Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણમનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયાએ પોરબંદરથી કર્યું નામાંકન, ધવલ પટેલ વલસાડથી ઊતર્યા મેદાને:...

    મનસુખ માંડવિયા, અર્જુન મોઢવાડિયાએ પોરબંદરથી કર્યું નામાંકન, ધવલ પટેલ વલસાડથી ઊતર્યા મેદાને: ભરૂચથી મનસુખ વસાવાએ પણ ફોર્મ ભર્યું  

    લોકસભા ચૂંટણીને લઈને 15 એપ્રિલે કેટલીક લોકસભા બેઠકોના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. જેમાં પોરબંદર બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા, ભરૂચના મનસુખ વસાવા, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ, સુરેન્દ્રનગરના ચંદુ શિહોરા, વલસાડના ધવલ પટેલ સહિતના ભાજપ નેતાઓનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    દેશભરમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે. ચૂંટણી માટેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે એટલે કે 7મી મેએ મતદાન થવા જઈ રહ્યું છે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારે સોમવારે (15 એપ્રિલ) રાજ્યની કેટલીક લોકસભા બેઠકોના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ઉમેદવારો પોતાનો સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે ગયા હતા. ભાજપ અને કોંગ્રસના કેટલાક લોકસભા ઉમેદવારોએ આજે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી દીધી છે.

    લોકસભા ચૂંટણીને લઈને સોમવારે (15 એપ્રિલ, 2024) રાજ્યની કેટલીક લોકસભા બેઠકોના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. જેમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ભરૂચના મનસુખ વસાવા, અમદાવાદ પૂર્વના હસમુખ પટેલ, સુરેન્દ્રનગરના ચંદુ શિહોરા, વલસાડના ધવલ પટેલ સહિતના ભાજપ નેતાઓનો સમાવેશ થાય છે. આ સાથે કોંગ્રેસના બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરના ઋત્વિક મકવાણા, જામનગરના જેપી મારવિયા સહિતનાઓએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યાં છે.

    પોરબંદર લોકસભાની સાથે વિધાનસભા બેઠક માટે પણ ફોર્મ ભરાયું

    ઉલ્લેખનીય છે કે, પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપે મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા છે. જ્યારે વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પાર્ટીએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા છે. બંને નેતાઓએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે. બંને નેતાઓએ નામાંકન પહેલાં સુદામા ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી અને જન સંપર્ક સાધ્યો હતો. ત્યાંથી તેઓ કીર્તિ મંદિર ખાતે દર્શન કરીને કલેકટર કચેરી ખાતે રવાના થયા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

    - Advertisement -

    લોકસભા બેઠકના અન્ય નેતાઓએ પણ નોંધાવી ઉમેદવારી

    આ ઉપરાંત ભરૂચ સાંસદ અને તે જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ સોમવારે સતત સાતમી વખત લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તેઓ રાજપીપળાના પોતાના નિવસ્થાનેથી ભરૂચ કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવ્યા હતા. ફોર્મ ભરતા પહેલાં તેમણે આદ્યશક્તિ મા હરસિદ્ધિના દર્શન કર્યા હતા અને પરિવાર સાથે પૂજાપાઠ કરી કુટુંબીજનો અને શુભેચ્છકોની શુભેચ્છાઓ લીધી હતી.

    આ સાથે જ વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે લોકસભાની બેઠકના ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલે તેમના નિવાસસ્થાનેથી ભાજપ કાર્યાલય અને ત્યાંથી દમણ ચૂંટણી અધિકારીની કચેરી સુધી શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી યોજી હતી. જે બાદ તેમણે ઉમેદવારી પણ નોંધાવી હતી. આ સાથે વલસાડ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ધવલ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમણે વહેલી સવારે પરિવાર સાથે પૂજા-અર્ચના કરીને તડકેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. તેઓ શક્તિ પ્રદર્શન સાથે નામાંકન ભરવા માટે પહોંચ્યા હતા. તે પહેલાં તેમણે એક મોટી સભા પણ સંબોધી હતી.

    નોંધનીય છે કે, લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલથી કરી દેવામાં આવી હતી. જે બાદ હવે 19 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. આ સાથે જ લોકસભાની અને વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લા તારીખ 22 એપ્રિલ છે. એટલે કે, 22 એપ્રિલના રોજ સાંજ સુધીમાં તમામ લોકસભા બેઠકનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં