Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણચૈતર વસાવા, ભીલ પ્રદેશની માંગ અને ભાગલાવાદી રાજકારણ: શાંત અને વિકાસશીલ ગુજરાતમાં...

    ચૈતર વસાવા, ભીલ પ્રદેશની માંગ અને ભાગલાવાદી રાજકારણ: શાંત અને વિકાસશીલ ગુજરાતમાં કેમ ચલાવાઈ રહ્યો છે આ ઘાતક એજન્ડા?

    એક તરફ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર 2047માં ગુજરાત કેવું હશે તેની કલ્પનાઓ કરીને તે દિશામાં કામ કરવાની વાત કરે છે ત્યાં અહીં વિપક્ષના નેતાઓ જુદી જ વાર્તાઓ લઈને બેઠા છે. પાર્ટીઓ કોઇ પણ હોય, ધારાસભ્યો કે સાંસદો કોઇ પણ હોય. તેમનો મકસદ પોતાના વિસ્તારનો કે રાજ્યનો વિકાસ હોવો જોઈએ, તેમાં ભાગલા પાડવાની વાત ક્યાંથી આવી?

    - Advertisement -

    જાતિના જોરે રાજકારણ તો ગુજરાતમાં ધીમે-ધીમે સામાન્ય બાબત બનતી જાય છે. જે દુર્ભાગ્યપૂર્ણ છે પણ હકીકત છે. પહેલાં ‘યુવા નેતા’ બનવા માટે પાર્ટીઓમાં મહેનત કરવી પડતી, પોસ્ટરો લગાવવા માટે થાંભલે ચડવું પડતું, કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવો પડતો, હવે એક સરળ રસ્તો મળી ગયો છે જાતિને એકઠી કરીને તેના જોરે ઉપર આવવાનો. પહેલાં નેતાઓ પહેલાં થતા, પછી સમાજના અગ્રણી. હવે સમાજના અગ્રણી પહેલાં થાય છે અને પછી રાજકારણમાં આવે છે. હમણાં ‘યુવા નેતાઓ’માં બધા આવા નથી, પણ આવાની સંખ્યા પણ ઠીકઠાક છે. આ રાજકારણથી આપણે પરિચિત થઈ ગયા હતા, પણ હવે રાજકારણનો બીજો એક પ્રકાર ઘૂસાડવામાં આવી રહ્યો છે- ભાગલાવાદી અને પ્રદેશવાદી. 

    હમણાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક કાર્યક્રમમાં કહ્યું કે, જો સરકાર આદિવાસીઓનો વિકાસ ન કરે તો તેઓ અલગ ભીલ પ્રદેશની માંગ કરશે અને કેવડિયાને તેની રાજધાની બનાવશે. એટલું જ નહીં, આગળ કહ્યું કે, હમણાં અધિકારીઓથી માંડીને એજન્સીઓ તમામ ‘બહારના’ હોય છે અને એટલે બરાબર કામ થતાં નથી. હવે અહીં બહારના એટલે ક્યાંના? બીજા ગ્રહના? નહીં, ગુજરાતના જ. 

    અહીં અજાણ વ્યક્તિઓ માટે, ભીલ પ્રદેશ એટલે ગુજરાતનો પૂર્વ પટ્ટો અને તેની આસપાસના મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના અમુક જિલ્લાઓને જોડીને ‘ભીલ પ્રદેશ’ કે ભીલીસ્તાન નામનું એક અલગ રાજ્ય બનાવવાની ચર્ચાઓ ભૂતકાળમાં પણ ક્યાંક છૂટીછવાઈ થતી રહેતી. જોકે, પછી ગુજરાતમાં વિકાસનું રાજકારણ શરૂ થયું પછી આવી ચર્ચાઓ ધીમેધીમે ઓછી થતી ગઈ. હવે થોડાં વર્ષોથી ફરી વેગ પકડવાનું શરૂ કર્યું છે. 

