લોકસભા ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, દેશની જનતાએ દેશનું ભવિષ્ય EVMમાં કેદ કરી દીધું છે. અગામી 4 જૂને પરિણામો પણ જાહેર થઇ જશે. જોકે જે એક્ઝિટ પોલ્સ સામે આવી રહ્યા છે, તેનાથી દેશનો મિજાજ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. એક્ઝિટ પોલ્સ અનુસાર દેશમાં ફરી એક વાર મોદી સરકાર બનવા જઈ રહી છે. લગભગ તમામ એજન્સીઓના પોલસમાં ભાજપ પૂર્ણ બહુમતી મેળવીને ફરી સરકાર સ્થાપવા જઈ રહી છે. પરંતુ સામે આવેલા એક્ઝિટ પોલ્સ જોઈને કોંગ્રેસ સહિતની INDI ગઠબંધનની પાર્ટીઓ આકુલ-વ્યાકુળ જણાઈ રહી છે. દર વખતે કારમી હાર બાદ EVM ને ભાંડતો વિપક્ષ આ વખતે રીઝલ્ટ પહેલાથી જ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ અને મીડિયાને ભાંડતો જોવા મળી રહ્યો છે.
વિપક્ષી ગઠબંધનો અને કોંગ્રેસની બોખલાહટ પર જતા પહેલા એક વાર લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ શું કહે છે તેના પર નજર મારવી જરૂરી છે. તાજેતરમાં ઑપઇન્ડિયાએ આપેલા અનુમાન અનુસાર લોકસભા ચૂંટણી 2024માં ભારતીય જનતા પાર્ટી 345થી 355 બેઠકો મેળવી શકે છે. જ્યારે NDA 380-90 કે 400 પાર પણ જઈ શકે છે. 2019માં જે-જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું ત્યાં બહુ નુકસાન થવાનાં એંધાણ નથી દેખાઈ રહ્યા. જ્યારે દક્ષિણનાં અમુક રાજ્યો અને પૂર્વનાં રાજ્યો ખાસ કરીને બંગાળ અને ઓડિશામાં ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. તમિલનાડુ અને કેરળમાં પણ ખાતું ખૂલતું જોવા મળી રહ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પાર્ટી આજ સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તોપણ નવાઈ નહીં.
તાજેતરમાં જ કોંગ્રેસના રાજકુમાર રાહુલ ગાંધીનો એક વિડીયો સામે આવ્યો. આ વિડીયોમાં મીડિયા રાહુલ ગાંધીને લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ વિશે સવાલ કરે છે. સવાલ સાંભળતા જ તેમના હાવભાવ બદલાઈ જાય છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાહુલ ગાંધીને ક્રોધ આવી રહ્યો છે. તેમના ચહેરા પર અકળામણ ચોખ્ખી વરતાઈ રહી છે. મીડિયાના સવાલ પર અકળાઈને રાહુલ કહે છે કે, “આનું નામ એક્ઝિટ પોલ્સ નહીં, તેનું નામ મોદી-મીડિયા પોલ. આ મોદીજીનો પોલ છે.” તમારી કેટલી સીટો આવી રહી છે? આ સવાલનો સીધો જવાબ આપવાના બદલે અકળાયેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, “સિદ્ધુ મુસેવાલાનું ગીત સાંભળ્યું છે 295?”
#WATCH | Congress leader Rahul Gandhi says, "It is not exit poll, it is Modi media poll. It is his fantasy poll."
— ANI (@ANI) June 2, 2024
When asked about the number of seats for INDIA alliance, he says, "Have you heard Sidhu Moose Wala's song 295? 295." pic.twitter.com/YLRYfM4xwW
આ તો થઇ રાહુલ ગાંધીની વાત. હવે તેમની આ હાલત હોય તો પાર્ટીના બાકીના નેતાઓની પરિસ્થિતિ વિચારો કે શું હશે. કોઈ પણ ન્યુઝ ચેનલ ખોલીને જુઓ, તો કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ એક્ઝિટ પોલ્સને ખોટા પોલ્સમાં ખપાવવામાં લાગી પડેલા જોવા મળી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ (સંચાર) જયરામ રમેશની પણ આવી જ હાલત જોવા મળી. તેમણે તો એક્ઝિટ પોલ્સને મોદી દ્વારા બનાવવામાં આવેલા મનોવૈજ્ઞાનિક દબાવમાં ખપાવી દીધો. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “4 જૂને જે પરિણામ આવવાના છે અને આજના જે પોલ્સ છે તેમાં જમીન આસમાનનો ફર્ક જોવા મળશે. આ એક્ઝિટ પોલ્સ માત્ર મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું કરવાનો કીમિયો છે. અમને ભરોસો છે કે INDIA ગઠબંધનને 295 સીટો મળવા જઈ રહી છે.”
