તાજેતરમાં જ અમદાવાદ પોલીસે જેની વંદે ભારત ટ્રેનમાં ચોરી કરવા મામલે ધરપકડ કરી હતી તે મોહમ્મદ શેહબાઝ ‘લવ જેહાદ’માં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. જાણકારી અનુસાર, તેણે ખોટી ઓળખ ધારણ કરીને મૂળ ઝારખંડની એક હિંદુ યુવતીને ફસાવી હતી અને તેની સાથે લગ્ન પણ કર્યાં હતાં. આ મામલે અલીગઢ પોલીસ મથકે તેની વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ અમદાવાદ પોલીસે તેને UP પોલીસને સોંપી દીધો છે.
નોંધનીય છે કે અમદાવાદ પોલીસે શાહબાઝને વંદે ભારતમાં ચોરી કરવા મામલે પકડ્યો હતો. તેની પાસેથી ‘મેજર હર્ષિત ચૌધરી’નું આઇડી કાર્ડ મળી આવ્યું હતું, પરંતુ હકીકતે તેની સાચી ઓળખ છે મોહમ્મદ શહબાઝ અને પોતે ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે. તેણે હિંદુ નામથી આધાર કાર્ડ બનાવ્યું હતું એટલું જ નહીં પોતે સેનામાં ન હોવા છતાં સેનાના અધિકારીનું પણ નકલી કાર્ડ બનાવી રાખ્યું હતું. તેની ધરપકડ બાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે તે ‘લવ જેહાદ’માં પણ સંડોવાયેલો છે અને અનેક હિંદુ છોકરીઓને ખોટી ઓળખ ધારણ કરીને ફસાવી હતી.
વાસ્તવમાં પોલીસને વંદે ભારતમાં એક ટ્રોલી બેગ ચોરી થયાની ફરિયાદ મળી હતી. આ મામલે પોલીસે CCTV ફૂટેજ અને ટ્રેનના પેસેન્જર ચાર્ટની તપાસ કરતાં આરોપીએ ‘હર્ષિત મનોજસિંહ ચૌધરી’ નામથી સીટ બૂક કરાવી હતી. પોલીસે તેને શોધી કાઢીને પકડી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મોહમ્મદ શેહબાઝ જણાવીને ‘હર્ષિક ચૌધરી’નું ખોટું આઇડી બનાવ્યું હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત, વધુમાં જાણવા મળ્યું હતું કે, 2015માં તે આર્મીમાં ભરતી થયો હતો પરંતુ જૂન, 2024માં અનફિટ હોવાના કારણે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.
પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, શેહબાઝે હિંદુ ઓળખ ધરાવતું આધાર કાર્ડ, પાન કાર્ડ અને આર્મીના મેજરના ખોટા આઇડી કાર્ડનો ઉપયોગ રેલવે, એર મુસાફરી માટે કર્યો હતો. એટલું જ નહીં તેણે હિંદુ ઓળખ ધારણ કરીને જ મૂળ ઝારખંડની એક હિંદુ યુવતીને પણ ફસાવી હતી. આ મામલે તેની વિરુદ્ધ અલીગઢમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ પૂછપરછ કરી રહી હતી ત્યારે જ એક મહિલાએ ફોન કર્યો ને ભાંડો ફૂટ્યો
મામલાની તપાસ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જે. એચ ગઢવીએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપીની પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન જ એક મહિલાએ તેને કોલ કર્યો હતો. મહિલાએ પછીથી પોલીસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હર્ષિત ચૌધરી તેનો પતિ છે અને ઘણા સમયથી ઘરે પરત ફર્યો નથી. જેથી તેણે તેના (આરોપીના) ફોન નંબર પર કોલ કર્યો હતો. પરંતુ પોલીસે યુવતીને જણાવ્યું કે જેને તે પતિ માની રહી છે તે ખરેખર હર્ષિત નહીં પરંતુ મોહમ્મદ શેહબાઝ છે. જે સાંભળીને યુવતીના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. ત્યારબાદ તેણે પોતાની રીતે તપાસ કર્યા બાદ અલીગઢના એક પોલીસ મથકે શેહબાઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
અલીગઢની યુવતીએ નોંધાવી ફરિયાદ
દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, યુવતીએ 8 સપ્ટેમ્બરના રોજ અલીગઢના બન્ના દેવી પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું કે, તે મૂળ ઝારખંડના ચાઈબાસાની વતની છે. મોહમ્મદ શેહબાઝે તેનો સંપર્ક શાદી ડોટ કોમ થકી સંપર્ક કર્યો હતો અને પોતાની ઓળખ ‘હર્ષિત ચૌધરી’ તરીકેની આપીને પોતાને સેનાનો જવાન ગણાવ્યો હતો. વિશ્વાસ અપાવવા માટે તેણે યુવતીને વોટ્સએપ નંબર પર ફર્જી આધાર કાર્ડ અને સેનામાં મેજરનું આઇડી કાર્ડ પણ મોકલ્યું હતું.
ત્યારબાદ શેહબાજે યુવતીને અલીગઢ બોલાવી લઈને 5 માર્ચ, 2023ને મંદિરોમાં હિંદુ રીતિ-રિવાજ સાથે લગ્ન કરી લીધાં હતાં અને ત્યારબાદ અલીગઢમાં જ ભાડાંનું મકાન લઈને યુવતીને ત્યાં જ રાખી હતી.
યુવતીએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, “લગ્ન બાદથી જ શેહબાઝનો વ્યવહાર બદલાઈ ગયો હતો અને સેનામાંથી રજા ન મળવાનું કહીને એકલી છોડીને ચાલ્યો ગયો હતો.” ઉપરાંત, મારપીટ અને ગાળાગાળી કરીને બળજબરીથી શારીરિક સંબંધો બાંધવાનો અને વિરોધ કરવા પર મારી નાખીને ટુકડા-ટુકડા કરી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. યુવતીએ ફરિયાદમાં એમ પણ કહ્યું કે, શેહબાઝ તેને કહેતો હતો કે તે સેનામાં છે અને એટલે તેનું કોઇ કશું કરી શકતું નથી.
વધુમાં પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, શેહબાઝ પહેલેથી જ પરણિત છે અને બે સંતાનો પણ છે. અલીગઢ પોલીસે પીડિતાની ફરિયાદ પર ગુનો દાખલ કર્યા બાદ અમદાવાદ પોલીસ તેને લઈને અલીગઢ પહોંચી હતી અને ત્યાં ટ્રાન્સફર વૉરન્ટથી અલીગઢ પોલીસે તેની કસ્ટડી મેળવી હતી.
દૈનિક ભાસ્કરના એક રિપોર્ટ અનુસાર, અમદાવાદ અને અલીગઢ પોલીસનું કહેવું છે કે પૂછપરછમાં શેહબાઝે અલગ-અલગ રાજ્યોની કુલ 24 યુવતીઓનાં નામ જણાવ્યાં છે. જોકે, અમદાવાદ પોલીસના અધિકારી જે. એચ ગઢવીએ જણાવ્યું હતું કે, હાલ આ મામલો તપાસ હેઠળ છે અને આ બાબતની શક્યતાઓ પણ નકારી શકાય નહીં.