તાજેતરમાં ભરૂચમાં એક કરુણાજનક કિસ્સો સામે આવ્યો, જ્યાં પત્નીએ પહેલાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધા બાદ પતિએ પુત્રની હત્યા કરીને ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. કારણ મહિલાના એક મુસ્લિમ જિમ ટ્રેનર યુવક સાથે અનૈતિક સંબંધો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે દંપતી વચ્ચે ઝઘડા થતા રહેતા હતા. તાજેતરમાં મૃતક પતિએ તેના પિતાને લખેલા અંતિમ પત્રની વિગતો સામે આવી છે, જેમાં તેણે મુસ્લિમ યુવક સામે લવ જેહાદનો કેસ કરવા માટે કહ્યું હતું.
સમગ્ર વિગતો એવી છે કે, ભરૂચની ભોલાવ કોલોનીમાં સિનિયર સેક્શન એન્જિનિયર જતિન મકવાણા પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. બે દિવસ પહેલાં ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા. પછીથી તપાસ કરતાં સામે આવ્યું હતું કે, પતિ-પત્નીએ આપઘાત કર્યો હતો અને પુત્રની પુરુષે હત્યા કરી નાખી હતી. જતીનનો મૃતદેહ સુરવાડી પાસે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો.
તપાસ બાદ સામે આવ્યું કે, મૃતક જતીને પુત્રની હત્યા બાદ પોતે પણ આપઘાત કરવા જતાં પહેલાં તેના પિતાને મેસેજ કરીને સ્યુસાઇડ નોટ મોકલી હતી, જેમાં તેણે પત્નીના અમદાવાદના એક જિમ ટ્રેનર રાજા શેખ સાથે અનૈતિક સંબંધો હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ બાબતને લઈને તેમના ઝઘડા થતા રહેતા હતા અને અનેક વખત સમજાવવા છતાં મહિલાએ રાજા શેખ સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, મૃતક જતીનના પિતાએ જણાવ્યું કે, તેમના પુત્રની બદલી 4 મહિના પહેલાં જ અમદાવાદથી ભરૂચ થઈ હતી. જ્યારે તેઓ અમદાવાદ રહેતા ત્યારે જતીનની પત્ની તૃપલ એક જિમમાં જતી હતી, જ્યાં રાજા શેખ સાથે ‘મિત્રતા’ થઈ હતી, જે પછીથી લગ્નેતર સંબંધોમાં પરિણમી. બાબતની જાણ જતીનને થતાં તે તૃપલને જૂનાગઢ તેના પિયર મૂકી આવ્યો હતો, પણ ગત 12 જૂને જઈને ફરી લઇ આવ્યો હતો.
અહેવાલ અનુસાર, ભરૂચ આવ્યા પછી પણ તૃપલ અને રાજાના સંબંધો ચાલુ જ રહ્યા હતા. જેને લઈને ફરી બંને વચ્ચે ઝઘડા થયા હતા અને તૃપલે 19 જૂનના રોજ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અસર ન થતાં બચી ગઈ હતી. જાણવા મળ્યા અનુસાર, તે પહેલાં પણ કાયમ આત્મહત્યાની ધમકી આપતી રહેતી હતી.
જતીને તેના પિતાને એક કૉલ ડિટેલ મોકલી હોવાનું કહેવાય છે, જેમાં 1 જૂનથી 19 જૂન દરમિયાન 60થી વધુ કલાક વાત થઈ હોવાનું સામે આવ્યું હતું. જતીને સંભાવના વ્યક્ત કરી હતી કે આ વાતચીત જિમ ટ્રેનર રાજા શેખ સાથે જ થઈ હશે.
બીજી તરફ, જતીને એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજા શેખની માતાએ પણ તૃપલ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે તને કોઇ ન સાચવે તો અહીં આવતી રહેજે. સાથે આ મામલામાં તૃપલની માતાનો પણ વાંક હોવાનો તેણે આક્ષેપ સ્યુસાઇડ નોટમાં કર્યો હતો.
22 જૂનના રોજ જતીને પિતાને લખ્યો હતો પત્ર
જતીનના મૃત્યુ બાદ સામે આવ્યું કે, તેણે 22 જૂનના રોજ પણ માતા-પિતાને એક પત્ર લખ્યો હતો, જેમાં પત્નીના અનૈતિક સંબંધો વિશે વાત કરી હતી. જેમાં તેણે જિમ ટ્રેનર મુસ્લિમ યુવકો હિંદુ યુવતીને ફસાવતા હોવાનું લખ્યું હતું અને સાથે એમ પણ કહ્યું હતું કે રાજ શેખ વિરૂદ્ધ લવ જેહાદનો કેસ નોંધવામાં આવે.
ભાસ્કરે એક અહેવાલમાં આ પત્રની વિગતો પણ પ્રકાશિત કરી છે. પત્રમાં તેણે લખ્યું હતું કે, “તૃપલે મારી, (પુત્રનું નામ)ની અને આપણા બધાની જીંદગી ખરાબ કરી નાખી છે, પણ રાજા શેખને છોડતાં નહીં, (તેની સામે) લવ જેહાદનો કેસ કરજો. તેનું આ જ કામ છે. આજે મારી જીંદગી બગડી, કાલે બીજાની બગડશે.”
‘મુસ્લિમ યુવકો જિમ ટ્રેનર બનીને હિંદુ છોકરીઓને ફસાવે છે’
આગળ તેણે લખ્યું હતું કે, “જિમમાં આવા જ ધંધા ચાલે છે. મુસ્લિમ યુવકો જિમ ટ્રેનર બનીને હિંદુ છોકરીઓને ફસાવે છે અને જીવન બરબાદ કરી નાખે છે. મારી આત્માને શાંતિ મળે તેના માટે રાજા શેખને મોટામાં મોટી સજા મળે અને જીમમાં ચાલતા આવા ધંધા બંધ થાય. રાજા શેખે જ મારી અને તૃપલની જિંદગી બગાડી છે.” તેણે લખ્યું હતું કે તેની આ વાત સમાજ સુધી પહોંચાડવી જરૂરી છે.
પોલીસ કરી રહી છે તપાસ
મામલામાં હાલ ભરૂચ રેલવે પોલીસ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. જાણવા મળ્યા અનુસાર, રાજા શેખની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે. આપઘાત વિશે જાણકારી આપતાં પોલીસે કહ્યું કે, પહેલાં પત્નીએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું. ત્યારબાદ પતિએ પુત્રની હત્યા કરીને ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. હાલ FSLની ટીમ તપાસ કરી રહી છે.”