ગીર સોમનાથ પોલીસે ઉનામાં નકલી આધારકાર્ડ બનાવતી એક ટોળકીની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ અસલમ શેખ, શબીર સુમરા અને જાવેદ મન્સૂરી તરીકે થઈ છે. તેઓ કોઇ પણ પ્રકારના આધાર-પુરાવા વગર લોકોને આધારકાર્ડ બનાવી આપતા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થોડા દિવસ અગાઉ ઉના પોલીસને એક અરજી મળી હતી, જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે પોતાનું આધારકાર્ડ બનાવવા માટે તેઓ ઉનામાં આવેલા એક સેન્ટર પર ગયા હતા, જ્યાં દુકાનના સંચાલકો અસલમ, સબીર અને જાવેદે કોઈપણ પુરાવા વગર આધારકાર્ડ બનાવી આપ્યું હતું અને બદલામાં ₹1200 જેટલી રકમ લીધી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપીઓએ પૈસા લઈને તેની પાસે કોઈપણ પુરાવા ન હોવા છતાં નકલી દસ્તાવેજો ઉભા કરીને તેમનું આધારકાર્ડ કાઢી આપ્યું હતું.
આ અંગે પોલીસે ઉના એસટી ડેપોની બાજુમાં આવેલા દરબારી આધાર સેન્ટરમાં તપાસ કરી હતી જ્યાં શંકા જતાં ત્રણેય સંચાલકોની અટકાયત કરવામાં આવી હતી. જે પછી સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. પછીથી ઉના પોલીસે નકલી આધારકાર્ડ બનાવતા ત્રણેય ઈસમો અસલમ શેખ, સબીર સુમરા અને જાવેદની ધરપકડ કરી લીધી હતી. પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ ત્રણેયે વર્ષ 2021થી અત્યાર સુધી અંદાજે 1200 જેટલાં આધારકાર્ડ બનાવ્યાં છે. જેમાંથી 40 જેટલા કાર્ડ નકલી પુરાવા ઉભા કરીને બનાવવામાં આવ્યાં છે.
આ કૌભાંડનો મુખ્ય આરોપી અસલમ શેખ કોમ્પ્યુટરમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે. આ પહેલાં તે ધોરાજી ખાતેની મામલતદાર કચેરીમાં અને પછી એક સ્થાનિક બેન્કમાં આધારકાર્ડનું જ કામ કરતો હતો. જે પછી કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં તેણે પોતાની આધારકાર્ડની દુકાન ચાલુ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે જે કોમ્પ્યુટર મારફતે નકલી આધારકાર્ડ બનાવ્યા હતા તેના બધા ડેટા દૂર કરી દીધા છે. જેની રિકવરી માટે હાલ પ્રયાસ ચાલુ છે.
આ મામલે પોલીસે ઊંડાણથી તપાસ કરતાં સામે આવ્યું કે આ સમગ્ર કૌભાંડનું કનેક્શન છેક ઉત્તર પ્રદેશ સુધી પહોંચે છે. જાણવા મળ્યું કે, આરોપીઓ નકલી આધારકાર્ડ બનાવવા માટે જે તે વ્યક્તિ પાસેથી 1200થી લઈને 25,00 સુધીની રકમ પડાવતા હતા, તેમાંથી અમુક રકમ તેઓ UPના અમુક વ્યક્તિઓને મોકલતા હતા. આ મામલે હવે સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ અને સાઈબર સેલની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. હાલ પકડાયેલા ત્રણેય આરોપી વિરુદ્ધ 410, 420, 467, 468ની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.