    - Advertisement -

    જોકે, ચૈતર વસાવાએ આવું પહેલી વખત કહ્યું નથી. ભૂતકાળમાં પણ આવાં કથનો કર્યાં હતાં. ત્યારે પણ કોઇ હોબાળો થયો ન હતો અને હમણાં પણ નહીં થાય. કારણ કે આપણા મેઈનસ્ટ્રીમ મીડિયાને આવી બધી બાબતોમાં કોઇ રસ નથી. ભાજપ નેતાના દૂરના સગાને સીટ બેલ્ટ ન બાંધવા બદલ દંડ થાય તો તેઓ પાંચ દિવસ સમાચાર ચલાવીને છઠ્ઠા દિવસે કેમેરાની સામે આવીને તેમને મફતની સલાહ આપી જશે, પણ બાકીની ‘અમુક’ જે બાબતો ખરેખર ચર્ચાવી જોઈએ તેમાં મોઢાં બંધ રાખશે. તેને ‘તટસ્થ પત્રકારત્વ’ કહેવાય છે. 

    ભૂતકાળમાં આ પ્રકારે અલગ રાજ્યો બન્યાં જ છે અને સૌથી તાજું ઉદાહરણ તેલંગાણાનું છે. ભવિષ્યમાં પણ જરૂર પડ્યે આવી વ્યવસ્થાઓ કરાય તે માટે બંધારણે પણ રસ્તો ખુલ્લો રાખ્યો છે. પણ જેન્યુઇન કારણોસર માંગો કરવી અને રાજકીય હિતો સાધવા માટે અને વૉટબેન્ક કબ્જે કરવા માટે આવાં ગતકડાં કરવાં એ તદ્દન ભિન્ન બાબતો થઈ ગઈ. જે-જે રાજ્યોની રચના કરવામાં આવી તે પ્રદેશના વિકાસ માટે કે અમુક ભૌગોલિક કારણોસર કે અમુક સાચાં કારણોસર થઈ હતી, આ કિસ્સામાં એવું નથી. 

    ગુજરાતમાં કોઇ પ્રદેશ સાથે ક્યાંય અન્યાય નહીં

    ગુજરાતનો વિકાસ થયો છે તો સર્વાંગી વિકાસ થયો છે. સરકારોએ ક્યારેય એક પ્રદેશને વધુ અને બીજાને ઓછું મહત્વ આપ્યું હોવાનું ધ્યાને નથી. આદિવાસી પટ્ટામાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને ટુરિઝમ ધમધમે છે. જે કેવડિયાને ચૈતર વસાવા ‘રાજધાની’ બનાવવાની વાત કરે છે ત્યાં જ ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ આવેલું છે. તેની સાથે પ્રવાસનાં અનેક સ્થળો છે. સાપુતારા પણ ડાંગમાં આવ્યું. ડાંગ આખો જિલ્લો જ ટૂરિઝમ માટે વખણાય છે. આજે છેક છેવાડાનાં ગામો સુધી વિકાસ પહોંચતો કરવા માટે પ્રયાસ થાય છે. તો પછી અહીં એક પ્રદેશ અલગ કરવાની વાત ક્યાંથી આવી?

    લોકો નેતાઓને સાંભળે છે, તેમને અનુસરે છે. નેતાઓ વૉટબેન્કના રાજકારણના માટે અમુક વાતો મગજમાં ભરી દે તો તેની મોટી અસરો થાય છે. તેની અસર હમણાં ન દેખાય તો થોડાં વર્ષો પછી જોવા મળે છે. સીધી રીતે અલગ પ્રદેશ બનાવવાનો વિચાર તરતો મૂકવો, સોશિયલ મીડિયા પર પ્રચાર કરવો અને સાથે અધિકારીઓ-એજન્સીઓને ‘બહારના’ કહીને ધીમું ઝેર ઘોળી દેવું, આ બધું આખરે વૈમનસ્ય જ સર્જે છે અને એવી જગ્યાએ તેનો પ્રવેશ કરાવી દે છે, જ્યાં થોડાં વર્ષો પહેલાં તેનું અસ્તિત્વ જ ન હોય. બીજું મહત્વનું એ પણ છે કે ચૈતર વસાવા યુવાનોમાં વધુ જાણીતા છે. આજે જમાનો સોશિયલ મીડિયાનો છે. કોઇ પણ વાત ગણતરીની મિનિટોમાં એક મોટા વર્ગ સુધી પહોંચાડી શકાય છે. આ સંજોગોમાં યુવાપેઢીને આવી વાતો વધુ અસર કરે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં અને તેમ થાય તો તેનાં પરિણામો શું આવી શકે તે સુજ્ઞ વાચક જાણે છે.

    ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી તે પહેલાં આ પ્રકારના રાજકારણથી રાજ્ય અલિપ્ત રહ્યું હતું. કોંગ્રેસે બધું કર્યું હશે પણ આ કક્ષા સુધી તો એ પાર્ટી પણ ગઈ નથી. આમ આદમી પાર્ટીને બહુ જલ્દી ઉપર આવી જવાની મહત્વાકાંક્ષા છે કે પછી બીજું કારણ… જે હોય એ પરંતુ મહત્વાકાંક્ષા હોય તો બીજી રીતે પાર પડાય. આવા ઘાતક એજન્ડા ચલાવવા એ કોઇના હિતમાં નથી. 

    ગુજરાતી સૌને આવકાર્યા, વિકાસનું કારણ પણ એ જ

    ગુજરાત આટલો વિકાસ કરી શક્યું તેનું કારણ જ એ છે કે આપણે આવી બાબતોમાં પડ્યા નથી. આપણે ખમીરવંતી પ્રજા છીએ, આપણી ધરતી, આપણી ભાષા, આપણી સંસ્કૃતિનું આપણને ગૌરવ પણ સાથોસાથ ખુલ્લા હ્રદયે સૌને સમાવી લેતી ધરતીનાં સંતાનો છીએ. અમદાવાદ અને સુરત જેવાં શહેરો તો એવાં છે જ્યાં એવું ન બને કે ભારતના કોઇ રાજ્યનો નાગરિક ત્યાં રહેતો ન હોય. આ જ સ્વભાવના કારણે અહીં ઉદ્યોગો ફૂલ્યા-ફાલ્યા છે. તેની શું અસરો થઈ એ તો આટલાં વર્ષે આપણી આંખ સામે છે. તો હવે આપણે આપણા જ લોકોમાં બહારના અને આપણા કરીશું? એ ક્યારેય શક્ય ન બને. 

    એક તરફ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર 2047માં ગુજરાત કેવું હશે તેની કલ્પનાઓ કરીને તે દિશામાં કામ કરવાની વાત કરે છે ત્યાં અહીં વિપક્ષના નેતાઓ જુદી જ વાર્તાઓ લઈને બેઠા છે. પાર્ટીઓ કોઇ પણ હોય, ધારાસભ્યો કે સાંસદો કોઇ પણ હોય. તેમનો મકસદ પોતાના વિસ્તારનો કે રાજ્યનો વિકાસ હોવો જોઈએ, તેમાં ભાગલા પાડવાની વાત ક્યાંથી આવી? જોકે, ગુજરાતનો દરેક સમાજ જાગૃત થઈ ગયો છે અને ભાગલા પાડવાની, જાતિવાદી રાજકારણ કરવાની ચેષ્ટા કરનારાઓને કાયમ જાકારો આપતો રહ્યો છે.

    અંતે એ વાત પણ જરૂરી કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર બન્યા પછી જેમ-જેમ સત્તાથી અંતર વધતું જાય છે તેમ-તેમ એક ઈકોસિસ્ટમ બેબાકળી બનતી જાય છે. ભૂતકાળમાં શાહીનબાગથી માંડીને ખેડૂત આંદોલન થયાં, તેમાં સીધી કે આડકતરી રીતે વિદેશી શક્તિઓનો હસ્તક્ષેપ રહ્યો જ છે અને તે સાબિત થઈ ચૂક્યું છે. ખાલિસ્તાન ચળવળ પણ હમણાં થોડાં વર્ષોથી વેગ પકડી રહી છે. આવા સંજોગોમાં સરકારે બે મોરચે લડાઇ લડવાની છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં