Friday, October 25, 2024
More
    હોમપેજગુજરાતજુહાપુરામાં AMCની મોટી બુલડોઝર કાર્યવાહી: કુખ્યાત નઝીર વોરાએ બનાવેલી ગેરકાયદેસર ઈમારતો થઈ...

    જુહાપુરામાં AMCની મોટી બુલડોઝર કાર્યવાહી: કુખ્યાત નઝીર વોરાએ બનાવેલી ગેરકાયદેસર ઈમારતો થઈ જમનીનદોસ્ત, સીલ મારવા છતાં કર્યું હતું બાંધકામ

    જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરાએ બનાવેલા 'નેહા ફ્લેટ' ઉપરાંત અન્ય 27 યુનિટનું બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. આ તમામ ગેરકાયદેસર બાંધકામને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    અમદાવાદના (Ahmedabad) જુહાપુરામાં (Juhapura) સોનલ સિનેમા રોડ પાસે આવેલા અને કુખ્યાત નઝીર વોરાએ બનાવેલા ‘નેહા ફ્લેટ’ નામની ઈમારતને તોડીને ગેરકાયદેસર દબાણ (illegal encroachment) હટાવવાની કામગીરી કરવામાં આવી છે. આ આખી રેસિડેન્શિયલ સ્કીમનું બાંધકામ કોઇપણ જાતની મંજૂરી લીધા વગર જ કરી દેવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) આ પહેલા જગ્યાને સીલ કરી દેવા છતાં ફરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેની જાણ થતાં જ પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરાએ બનાવેલા ‘નેહા ફ્લેટ’ ઉપરાંત અન્ય 27 યુનિટનું બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. આ તમામ ગેરકાયદેસર બાંધકામને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું હતું. સાથેજ જરૂરી કાર્યવાહી કરી આખી જગ્યાને જ સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ જગ્યા AMCના દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડની ટીપી સ્કીમ નંબર 83, ફાઇનલ પ્લોટ નંબર 82 ખાતે આવેલી છે. અહીં તોતિંગ બિલ્ડીંગ બનાવીને તેમાંથી કરોડોની કમાણી કરવાની ગણતરી સાથે નઝીરે અહીં બાંધકામ કરાવ્યું હતું.

    નોંધનીય છે કે જુહાપુરામાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી તે પહેલા વર્ષ 2020ના ઓકટોબર મહિનામાં જ AMC દ્વારા આ બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ નઝીરે કાયદાને દરકિનાર કરીને અહીં ફરી બાંધકામ શરૂ કરાવ્યું હતું. મામલો કોર્પોરેશનના ધ્યાને આવતા કાર્યવાહી કરીને આખી જગ્યાને જ સીલ કરી આગળ બાંધકામ થતું અટકાવી દેવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી વેજલપુર પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી હતી.

    - Advertisement -

    પ્રાપ્ત માહિતી અનુસાર આ આખા ડિમોલિશન ઓપરેશનમાં 3 બુલડોઝર, 6 બ્રેકર મશીન, 7 ગેસ કટર અને ખાનગી કોન્ટ્રાક્ટરના 50થી વધુ શ્રમિકો કામે લાગ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસે કાર્યવાહી દરમિયાન આખી જગ્યા કોર્ડન કરીને રાખી હતી.

    કોણ છે કુખ્યાત નઝીર વોરા?

    નોંધનીય છે કે નઝીર વોરા જુહાપુરામાં માથાભારે તરીકે છાપ ધરાવે છે. તેની ઉપર અત્યાર સુધીમાં કુલ 30 કેસ નોંધાયા છે, ઉપરાંત અનેક વખત તેની ધરપકડ પણ થઇ ચૂકી છે. નઝીર વોરા અત્યાર સુધીમાં ચાર વખત ફરાર થયા બાદ ઝડપાઇ ચૂક્યો છે તેમજ પાંચ વખત પાસા (PASA) હેઠળ જેલમાં જઈ ચૂક્યો છે. તેની વિરુદ્ધ 1994થી લઈને અત્યાર સુધીમાં હત્યાના પ્રયાસ, ધમકી, ખંડણી, સંપત્તિ હડપ કરી લેવી વગેરે મામલે કેસ નોંધાઈ ચૂક્યા છે.

    કહેવાતો બિલ્ડર નઝીર વોરા નામચીન ગુંડો બની ગયો હતો અને તેની કુંડળી ગુનાઓથી ભરેલી છે. જુહાપુરામાં તેણે અનેક ગેરકાયદે બાંધકામો કર્યાં હતાં. જેમાંથી કેટલાંક ગેરકાયદે બાંધકામો તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમે નઝીરના તોડી પાડ્યા હતા. નઝીર બિલ્ડર હોવાનું કહીને લોકોની જમીનો અને મિલકતો પચાવી પાડવાનું કામ કરે છે. તેણે સરકારી જમીનો પર દબાણ કરી મિલ્કતો ઉભી કરી લોકોને ભાડે આપી લાખોની કમાણી કરી લીધી હતી. અગાઉ પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતો હતો પરંતુ કડક અધિકારીઓ આવતા તેનું ન ચાલ્યું અને એક પછી એક કેસમાં ધરપકડ થવા માંડી હતી.

    નઝીર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવતાં તે પત્ની સાથે ફરાર થઇ ગયો હતો. તે ખેડા નજીક સાસરે રહેતો હતો પરંતુ તેની વિરુદ્ધ વોરન્ટ ઈસ્યૂ કરવામાં આવતાં 2021માં આત્મસમર્પણ કરી દીધું હતું. જે બાદ તેને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. નઝીર વોરા એક સમયે અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર અબ્દુલ લતીફના જમણા હાથ ગણાતા અબ્દુલ વહાબ સાથે કામ કરતો હતો. જોકે, પછીથી તે અલગ થઇ ગયો હતો. 2012 માં નઝીર પર વહાબ ગેંગ દ્વારા ફાયરિંગ પણ થયું હતું.

    નોંધનીય છે કે, માત્ર નઝીર વોરા જ નહીં પરંતુ તેની પત્ની વિરુદ્ધ પણ કેસ નોંધાઈ ચૂક્યા છે. 2019 માં પાલડીના એક રહીશે નઝીર વોરાની પત્ની સાજેદા વોરા વિરુદ્ધ ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદી જુહાપુરામાં પ્લાસ્ટિકની ફેક્ટરી ચલાવતા હતા, જે ખાલી કરી દેવા માટે તેમને ધમકી આપવામાં આવી હતી. સાજેદા અને તેના સાથીદારોએ ફેક્ટરી પર જઈને ધમકી આપી હતી અને જ્યારે ફરિયાદીએ પોલીસને જાણ કરી તો સાજેદા અને અન્યોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં