ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધુ એક નેતા વિવાદમાં સપડાયા છે. એક વાયરલ વિડીયોમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને વેરાવળની સોમનાથ બેઠક પરથી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર જગમાલ વાળા એક જાહેર સભામાં લોકોને દારૂ અંગે વાત કરતા જોવા મળે છે. તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.
આમ આદમી પાર્ટીના નેતા જગમાલ વાળા જાહેરસભાને સંબોધતા કહે છે કે, “આખી દુનિયામાં 800 કરોડની વસ્તી છે. કુલ 196 દેશો છે. આખી દુનિયામાં દારૂ પીવાની છૂટ છે. ભારતમાં 130 કરોડની વસ્તી છે. તેમાં પણ આખા દેશમાં દારૂ પીવાની છૂટ છે. માત્ર ગુજરાતમાં સાડા છ કરોડની વસ્તીમાં જ દારૂબંધી છે. એટલે સાબિત થઇ જાય છે કે દારૂ ખરાબ નથી.”
गुजरात के छह करोड़ लोगो के लिए शराब बंद है। लेकिन 196 देशों में शराब बंद नहीं है, भारत में करोड़ों की आबादी के लिये शराब बंद नहीं है। यह बताता है कि शराब पीना ख़राब बात नहीं है : गुजरात के आम आदमी पार्टी नेता pic.twitter.com/kY2vggiMd2
— Anurag Chaddha (@AnuragChaddha) September 22, 2022
સભા સંબોધતા તેઓ આગળ કહે છે કે, “દારૂ ખરાબ નથી, પણ દારૂ આપણને પી જાય છે, એ વાંધો છે. પણ હવે આપણે દારૂને પીવાનો છે. આપણે પીએ તો દારૂ ખરાબ નથી. બાકી તાકાત હોય તો દારૂ પીઓ. મોટા-મોટા ડોકટરો, આઈએએસ પણ દારૂ પીએ છે.”
જગમાલ વાળા આમ આદમી પાર્ટીના સોમનાથ બેઠક પરના વિધાનસભા ઉમેદવાર છે. ઉપરાંત, તેઓ આમ આદમી પાર્ટીના ગુજરાતના ઉપાધ્યક્ષ પણ છે. તેઓ અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં હતા. ત્યારબાદ ગત મે મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ત્રીસેક બેઠકો પર જ વિધાનસભા ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી છે, પરંતુ તેમાંથી પણ બે-ત્રણ ઉમેદવારો વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. આ પહેલાં વેજલપુર વિધાનસભા બેઠક પરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ વિવાદમાં આવી ચૂક્યા છે.
વેજલપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ કલ્પેશ પટેલને ટિકિટ આપી છે. જોકે, જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર તેમની કેટલીક દારૂ અને હુક્કાની પાર્ટીની તસ્વીરો વાયરલ થઇ ગઈ હતી. જોકે, તેઓ પણ અગાઉ કોંગ્રેસમાં હતા, જ્યાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આ ઉપરાંત, છોટાઉદેપુરની નાંદોદ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પ્રફુલ વસાવાને ટિકિટ આપતાં તેમનો પણ સ્થાનિક સ્તરે વિરોધ થયો હતો. નાંદોદ વિધાનસભા બેઠક પરથી તેમનું નામ જાહેર કરવામાં આવતાં જ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતાઓ-કાર્યકરોએ જ વાંધો ઉઠાવ્યો હતો અને ‘હાય-હાય’ના નારા પણ લગાવ્યા હતા. કાર્યકર્તાઓએ પ્રફુલ વસાવાને આયાતી ઉમેદવાર ગણાવ્યા હતા. કારણ કે તેઓ પણ બીટીપીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
હવે વધુ એક ઉમેદવારે જાહેરમાં બફાટ કરતાં આમ આદમી પાર્ટીના નેતાઓ-પ્રવક્તાઓ ફરી મુશ્કેલીમાં મૂકાયા છે તો બીજી તરફ, સોશિયલ મીડિયા પર ઝડપથી વિડીયો વાયરલ થઇ રહ્યા છે.