Wednesday, September 18, 2024
More
    હોમપેજગુજરાતહવે ભાવનગરમાં AAP ઉમેદવારના એફિડેવિટ સામે ઉઠ્યા સવાલ, અપૂરતી અને ખોટી માહિતી...

    હવે ભાવનગરમાં AAP ઉમેદવારના એફિડેવિટ સામે ઉઠ્યા સવાલ, અપૂરતી અને ખોટી માહિતી આપવામાં આવી હોવાની રાવ: કલેક્ટરે સમય આપ્યો

    AAP ઉમેદવાર ઉમેશ મકવાણાને જવાબ રજૂ કરવા માટે આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ ફોર્મ મંજૂર થશે કે નહીં તે નક્કી કરવામાં આવશે. 

    - Advertisement -

    સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મમાં ટેકેદારોની સહીને લઈને સમસ્યા સર્જાયા બાદ હવે આવી માથાકૂટ ભાવનગરમાં થઈ છે. ભાવનગર લોકસભા બેઠક પર ભાજપે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના એફિડેવિટ પર સવાલ ઉઠાવ્યા છે અને તેમાં અમુક ખોટી માહિતી આપવામાં આવી હોવાની દલીલો સાથે વાંધા અરજી આપી છે. જેને લઈને હવે AAP ઉમેદવારે સમય માગ્યો છે. 

    ભાવનગર બેઠકનાં ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણીયાના એજન્ટ ઉત્પલ દવેએ ચૂંટણી અધિકારીને કરેલી અરજીમાં જણાવ્યું કે, AAP ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા રજૂ કરવામાં આવેલા ચૂંટણી એફિડેકિટમાં અપૂરતી અને ખોટી માહિતી આપવામાં આવી છે. 

    અરજીમાં જણાવવામાં આવ્યું કે, AAP ઉમેદવારના ફોર્મમાં આવકવેરા પત્રકમાં દર્શાવેલ આવકમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં વર્ષ 2018-19ની આવક ₹8,74,090 દર્શાવી હતી, જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં ફોર્મ ભર્યુ ત્યારે તેમણે આવકવેરા પત્રકમાં 2018-19ની આવક ₹11,20,000 દર્શાવી છે, જે વિરોધાભાસ સર્જે છે. આ સિવાય, 2024ની ચૂંટણીમાં હાથ પર રોકડ રકમ ₹33,35,000 અને પત્નીની રોકડ સિલક ₹22,28,350 દર્શાવવામાં આવી છે, જે છેલ્લાં 5 વર્ષની દર્શાવેલ આવક કરતાં વધારે જણાય છે. 

    - Advertisement -

    આ સિવાય, શિક્ષણની માહિતી પણ અધૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે. ફોર્મમાં કહેવામાં આવ્યું કે, તેમણે BA કઈ કોલેજ કે યુનિવર્સિટીમાં અને કયા વર્ષમાં પાસ કર્યું છે તેની વિગતો આપી નથી ને ધોરણ 10 અને 12 પણ કઈ શાળામાંથી પાસ કર્યાં તેની પણ કોઇ વિગતો આપવામાં આવી નથી. ભાજપે આરોપ લગાવ્યો કે, આ માહિતી છુપાવવામાં આવી છે. 

    આ મામલે AAP ઉમેદવાર ઉમેશ મકવાણાએ ચૂંટણી અધિકારીને એક અરજી આપીને પોતાનો જવાબ રજૂ કરવા માટે સમય માગ્યો હતો. તેમણે કહ્યું કે, નામાંકન પત્ર વિરુદ્ધ જે વાંધા અરજી રજૂ કરવામાં આવી છે તેનો મુદ્દાસર જવાબ રજૂ કરવા માટે તેમને સમય આપવામાં આવે. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, ઉમેશ મકવાણાને જવાબ રજૂ કરવા માટે આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ ફોર્મ મંજૂર થશે કે નહીં તે નક્કી કરવામાં આવશે. 

    ભાવનગર લોકસભા બેઠક પરથી કુલ 19 ઉમેદવારોએ 30 જેટલાં ફોર્મ ભર્યાં છે, જેમાંથી ચકાસણી બાદ 13 ઉમેદવારોનાં ફોર્મ માન્ય રહ્યાં. એકને જવાબ રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો છે. 22મી એપ્રિલ ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે. નોંધનીય છે કે લોકસભા બેઠક પર ગઠબંધન હેઠળ કોંગ્રેસ પાર્ટી લડી રહી નથી અને AAPએ ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કર્યા છે, જેઓ હાલ બોટાદના ધારાસભ્ય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં