢના હિંદુઓને તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. હિંદુઓ પલાયન ન કરે અને હું તો કહું છું કે બંને પક્ષ શાંતિથી રહે અને ઘર્ષણની સ્થિતિ ઉત્પન ન થાય તે માટે અશાંતધારો લાગવો જરૂરી છે.”