શ્રદ્ધા હત્યા કેસને લઈને આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુજરાત આવેલા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પણ આ મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું કે, જો દેશમાં મજબૂત નેતૃત્વ નહીં હોય તો દરેક શહેરમાંથી આફતાબ નીકળશે અને આપણે સમાજની રક્ષા કરી શકીશું નહીં.
#WATCH | If today the country does not have a strong leader, a govt that respects nation as a mother, such Aftabs will emerge in every city and we will not be able to safeguard our society: Assam CM Himanta Biswa Sarma on Shraddha Murder Case (18.11.22) pic.twitter.com/HwZQn0BssF
— ANI (@ANI) November 19, 2022
કચ્છમાં એક સભા સંબોધતાં આસામ સીએમે કહ્યું કે, “જોયો છે દેશનો માહોલ? હાલમાં જ કોઈ આફતાબ શ્રદ્ધા બહેનને મુંબઈથી લાવ્યો અને લવજેહાદના નામ પર 35 ટુકડા કર્યા અને પછી તેને ફ્રિજમાં ભરી દીધા. એ ટુકડા ફ્રિજમાં જ હતા ત્યારે એક બીજી યુવતીને લઇ આવ્યો અને ત્યાં ડેટિંગ શરૂ કરી દીધું.”
હિમંત બિસ્વા સરમાએ આગળ કહ્યું, “દેશમાં શક્તિશાળી નેતા નહીં હોય, દેશને મા માનનારી સરકાર નહીં હોય તો દરેક શહેરમાં આવા આફતાબ પેદા થશે. આપણે સમાજની રક્ષા કરી શકીશું નહીં.”
આ ઉપરાંત, તેમણે કોમન સિવિલ કોડની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાઈ, ટ્રિપલ તલાકની પ્રથામાંથી મુસ્લિમ મહિલાઓને મુક્તિ મળી. બધું શાંતિથી પાર પડ્યું અને કોઈ ઉહાપોહ ન થયો. થોડી ધીરજ રાખો, કોમન સિવિલ કોડ પણ આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકારે કોમન સિવિલ કોડ લાગુ કરવા માટે વિચારણા શરૂ કરી દીધી છે અને આ માટે એક સમિતિ પણ બનાવવામાં આવી છે. આ સમિતિ પોતાનો રિપોર્ટ સોંપે ત્યારબાદ કાયદા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
શ્રદ્ધા હત્યા કેસ
મુંબઈની શ્રદ્ધા વૉકર નામની એક હિંદુ યુવતીને આફતાબ આમીન પુનાવાલાએ દિલ્હી લઇ જઈ ગળું દબાવીને મારી નાંખ્યા બાદ તેના મૃતદેહના 35 ટુકડા કરી નાંખ્યા હતા અને તેને ભરવા માટે એક નવું ફ્રિજ પણ લાવ્યો હતો. મૃતદેહના ટુકડા ધોઈને-સાફ કરીને તેણે ફ્રિજમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ સતત 18 દિવસ સુધી દરરોજ નજીકના જંગલમાં જઈને ટુકડા ફેંકી આવતો હતો.
આખરે તપાસ બાદ 6 મહિને પોલીસ તેના સુધી પહોંચી શકી હતી અને ધરપકડ કરી લીધી હતી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને પૂછપરછ-તપાસ ચાલી રહી છે.