વનકર્મીઓને માર મારવાના ગુનામાં છેલ્લા મહિનાથી ફરાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરેન્ડર કર્યા બાદ શુક્રવારે (15 ડિસેમ્બર, 2023) તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ચૈતર વસાવા સામે ગત 3 નવેમ્બરના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારથી તેઓ ફરાર હતા અને પોલીસ શોધી રહી હતી. દરમ્યાન, તેમણે આગોતરા જામીન માટે પહેલાં સેશન્સ કોર્ટ અને ત્યારબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી, જે બંને નામંજૂર થઈ ગઈ હતી. આખરે ગુરૂવારે (14 ડિસેમ્બર) તેમણે પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું હતું.
MLA Chaitar Vasava Latest News: સરેન્ડર બાદ ડેડીયાપાડા કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર | VTV GUJARATI#narmadanews #narmada #dediyapada #chaitarvasava #gujarat #gujaratinews #vtvgujarati pic.twitter.com/XMFyIBUXnt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 15, 2023
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે ચૈતર વસાવાને હાજર કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ દલીલોને અંતે આખરે કોર્ટે 3 દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવેથી 3 દિવસ માટે ચૈતર વસાવા પોલીસ કસ્ટડીમાં રહેશે અને પૂછપરછનો સામનો કરશે. પોલીસ તેમની પાસેથી કેસને લગતી પૂછપરછ કરશે તેમજ જે હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું તે અંગે પણ માહિતી મેળવશે. જોકે, વસાવાના વકીલ કાયમ કોર્ટમાં કહેતા રહ્યા છે કે આ ફાયરિંગવાળી વાત સાચી નથી. રિપોર્ટ અનુસાર, કોર્ટે કહ્યું છે કે કસ્ટડી દરમિયાન MLAને કોઇ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે.
શું છે કેસ?
આ કેસ ગત ઓક્ટોબર મહિનાનો છે. એક ખેડૂતે વન વિભાગની જમીન પર ગેરકાયદેસર રીતે ખેતી કરી હતી, જેને હટાવવા માટે અગાઉ વિભાગે આદેશ આપ્યા હતા, પરંતુ તેમ છતાં ન હટાવાતાં ઓક્ટોબર અંતમાં વન વિભાગના કર્મચારીઓએ સરકારી જમીન પરથી પાક હટાવી દીધો હતો. આ કાર્યવાહી બાદ ખેડૂતે ધારાસભ્ય ચૈતર વસાવાને ફરિયાદ કરતાં તેમણે વન વિભાગના કર્મચારીઓને ઘરે મળવા બોલાવ્યા હતા.
આરોપ છે કે અહીં ચૈતરે તેમની સાથે મારપીટ કરી હતી અને મારી નાખવાની ધમકી આપીને ખેડૂતોને વળતર આપવા માટે કહ્યું હતું. અહીં તેમણે પોતાની પિસ્તોલ વડે ફાયરિંગ પણ કર્યું હોવાનું કહેવાય છે. પછીથી કર્મચારીઓએ ડરના માર્યા ખેડૂતને રકમ પણ ચૂકવી હતી. પરંતુ ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
પોલીસે ત્યારબાદ ચૈતર વસાવા, તેમની પત્ની, PA અને ખેડૂત સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ધારાસભ્ય છૂમંતર થઈ ગયા હતા. જોકે, તેમની પત્ની અને PA પકડાઈ ગયાં હતાં. હવે MLA પોતે પણ પકડાઈ ગયા છે અને પોલીસ કસ્ટડીમાં છે.