દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે દિવાળીના તહેવાર દરમિયાન લગાવેલા ફટાકડા પરના પ્રતિબંધનો મુદ્દો ગુજરાતમાં પણ ચર્ચાઈ રહ્યો છે. ત્યારે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેજરીવાલ અને તેમની સરકાર પર નિશાન સાધ્યું છે. સીઆર પાટીલે કહ્યું કે, આવા ધર્મવિરોધી લોકોને ઓળખી લેવા જરૂરી છે.
એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેજરીવાલ વિશે નામ લીધા વગર કહ્યું કે, “દિલ્હીના મુખ્યમંત્રીએ ફટાકડા પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે એ ભાઈ અહીં આવવાના પ્રયત્નો કરે છે. તો તમે કઈ રીતે ફટાકડા ફોડશો? એટલે આવા ધર્મવિરોધી, ફટાકડા વિરોધી અને આપણા ઉત્સવોની ઉજવણી કરવામાં રોકનાર લોકોને ઓળખી લેજો.”
રાજકોટઃ દિવાળી પહેલા ફટાકડા મુદ્દે રાજનીતિ ચાલુ
— News18Gujarati (@News18Guj) October 23, 2022
ફટાકડા ફોડવા મુદ્દે પાટીલે AAP પર સાધ્યું નિશાન
દિલ્હીમાં ફટાકડા ફોડવાની મનાઈ છેઃ પાટીલ#Gujarat #GujaratElection #Politics #BJP #AAP pic.twitter.com/mddcCdhjyu
ભાજપ પ્રદેશ પ્રમુખ રાજકોટમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા, જ્યાં તેમણે આ ટિપ્પણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં ફટાકડા પર મૂકેલો પ્રતિબંધ આ વર્ષે પણ લંબાવ્યો છે. એટલું જ નહીં, પરંતુ ફટાકડા ફોડતા અને વેચતા પકડાવા પર સજાનું પણ એલાન કરવામાં આવ્યું છે.
કેજરીવાલ સરકારના મંત્રી ગોપાલ રાયે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, રાજધાનીમાં દિવાળી પર ફટાકડા ફોડવાથી 6 મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. આ સાથે રાયે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર 5000 રૂપિયા સુધીનો દંડ અને 3 વર્ષની જેલની સજા થશે.
કેજરીવાલ સરકારના આ નિર્ણય સામે દિલ્હીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાજપ સાંસદ મનોજ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી. જોકે, કોર્ટે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવા દેવો જોઈએ અને એટલા રૂપિયાથી મીઠાઈ ખરીદવી જોઈએ.
જોકે, એક તરફ દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ હોવા છતાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યની મંત્રી તરીકે નિયુક્તિ થતાં તેમના સમર્થકોએ આતશબાજી અને ફટાકડા ફોડ્યા હતા. આ ઘટનાના વિડીયો-તસ્વીરો શૅર કરીને ભાજપે સવાલ ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે શું કાયદાઓ અને નિયમો હિંદુ તહેવારો માટે જ છે?
ગુજરાત ચૂંટણી પહેલાં કેજરીવાલ અહીં પણ તેમની પાર્ટીનો ખૂબ પ્રચાર કરી રહ્યા છે અને મંદિરે-મંદિરે ફરી રહ્યા છે ત્યારે હિંદુઓના સૌથી મોટા તહેવાર દરમિયાન તેમના ફટાકડા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયનો વિરોધ થતો જોવા મળી રહ્યો છે.