एग्जिट पोल और 4 जून को आने वाले वास्तविक परिणाम में जमीन-आसमान का फर्क होगा।
— Congress (@INCIndia) June 2, 2024
यह एग्जिट पोल सिर्फ मनोवैज्ञानिक दबाव बनाने का एक तरीका है।
मैं पूरे विश्वास के साथ कह रहा हूं कि INDIA गठबंधन को कम से कम 295 सीटें मिलने जा रही हैं।
: कांग्रेस महासचिव (संचार) श्री @Jairam_Ramesh pic.twitter.com/6AAztcpmPq
એક્ઝિટ પોલ્સની વાત કરવામાં આવે તો બાકીના મોટાભાગના પોલ્સ પણ દેશમાં ફરી એક વાર મોદી સરકાર બની રહી હોવા તરફ ઈશારો કરે છે. હા આંકડા થોડા આઘા-પાછા ચોક્કસ છે, પરંતુ સરકાર તો ભાજપની જ બનતી નજરે પડી રહી છે. છેલ્લા દશ વર્ષમાં કરેલા કાર્યોનું સરવૈયું દેશની જનતા સામે રાખીને છાતી ઠોકીને પીએમ મોદી અને ભાજપે આ લોકસભા ચૂંટણી લડ્યું છે. જેના પરિણામ સ્વરૂપ આજે આવેલા એક્ઝિટ પોલ્સના પરિણામો દેશ આખો જોઈ રહ્યો છે.
નોંધનીય છે કે કોંગ્રેસ અને વિપક્ષને જયારે જયારે જનતાએ નકાર્યા છે, ત્યારે-ત્યારે તેમણે પોતાની નિષ્ફળતા, જનતાની નજરોમાં પોતાના પ્રત્યેનો અવિશ્વાસ ઠુકરાવીને પોતાની કારમી હારનું ઠીકરું EVM પર ફોડ્યું છે. પરંતુ આ વખતનું ચિત્ર સાવ જુદું છે. પરિણામો જાહેર થાય અને EVM પર ઠીકરું ફૂટે તે પહેલા જ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધનો એક્ઝિટ પોલ્સ જોઇને ઉકળી ઉઠ્યા છે. સ્વતંત્ર એજન્સીઓ દ્વારા ગ્રાઉન્ડ સરવે કરીને તૈયાર કરવામાં આવતા એક્ઝિટ પોલ્સ બહાર પડતા હોય છે. હા, એ ખરું કે આ માત્ર એક અંદાજો છે, પરિણામ નહીં. તેમ છતાં હાલ કોંગ્રેસ આ એક્ઝિટ પોલ્સ જોઇને બોખલાઈ ગયું છે.
સીધી ભાષામાં કહીએ તો પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને પરિણામનો અંદાજો તો હોય છે. તેને બહુ સારી રીતે ખ્યાલ હોય છે કે આખું વર્ષ તેણે ભણવા પાછળ કેટલી મહેનત કરી છે અને ક્યાં વિષયમાં તેણે શું ઉકાળ્યું છે. હા, ત્યાં કોઈ એક્ઝિટ પોલ્સ નથી હોતા. પણ કોઈ પૂછે કે પરીક્ષા કેવી ગઈ કે મહેનત કેવી કરી ત્યારે હોશિયાર વિદ્યાર્થી હોય કે ઠોઠ નિશાળીયો તે તમામના જવાબ સરખા જ હોય છે કે સરસ અને જોરદાર. અને પરિણામના દિવસે તે ‘સરસ’ અને ‘જોરદા’ કેવું હોય તે સામે આવે છે. પણ હા, ઓછા માર્ક્સ મેળવેલા કે પછી નાપાસ થયેલા બાળકો ક્યારે પરીક્ષા કે પેપર તપાસનારને પરિણામનો દોષ નથી દેતા અને તેને સ્વીકારે છે. ત્યારે હવે એક્ઝિટ પોલ્સને ભાંડી રહેલી કોંગ્રેસ અને તેની ગઠબંધનની પાર્ટીઓ પરિણામના દિવસે શું કરે છે તે જોવું રહ્યું.