ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ દ્વારકામાં બનીને તૈયાર થઈ ગયો છે. 25 ફેબ્રુઆરીએ ઓખા-દ્વારકા સિગ્નેચર બ્રિજનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ બ્રિજને ‘સુદર્શન સેતુ’ નામ આપવામાં આવ્યું છે. PM મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક પ્રોજેક્ટ આ પણ હતો. આ બ્રિજ જગત મંદિર સુધી જવા માંગતા યાત્રાળુઓ માટે વરદાનરૂપ સાબિત થશે. ઓખાથી દ્વારકા સુધી આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યો છે. 2.32 KM સુધીની તેની લંબાઈ છે. સાથે સુદર્શન સેતુની અનેક વિશેષતાઓ પણ છે.
ઓખાથી દ્વારકા જવા માટે પહેલાં યાત્રાળુઓએ સમુદ્ર માર્ગે હોડીનો ઉપયોગ કરીને જવું પડતું હતું. તેમાં ઓવરલોડ જતી બોટના કારણે જીવને જોખમ પણ વધારે રહેતું હતું. નજીકના ભૂતકાળમાં જ આવી બે-ત્રણ ઘટનાઓ (મોરબી, વડોદરા) બની છે. ત્યારે સરકારે આ બ્રિજ બનાવીને એક મોટી ચિંતા દૂર કરી છે. સાથે જ યાત્રાળુઓને હોડીમાં બેસીને મંદિર સુધી જવામાં ઘણો સમય લાગી જતો હતો. જ્યારે હવે બ્રિજ બની જવાથી તે સફર માત્ર 3 કલાકમાં પૂર્ણ થશે. આ સાથે આ સુદર્શન સેતુની અન્ય પણ અનેક આધુનિક અને ધાર્મિક વિશેષતાઓ છે.
₹980 કરોડના ખર્ચે બન્યો છે આધુનિક બ્રિજ
2320 મીટર લંબાઈ ધરાવતા આ સુદર્શન સેતુનું નિર્માણ ₹980 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં આ બ્રિજનું નિર્માણ પણ સામેલ હતું. બ્રિજ માટે 38 સ્તંભો સમુદ્રમાં બનાવવામાં આવ્યા હતા. તેનું નિર્માણ કાર્ય 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે હવે તે બનીને તૈયાર છે. આ બ્રિજની ડિઝાઈન પણ ખૂબ આકર્ષક અને આધુનિક માનવામાં આવી રહી છે. આ બ્રિજના નિર્માણથી યાત્રાળુઓની સાથે સ્થાનિકોને પણ ખૂબ લાભ પહોંચશે. હોસ્પિટલની ઈમરજન્સી દરમિયાન પણ દ્વારકાથી ઈમરજન્સી બોટનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેને લીધે સમય પણ વધુ જતો હતો અને યોગ્ય સારવાર પણ મળી શકતી હોતી. હવે આ બ્રિજના નિર્માણથી ઈમરજન્સી દરમિયાન કોઈપણ વાહન લઈને મોટાં શહેરમાં જઈ શકાશે.
બ્રિજની બંને બાજુ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો
સુદર્શન સેતુની ડિઝાઈન અદ્વિતીય છે. તેની બંને તરફ શ્રીમદ ભગવદ ગીતાના પવિત્ર શ્લોકો અને ધર્મ ઉપદેશો કંડારવામાં આવ્યા છે. સાથે જ ભગવાન શ્રીકૃષ્ણનાં ચિત્રોથી તે બ્રિજને ખૂબ જ આકર્ષક બનાવવામાં આવ્યો છે. બ્રિજ પર બનેલા ફૂટપાથના ઉપરના ભાગ પર સોલર પેનલ પણ લગાવવામાં આવી છે. જેનાથી ચાલી રહેલા પ્રવાસીઓને તડકો પણ નહીં લાગે અને એક મેગાવોટ વીજળી પણ ઉત્પન્ન થશે. જેનો ઉપયોગ બ્રિજ પર પ્રકાશ આપવા અને લાઈટિંગ માટે કરવામાં આવશે. આ બ્રિજથી વાહનવ્યવહાર પણ ખૂબ સરળ બની જશે અને યાત્રાળુઓના સમયની પણ બચત થશે. આ સુદર્શન સેતુ દ્વારકાના મુખ્ય આકર્ષણ કેન્દ્ર તરીકે પણ કાર્ય કરશે.
Tomorrow, Prime Minister @narendramodi Modi will dedicate to the nation, Sudarshan Setu connecting Okha mainland and Beyt Dwarka island. It is built at a cost of around Rs. 980 crores. It is the longest Cable-stayed bridge in the country of around 2.32 Km.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 24, 2024
Sudarshan Setu boasts… pic.twitter.com/qlRkBhq1s1
આ બ્રિજ 2320 મીટર લાંબો છે, જેમાંથી 900 મીટર સુધી કેબલ સાથે જોડાયેલો છે. આ સાથે એક મોટા પાર્કિંગ ક્ષેત્રનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. બ્રિજના મુખ્ય વિસ્તારમાં 130 મીટર સુધી તોરણ પણ લગાવવામાં આવ્યા છે. આ ફોરલેન બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે અને તેની બંને બાજુ 2.50 મીટર ફૂટપાથ છે. ફૂટપાથની નજીકની દીવાલો પર જ ભગવાન શ્રીકૃષ્ણના આકર્ષક ચિત્રો દર્શાવવામાં આવ્યાં છે.
આ ઉપરાંત પર્યટકો બ્રિજ પરથી કુદરતી દ્રશ્ય અને સમુદ્રના નજારાના પણ દર્શન કરી શકશે. આખા બ્રિજ દરમિયાન 12 જગ્યાએ વ્યૂઈંગ ગેલેરી પણ બનાવવામાં આવી છે. જેથી કોઈપણ યાત્રાળુ ત્યાંથી સમુદ્ર અને દ્વારકાના કુદરતી દ્રશ્યોનો લ્હાવો ઉઠાવી શકશે. આ ઉપરાંત સાંજના સમયે બ્રિજ ખૂબ જ આકર્ષક દેખાશે, કારણ કે બ્રિજ પર એડવાન્સ અને આધુનિક લાઈટિંગ પણ ઉમેરવામાં આવ્યું છે. એ ઉપરાંત તેના સ્તંભો પર મોરપિચ્છની ડિઝાઈનો બનાવવામાં આવી છે. જે દિવસે અને રાત્રે બંને સમયે પ્રદર્શિત થશે.